1. મારું બાળક યોગ્ય સમયે યોગ્ય ખોરાક જમતું નથી.
3. બાળક મારું કહ્યું મનાતું જ નથી.
4. બાળકને હોમવર્ક કરવું ગમતું જ નથી.
5. બાળક ખૂબ જ શરમાળ છે અને આત્મવિશ્વાસ ઓછો છે.
૧૨ વર્ષ સુધીના બાળકના કોઈપણ વાલીને પૂછવામાં આવે તો ઉપરોક્તમાંથી કદાચ ત્રણ તો એમને લાગુ પડતાં જ હશે. કારણકે આ અહીં-તહીંના નહીં પણ વૈશ્વિક (Universal) વાલી-પ્રશ્નો છે.
અલેક્સા, સીરી કે પછી ઓકે ગૂગલ હોય; એમણે આપણા ઘરોમાં “ઘર” કર્યું છે ત્યારે આપણી ગરજે AI સાથે દોસ્તી વધારીને બાળકોના ઉછેરમાં એમની મદદ લઈએ. કારણ કે સંયુક્ત કુટુંબની રિયાસત આપણે ખોઈ બેઠાં છીએ! દરેક માતા-પિતા ઈચ્છે છે કે મારું બાળક હોંશિયાર, સંવેદનશીલ, સર્જનાત્મક અને પોતાનાં બળે આગળ વધે. પણ આવું કરવું કેવી રીતે? એમાં આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્સ કેવી રીતે મદદરૂપ થઇ શકે?
તો સાંભળો મારા વાલીડા!
એવું કહેવાય છે કે દરેક સમસ્યા નવા વ્યવસાયને જન્મ આપે છે. ખાસ કરીને પતિ-પત્ની બંને ક્યારે નોકરી કરતાં હોય ત્યારે અનેક કૌટુંબિક પ્રશ્નો જન્મે એ સ્વાભાવિક છે. શું આવી પરિસ્થિતિમાં વાલીઓને બાળ ઉછેર દરમિયાન સામે આવતી સમસ્યાઓ માટે આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા કોઈ વ્યવસાય જન્મ્યા છે? જવાબ છે હા. છ મહિનાના બાળકો રડતાં હોય ત્યારે એ નક્કી કરવું ખરેખર મૂશ્કેલ હોય છે એને શું થાય છે અથવા એને શું જોઈએ છે? (નેચરલ ઈન્ટેલીજન્સ ધરાવતી મમ્મીને પહેલા આ ખબર પડતી હતી!) તમે Chatterbaby નામની એક મોબાઈલ એપ્લીકેશન વિષે જાણો છો? આ એક એવી એપ છે જે તમારાં બાળકની રડવાનીની તરેહોનું પૃથક્કરણ કરીને બાળકની મુશ્કેલી અને જરૂરિયાતની માહિતી તમને આપે છે. આની પાછળ જે ટેકનોલોજી કામ કરે છે તે મશીન લર્નિગ અને AI. લ્યો બોલો!
નવજાત શિશુઓને રાત્રે ઊંઘાડવું અને આપણે પણ ઊંઘવું એ કેટલું મૂશ્કેલ હોય છે એ સૌ જાણીએ છીએ. બટ ફિકર નોટ મેરે દોસ્ત, કારણકે તમારી સેવામાં Snoo નામનું AI-પાવર્ડ ઘોડિયું આવી ગયું છે જે બાળકને એક ચોક્કસ લયમાં હીંચકાવે છે, હાલરડાં સંભળાવે છે, રોજ બાળક કેટલું, ક્યારે અને કેવું ઊંઘે છે એનો રીપોર્ટ આપે છે અને વાલીએ શું કરવું તેની સલાહ પણ આપે છે. આની ઉપર જો Nanit નામનું સ્માર્ટ કેમેરા-સ્પીકર-લાઈટ ડીવાઈસ લગાવવામાં આવે તો બાળકના શ્વાસોશ્વાસ, કેટલા પડખા ફરે છે, બાળક ક્યારે ઊઠે છે એ બધું જ મમ્મીના મોબાઈલમાં જણાવે છે. એટલે મમ્મીનું એક આસીસ્ટન્ટ જ સમજોને, હૈ ના કમાલ!
મોબાઈલ એપની સાથે જ AI આધારિત એવા પ્લેટફોર્મ વિકસી રહ્યાં છે જે વાલીઓને બાળકો સાથેની ઘણી બધી પ્રક્રિયાઓમાં મદદરૂપ થાય છે જેમ કે Google Read Along. આ એક એવું પ્લેટફોર્મ છે જે બાળકોને વાચન શીખવવામાં મદદરૂપ થાય છે. વળી, જ્યારે માતા અને પિતા બંને કામ પર જાય છે ઘરમાં એક જ બાળક છે ત્યારે એની સાથે વાત કરવા માટે કોઈ હોતું નથી એવા સમયે શું કરવું? આ આ સમસ્યાના ઉકેલ તરીકે AIની મદદ વડે એક ચાઇનીઝ કંપનીએ iPal નામનો રોબોટ બનાવ્યો છે કે જે બાળકો સાથે વાતચીત કરે છે, રમે છે, ડાંસ કરે છે, સવારે ઉઠાડે છે, અને એને બાળકના ગમા-અણગમાની તરત ખબર પડે છે. Miko-3 પણ પરિવારનો ડીજીટલ ફ્રેન્ડ રોબોટ છે.
