સાચા દિલથી કરેલી સેવા પણ ‘ઝેરી’ હોય તો…?

The Toxic Charity by Robert Lupton
[NGO, જાહેર સેવાકીય સંસ્થાઓ, ટ્રસ્ટ, અનૌપચારિક સમાજ સેવકો વગેરે માટે ઉપયોગી પુસ્તક]
આ પુસ્તક કહે છે, “જરૂરીયાતમંદ લોકોનો નાશ કરવાનો સૌથી કરુણામયી માર્ગ એ છે કે જે વસ્તુઓ તેઓ જાતે પ્રાપ્ત કરી શકે છે એ એમને તૈયાર આપી દેવી.”
છેલ્લાં વર્ષોમાં ભારતમાં NGO અને CSR પ્રવૃત્તિઓએ જે “પ્રગતિ” કરી છે એ બધાનાં વાર્ષિક અહેવાલો જોતા એવી છાપ ઉપસે છે કે બસ હવે ભારતમાંથી ગરીબી દૂર થઇ રહી છે અને લોકો ખૂબ જ શિક્ષિત થઇ રહ્યાં છે! પણ ઝમીની હકીકત આપણે જાણીએ છીએ. આ પરિસ્થિતીમાં જેમને પણ ખરા દિલથી સેવા કરવી છે, દાન આપવું છે એમણે આ પુસ્તક ખરેખર વાંચવું જોઈએ.
રોબર્ટ લ્યુપ્ટન કે જેણે ૪૦ વર્ષ સુધી એક્ટીવીસ્ટ તરીકે કામ કર્યું છે તેનાં સમૃદ્ધ અનુભવનો નીચોડ આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે. મૂળ દલીલ એવી છે કે જેને મદદ કરવાની ભાવનાથી સેવાકીય કાર્યો કરવામાં આવે છે એ લોકોને જ આ સેવા નુકશાન કરે છે – એટલે એ ઝેરી સેવા છે. આ અવતરણ જુઓ, “કરુણાની પ્રવૃત્તિઓને (ઉદ્યોગ) વિશ્વમાં બધે જ સદગુણ અને રચનાત્મક માનવામાં આવે છે. પણ નવાઈની વાત એ છે કે એ પ્રવૃત્તિઓના પરિણામોને આપણે ચકાસતા નથી.” સેવા કરનાર પોતાને પૂણ્ય મળી ગયું એવો સંતોષ લઈને આગળ નીકળી જાય છે પણ શું મૂળ પ્રશ્ન ઉકેલાય છે? સેવા કરનારને આનંદ કે સંતોષ મળે છે પણ શું સેવા લેનારને ખરેખરો ફાયદો થાય છે? આ પ્રશ્ન આ પુસ્તકનો પ્રાણ છે. ગરીબી દૂર કરવા અને ગરીબોને મદદ કરવા માટે આપણી આસપાસ જે પણ સેવાકીય કાર્યો થઇ રહ્યાં છે તેમાં વપરાતી પદ્ધતિઓની સમીક્ષા કરવાનો સમય આવ્યો છે. આ સમીક્ષા સેવાકીય કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે અનિવાર્ય છે.

પુસ્તક કહે છે કે આપણે સેવાકીય પ્રવૃત્તિઓમાં મોટે ભાગે એક પક્ષીય મદદ (મોટે ભાગે વસ્તુઓ) પહોંચાડીએ છીએ જેમ કે ખાવાનું કે કપડાં આપવા કારણકે આપણને એવું લાગે છે કે સંસાધનોની અયોગ્ય વહેંચણીને લીધે ગરીબી છે. પણ અસમાનતાના મૂળભૂત કારણોને સમજતા નથી અને એટલે જ સેવા આપનાર સેવા લેનારને દયામણી નજરે જુએ છે. આને લેખક ‘ઝેરી સેવા’ કહે છે. ઝેરી સેવા કરનાર લોકો મોટે ભાગે ગરીબોને વસ્તુઓ આપે છે પણ સત્તા આપતા નથી એટલે જે હેતુ માટે વસ્તુઓ અપાય છે એ હેતુ જ લાંબાગાળે સર થતો નથી. ઉદાહરણ તરીકે, મફત અનાજ કે ખાવાનું આપવાથી ખોરાકની અછતનો કે અસામાન તકોનો મુદ્દો ઉકેલતો નથી. મફતમાં વસ્તુઓ આપવાથી આર્થિક અસમાનતા દૂર થતી નથી; ઉલટાની વધે છે.
