બાળકને જ્યારે જરૂર હોય ત્યારે એના વાલી એને સમય ન આપે
તો એ બાળક પર કેવી ખરાબ અસર પડે એ જોવું હોય તો “અનીમલ” ફિલ્મ જોઈ લેજો! આપણા
સમયની આ સૌથી મોટી કરુણતા ન કહેવાય??
કોઈપણ સંબંધને મજબુત બનાવવા માટેની
સંજીવની એટલે એના માટે હેતુપૂર્વક આપવામાં આવતો સમય. અત્યારે તમારાં જીવનમાં સૌથી
મહત્વની બાબત કઈ? એ જાણવું હોય તો તમે જે પ્રવૃત્તિઓ કરતા હો તેની એક યાદી બનાવો અને પ્રત્યેક પ્રવૃત્તિની સામે એના માટે અપાતો સમય લખો. જે પ્રવૃત્તિને વધુમાં વધુ
સમય અપાતો હોય એ તમારા માટે સૌથી મહત્વની છે.
દુનિયાના અનેક જુઠ્ઠાણાઓમાનું એકએટલે કે ટાઈમ નથી! સાચું ને? સમય હોય નહીં, કાઢવો પડે. આપણે સૌએ અનુભવ્યું છે કે
જ્યારે અચાનક કોઈ કામ આવી પડે ત્યારે આપણે સમય કાઢીએ જ છીએ. બધાં જ વાલીઓ “બીઝી”
છે; પણ કેટલાકને એ વ્યસ્તતામાંથી બાળક માટે સમય કાઢતા આવડે છે. એવું બને કે આપણા
નોકરી-ધંધા એવા હોય જે આપણને અમુક રીતે બાંધતા હોય. દા.ત., કોઈ નાઈટ-શિફ્ટમાં કામ
કરતા હોય અથવા પતિ-પત્ની બંને નોકરી કરતા હોય. આમ છતાં આવા અનેક રીતે વ્યસ્ત
વાલીઓએ સાબિત કર્યું છે કે બાળક માટે સમય નીકળી જ શકે.
મિત્રો, બાળઉછેર એ વૃત્તિ છે પ્રવૃત્તિ નથી. પ્રવૃત્તિ એટલે
ઉદ્યોગ કે વ્યવસાય અને વૃત્તિ એટલે અંતઃકરણનું વલણ અને મનનો ભાવ. આપનો જીવનનિર્વાહ
અને વ્યવહારો ચાલે એ માટે જે દોડધામ કરીએ એ બધી પ્રવૃત્તિઓ અને શાંતિથી બેઠાં હોઈએ
અને મનમાં જેના માટે ભાવ જાગે એ વૃત્તિ. બાળકો માટે આપણામાં પ્રેમ અને અનુકંપા હોય
જ છે પરંતુ કોઈ શાળા આપણને સંબંધોનું સમય વ્યવસ્થાપન શીખવતી નથી. એટલે જ કોઈપણ
સંબંધો વણસે ત્યારે જીણું જોઈએ તો ખ્યાલ આવશે કે એ સંબંધને બરાબર સાચવવા માટે આપવો
પડતો સમય ઓછો પડ્યો હોય છે.
હવે શાંતિથી વિચારો કે આપણે
બાળકોને કેટલો સમય આપીએ છીએ? અને શું આપણને ખબર છે કે બાળકોને સમય આપવો એટલે શું?