હમણાં હમણાં એક નવી સંજ્ઞાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે; Mom Market. અર્થાત ઘરના જે નિર્ણયો મમ્મીએ લેવાના હોય તેને લગતો બીઝનસ. હવે બાળ ઉછેરના લગભગ તમામ નિર્ણયો મમ્મી લેતી હોય છે એટલે AIની મદદથી નવી ટેકનોલોજી પોતપોતાની દુકાનો લઈને આવી ગઈ છે ‘પ્યારી મમ્મી’ને પોતાની પ્રોડક્ટ વેચવા માટે! આમાંની ઘણી બધી ખરેખર ઉપયોગી છે જ અને ઘણી બધી ભવિષ્યમાં વધુ ઉપયોગી બનશે. જેમકે કોઈના ગમે તેટલા સારા ભાષણ બાળકોને કસરતની ટેવ પાડી શકતા નથી. તો લ્યો આ રહી Luca & Friends નામની વિડીયો ગેઇમ જેમાં બાળક ટીવી સામે ઊભા ઊભા ગેઇમ રમશે એને તેની કસરત પણ થશે!
આજે બાળકો વધુને વધુ ગેજેટ્સ સાથે જોડાતા જાય છે અને જાત-જાતના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ધરાવે છે ત્યારે એમની સુરક્ષાનું શું? ‘જે પોષતું તે મારતું’ એ પ્રમાણે જે ટેકનોલોજી બાળ ઉછેરમાં મદદ કરે છે એ જ બાળકોને મોબાઈલની લત લગાડે છે. પણ એનાથી ઉલટું પણ થઇ શકે ‘જે મારતું તે પોષતું’. AIની મદદ વડે Google Family Linkનો ઉપયોગ કરીને તમે તમારાં બાળકોના ગૂગલ એકાઉન્ટની બધી જ માહિતી જાણી શકો, તે ક્યા પ્લેટફોર્મનો કેટલો અને કેવો ઉપયોગ કરે છે, પાસવર્ડ બદલવો જેથી કોઈ તેનું એકાઉન્ટ હેક ન કરી શકે અને બાળક હાલમાં ક્યાં છે એ મેપ પર પણ જોઈ શકાય છે. આવી જ બીજી સેવા Net Nanny આપે છે જેની મદદથી બાળકના ફોનમાં અમુક એપ કે વેબસાઈટ ખૂલે જ નહીં તેવું ગોઠવી શકાય, અમુક એપ મોબાઈલમાં ઇન્સ્ટોલ જ ન થાય વગેરે. આ સિવાય પણ એવી સેંકડો એપ્લીકેશન અને સોફ્ટવેર ઉપલબ્ધ છે જે બાળકોને વિવિધ કામ કરવા મદદ કરે છતાં એ સુરક્ષિત રહે. Why fear when AI is here!
બાળ ઉછેર દરમિયાન બે રીતે AIનો ઉપયોગ કરી શકાય: ૧) જે તે ચોક્કસ કામ માટે દા.ત., બાળકને વાચન શીખવવા માટે Google Read Along અને ૨) બાળકના સાથી તરીકે દા.ત., iPal Robot. બંનેમાંથી પ્રથમ ઉપયોગ વધુ આવકારદાયી છે કેમ કે બાળકને પરિવાર સાથે જોડી રાખે અને બીજામાં ધીમે ધીમે બાળક અને વાલી વચ્ચે ભાવાત્મક અંતર વધવાની શક્યતાઓ રહેલી છે. પણ અનિવાર્ય સંજોગોમાં એનો પણ ઉપયોગ કરી શકાય.
એકંદરે, જેમ જેમ વાલીઓ આવી AI ટેકનોલોજી વાપરાતા થશે એમ એમ એ ટેકનોલોજી બેહતર બનતી જશે કારણકે આ તમામ ટેકનોલોજીના મૂળમાં મશીન લર્નિગ અને આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્સ છે જે માણસની જેમ સતત શીખતા રહે છે. વાલી તરીકે આપણે એક બાબત બરાબર સમજીએ કે વધુ પૈસા કમાવા માટે બાળકોને AIને હવાલે કરવાને બદલે આપણા રોજબરોજના કામમાં AIનો ઉપયોગ એવી રીતે કરીએ કે આપણને બાળકો સાથે સમય ગાળવા માટે “સમય” મળે. બાળકો અને વાલી સાથે રમી શકે એવી ઘણી બધી મોબાઈલ ગેમ્સ પણ ઉપલબ્ધ છે જેમ કે The Room.
એક વાત નક્કી છે કે જેમ કેલ્ક્યુલેટર, મિક્સર અને સ્માર્ટફોન આપણા જીવનનો ભાગ બન્યા છે એમ જ બાળ ઉછેરની આવી ટેકનોલોજી પણ આપણા ઘરમાં “ઘર” કરશે! ત્યારે આપણે જાગૃત પણે નક્કી કરીએ કે આપણા બાળકોના સ્વાસ્થ્ય, સુરક્ષા, શિક્ષણ, સંવદેના અને આત્મસન્માનના ભોગે AI નહીં અને જો આમાંનું કશું અન્ય સંજોગોમાં જોખમાય તો એમાં જે AI ટેકનોલોજી મદદ કરે તેનાં વધામણાં! જેમ કે ઉપરોક્ત પાંચ પ્રશ્નોને સકારાત્મક રીતે ઉકેલવામાં જે મદદ કરે તે AI ભલે પધારે!
***
રીપીટ બનતા હૈ – “વાલી તરીકે આપણે એક બાબત બરાબર સમજીએ કે વધુ પૈસા-પદ-પ્રતિષ્ઠા કમાવા માટે બાળકોને AIને હવાલે કરવાને બદલે આપણા રોજબરોજના કામમાં AIનો ઉપયોગ એવી રીતે કરીએ કે આપણને બાળકો સાથે સમય ગાળવા માટે “સમય” મળે!”
***
ફૂલછાબની બર્થ-ડે પૂર્તિમાં પ્રકાશિત લેખ – ૦૨/૧૦/૨૩

Leave A Comment