એક તરફી મદદ પહોંચાડવાથી પાંચ બાબતો થાય છે:
1. એક વખત આપો એટલે તમારા વખાણ થાય (આશીર્વાદ મળે)
2. બીજી વખત આપો એટલે આશા બંધાય (હજુ આપશે)
3. ત્રીજી વખત આપો એટલે અપેક્ષા જન્મે (આપશે જ)
4. ચોથી વખત આપો એટલે અધિકાર જન્મે (આપણને મળવું જ જોઈએ)
5. પાંચમી વખત આપો એટલે નિર્ભરતા આવે (આપણે બીજું શું કરીએ!)
આ પુસ્તક ક્યાંય પણ સેવા કરવાનું બંધ કરવું જોઈએ એવું કહેતું નથી પણ વધુ પરિણામલક્ષી સેવા કેમ થઇ શકે તેનું શાસ્ત્ર શોધે છે. જેમકે લેખક કહે છે કે ભૂકંપ, પૂર કે દુષ્કાળ જેવી ઈમરજન્સી પરિસ્થિતિમાં એક તરફી મદદ પહોંચાડવી જ જોઈએ. પરંતુ કાયમ મફતમાં ખાવાનું કે કપડાં આપવાથી આપણે ધીમે ધીમે કરતાં ગરીબોનું આત્મસન્માન છીનવી લઈએ છીએ. એનાં બદલે તેઓ જાતે કમાઈ શકે એ માટે એમને તૈયાર કરવા માટે જે સંસાધનો જોઈએ તેની મદદ કરવી જોઈએ. બંને સાથે પણ થઇ શકે; જ્યાં સુધી તેઓ સશક્ત થતાં નથી ત્યાં સુધી તેમને રોટી-કપડા આપીએ. રોજ કોઈને ખાવા માટે માછલી આપવાને બદલે એને માછલી પકડતા શીખવાડવામાં મોટી સેવા છે. લેખક આનાથી એક ડગલું આગળ જઈને કહે છે કે જો તળાવમાંથી માછલીઓ જ ખાલી થઇ જાય તો? ભૂખ્યાંને ખાવા માટે માછલી આપવી એ માનવ સેવા છે પણ આખા તળાવ વિષે વિચારવું એ સમુદાય-ઉત્થાનનું કામ છે. આવું લોકોદ્ધારનું કામ કરવા માટે તજજ્ઞોનું માર્ગદર્શન અને લાંબાગાળાની પ્રતિબદ્ધતા જોઈએ; નહીં કે ટૂંકાગાળાના સ્વયંસેવકો!
લેખક પોતાના અનુભવને આધારે કહે છે કે કોઈપણ સેવાકીય પ્રવૃત્તિ શરુ કરતાં પહેલાં જે તે સમુદાય સાથે ઓછામાં ઓછા ૬ મહિના ગાળો, એમને સાંભળો અને આરંભે શૂરા બનવાને બદલે એક સારો પડોશી જેટલી મદદ કરે એટલી જ કરો. ત્યાર બાદ લેખક ૬ મુદ્દાનો એક કાર્યક્રમ સૂચવે છે જે લોક-સેવાની પ્રવૃત્તિમાં રસ ધરાવનાર સૌ માટે ઉપયોગી સાબિત થઇ શકે:
1. સમુદાયનું સ્વરૂપ સમજો; સમાજ, સંસ્કૃતિ, આર્થિક વ્યવહારો, સ્થળ અને માનવીય સંબધો
2. નવા સંસાધનોના નિર્માણમાં ધ્યાન કેન્દ્રિત કરો નહિ કે અનંત જરૂરિયાતો ઉપર
3. લોકો માટે સૌથી મોટો સળગતો પ્રશ્ન કયો છે એ એમને સંભાળીને નક્કી કરો અને તેનાથી શરૂઆત કરો
4. આવકના સ્થાનિક સંસાધનો/પદ્ધતિઓ વિકસાવો અને એમાં રોકાણ કરો; સીધા પૈસા/વસ્તુઓ આપવાને બદલે કામના બદલે પ્રોત્સાહન સ્વરૂપે મદદ કરો
5. સ્થાનિક નેતૃત્વ નિર્માણ કરો; એમની ક્ષમતા વધશે તો સમસ્યાઓ ઝડપથી ઉકેલાશે
6. ધીમે ધીમે કામ કરો, જેમની મદદ કરવાની છે એમનાથી આગળ જવું નથી કારણકે જેમના પ્રશ્નો ઉકેલવાના છે એ એમનાં દ્વારા જ ઉકેલવા જોઈએ.
એકંદરે જે સૂર નીકળે છે એ એવો છે કે “લોકો માટે” નહીં “લોકો સાથે” સેવા કરવાની છે.