અંગ્રેજીમાં આના માટે Quality Time એવો શબ્દ-પ્રયોગ થાય છે. એટલે કે
બાળકો સાથે હોઈએ ત્યારે એમની જ સાથે હોઈએ. બાળકો હોમવર્ક કરતા હોય અને વાલી
બાજુમાં પોતાનો ફોનમાં વ્યસ્ત હોય એ “ક્વોલીટી ટાઈમ” નથી. એ તો માત્ર વાલી તરીકેની
“નોકરી” છે! હમણાં જ એક મિત્રે મને કહ્યું કે એ રોજ સાંજે પાંચથી છ એના દીકરા સાથે
ગાર્ડનમાં ફરવા જાય છે. અને પછી એણે ઉમેર્યું કે અમારો આ રોજનો “નિયમ” છે. મેં
કહ્યું, “દોસ્ત, નિયમો તો નોકરીમાં હોય!” બાળ ઉછેર નિયમોથી નહીં પણ નિજાનંદથી થતી
સહજ પ્રક્રિયા છે. હિંચકા જેવું. આપણે હિંડોળે બેઠા હોઈએ ત્યારે એમાં ગણતરી કરીને
હિંચતા નથી; પરંતુ આપણને ખબર પણ ન રહે એટલી સાહજિકતાથી પગની ઠેસ વડે હીંચકો ચાલતો
રહે છે. એટલે બાળક સાથે ગાર્ડનમાં ફરવા જવું એ સુંદર બાબત છે પણ એ સહજ બનવું જોઈએ.
આપણા સૌનો અનુભવ છે કે ૪-૫ વર્ષના
બાળકો ઘરમાં મહેમાન આવે ત્યારે અનેક પ્રકારની જીદ કરતા હોય છે. કારણકે એ જાણે છે
હવે એમનો સમય આ મહેમાનો લઈ લેવાના છે. એટલે મા-બાપ પાસે બાળકને શાંત કરવા માટેનું
હાથવગું સાધન એટલે મોબાઈલ અથવા થોડા પૈસા આપીને એને કશુક ખાવા આપી દેવાનું. અહીંયા
એક પ્રકારનો વ્યાપાર જોવા મળે છે. બાળક એવું સમજવા લાગે છે કે મારાં વાલીએ મોબાઈલ
કે નાસ્તાના બદલે મારો સમય ખરીદ્યો! એમાય જ્યારે એક સરખી ઉમરના વાલીઓ અને બાળકો
એકબીજાને ઘેર જાય ત્યારે વાલીઓ વાતોમાં મસ્ત અને બાળકો ફોનમાં! પછી જ્યારે બાળકોને
મોબાઈલની લત લાગી જાય ત્યારે બિચારા વાલીઓ એ સમજી શકતા નથી કે આવું કેમ થયું.
વાલીના સમયની ગેરહાજરીને બાળક મનોરંજન મોબાઈલ-મનોરંજન દ્વારા પૂરે છે! આપણે આપણા
ઘરમાં ગેરહાજર હોઈએ અને કોઈ બીજું એમાં રહેવા આવી જાય એના જેવો આ ઘાટ છે. હે ને?
આપણે ખરેખર એવી એક નિશાળની
જરૂરીયાત છે જેમાં વાલીઓને શીખવવામાં આવે કે બાળકોને સમય આપતી વખતે એમની સાથે કેવી
કેવી પ્રવૃત્તિઓ થઈ શકે. તો
ચાલો આપણે ‘પી ફોર પેરેટીંગ’ના માધ્યમથી એક પ્રયાસ કરીએ અને આવી પ્રવૃત્તિઓની એક
યાદી બનાવીએ:
1.
બાળકો
માટે સુવાનો,
ઉઠવાનો કે ભણવાનો ચોક્કસ સમય હોય શકે પણ રમવાનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી. કારણકે
બાળક નોકરી કરતુ નથી પણ ખીલી રહ્યું છે. એટલે આપણે સમય કાઢીને એની સાથે રમીએ.
જેમાં દોડાદોડી હોય અને નાચવા-કુદવાનું હોય એવી કોઈપણ રમત રમવા બાળક ગમે ત્યારે
તૈયાર જ હોય છે. બાળકો રમે અને આપણે જોયા કરીએ એમ નહીં પણ એમની સાથે બાળક બનીને
ઓતપ્રોત થવાથી બાળક માટેનો સમય બાળક સાથેનો સમય બની જશે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને
કહ્યું છે કે “સંશોધનની (રીસર્ચ) ઉચ્ચત્તમ અવસ્થા રમત-ગમત છે.”