આ પુસ્તક વાંચતી વખતે બે બાબતો યાદ આવી:
(૧)
૨૦૧૮માં એક વખત ઝૂપડપટ્ટીના બાળકોના શિક્ષણ માટે કામ કરતા એક સજ્જનને મળવાનું થયું ત્યારે એણે એક ઘટના વર્ણવી: “એક વાર હું કોઈ ઝૂપડપટ્ટીમાં કેટલા બાળકો શાળાએ જતા નથી તેનો સર્વે કરવા ગયો તો એક પહેલવાન જેવો માણસ ઝાડ નીચે સૂતો સૂતો બધું જોયા કરતો હતો. થોડીવારે એણે મને બોલાવીને પૂછ્યું, “શું કરો છો માસ્તર?” કદાચ માસ્તર એટલા માટે કહ્યો હશે કેમ કે મેં ખાદીનો ઝભ્ભો પહેરેલો હતો! મે ઉત્તર આપતાં કહ્યું કે, “શાળાએ ન જતા બાળકોનો સર્વે કરું છું અને જેઓ જતા ન હોય એમના શિક્ષણ માટે અહિયાં જ કોઈ શૈક્ષણિક પ્રવૃત્તિ શરુ કરવાનો વિચાર છે.” તો એણે કહ્યું, “સરસ. એવા કેટલા બાળકો થયા?” મેં કહ્યું, “ હજુ સુધી તો ૧૪ થયા છે.” તો એણે કહ્યું, “બીજા ૧૦ના નામ લખો.” મેં એને પૂછ્યું કે તમારા અડોશ-પડોશના બાળકો છે?” એણે સહેજ સ્મિત સાથે કહ્યું, “ના ના, મારાં પોતાના જ ૧૦ છે!” થોડી ક્ષણો માટે હું એની સામે જોઈ રહ્યો અને પછી પૂછ્યું, “આટલી મોંઘવારીમાં આટલા બધાં બાળકોનું ભરણ-પોષણ કરવું પરવડે?” એણે બેફિકરાઈથી જવાબ આપતાં કહ્યું, “જુઓ દિવસમાં બે ટાઈમ અમને ભરપેટ જમાડવા માટે એક સંસ્થા નિયમિત આવે છે. ૧૦માંથી ૫ બાળકો મંદિરે બેસે છે. એટલે સાંજે ૧૫૦૦-૨૦૦૦ લાવે છે!”
(૨)
કાકાસાહેબ કાલેલકરના ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકમાં તેઓ લખે છે, “સમાજસેવા કરવાને પણ અધિકાર જોઈએ. આજે અનધિકારી લોકો સેવાનું કાર્ય હાથ ધરીને સમાજમાં જે ગોટાળો ઊભો કરે છે તે છોડી દે, તો પણ ભારેમાં ભારે સમાજસેવા થઇ શકે. યુરોપની જેમ અહીંયા પણ સમાજસેવા ધંધાનું રૂપ પકડશે કે શું એવી બીક છે…સમાજસેવામાં બહુ જ કુશળતા જોઈએ છે. તે એક જાતની કસરત છે. પોતાનું પણ પતન ન થાય અને સમાજ પણ પરાવલંબી અને નિષ્પ્રાણ ન બને, એ આદર્શને જાળવીને જ સમાજસેવા કરવી ઘટે, નહીં તો ધર્મ કરવા જતા અધર્મને જ પોષણ મળે (એ યાત્રા: બે વૃત્તાંત; ૧૫૪).”
ટૂંકમાં આ પુસ્તક સેવાકીય પ્રવૃત્તિઓ કરવા ઈચ્છુક કોઇપણને સાચી રાહ દેખાડનાર છે. માત્ર પવિત્ર ઉદેશ્ય હોવાથી કામ પૂરું થઈ જતું નથી; સાથોસાથ સેવાની પદ્ધતિ પણ વૈજ્ઞાનિક હોય તો આપણે જે સમરસ સમાજ કે સુરાજ્યનું સપનું સેવીએ છીએ એ ઝડપથી સાકાર થશે. “અમે વેર્યા બી છૂટ્ટા હાથે, હવે તો વાદળ જાણે ને વસુંધરા” એ કવિતામાં બરાબર લાગે છે પણ સેવાકીય ક્ષેત્રે સેવકે હવે એ પણ જોવું પડશે કે વાદળે પોતાનું કામ કર્યું? વસુંધરાની ફળદ્રુપતા કેટલી? અને બીજ યોગ્ય ઊંડાઈએ વવાયા છે કે કેમ?