2.
ભારતીય
ઘરમાં આ દૃશ્ય અપવાદરૂપ છે પણ ખૂબ જ જરૂરી છે: મમ્મી-પપ્પા સાથે રસોઈ કરે. આપણે પરિવાર તરીકે બધાં સાથે હોઈએ એવી નિયમિત બનતી
ઘટના એટલે ભોજન. A
family that eats together, stays together. જ્યારે પપ્પા રસોડામાં જાય છે ત્યારે બાળક (ખાસ તો
છોકરાઓ) સહજ રીતે એમાં જોડાવા પ્રેરાય છે. સાથે બનાવેલું ભોજન જમવાની મજા કંઇક ઔર
હોય છે. પરદેશમાં બેમાંથી એક ટંક ભોજન પુરુષ બનાવે એ સામાન્ય બાબત છે અને
સાપ્તાહિક રજા દરમિયાન સૌ કોઈ જોડાય જ. સંતાનોને ખબર પણ ન પડે એ રીતે એમને સમય
આપવાની આ ઉત્તમ રીત છે. આમ પણ, આપણું રસોડું કેમેસ્ટ્રી, ફીઝીક્સ અને બાયોલોજીની સ્વાદિષ્ટ પ્રયોગશાળા તો છે
જ.
3.
આપણે
ટેકનોલોજીની વાઘ-સવારી કરી રહ્યાં
છીએ અને નીચે ઉતરી શકાય એવું લાગતું નથી. ત્યારે હવે વિચારવાનું એ છે કે આ
ટેકનોલોજીને બાળકોના ઉછેરમાં કેવી રીતે પ્રયોજી શકીએ. બાળકોને, ખાસ
કિશોર-કિશોરીઓને ફિલ્મો જોવી ગમે છે. આપણે આપણા સંતાનો સાથે કેટલીક ફિલ્મો અવશ્ય
જોવી જોઈએ. જેમ કે હિન્દીમાં: સ્ટેન્લી કા ડબ્બા, ધ બ્લૂ અમ્રેલા, શેફ, ફાઈન્ડીંગ નીમો, ઉડાન, જીપ્પી, ટ્વેલ્થ ફેઈલ,
વગેરે અને અંગ્રેજીમાં: ફોરેસ્ટ ગંપ, કલુલેસ, ઇનસાઈડ આઉટ, હેરી પોટર, ધ
કરાટે કિડ, કુન્ગ્ફુ પાંડા, વગેરે. સાથે ફિલ્મો જોવાથી પરસ્પરના વિચારોની દિશા
ખબર પડે છે અને ઘણી વાતો જે આપણે બાળકોને સીધી રીતે સમજાવી શકતા નથી એ ફિલ્મો
આડકતરી અને કલાત્મક રીતે કહી જાય છે.
4.
આનાથી
તદ્દન વિપરીત એટલે કે સાંજના ભોજન પછી બે કલાક કોઈએ પણ ફોન કે ટીવીનો ઉપયોગ શક્ય
હોય ત્યાં સુધી ના કરવો. આ સમયમાં નિરાંતે ગપ્પા મારવા. ઉત્તમ મિત્રની વ્યાખ્યા
આપતા મહાન તત્વચિંતક પ્લેટોએ લખ્યું છે કે “જે તમારો કાન બને એ તમારો ઉત્તમ
મિત્ર.” કોઈપણને સમય આપવો એટલે એમને ધ્યાનથી સંભાળવા. આપણે બાળકોને કેટલો અને કેવો
સમય આપીએ છીએ એનું એક માપ એવું હોઈ શકે કે બાળકો આપણી સામે કેટલી નિખાલસતાથી ખુલી
શકે છે. સામાન્ય રીતે વાલીઓને બાળકોના ઔપચારિક શિક્ષણમાં જ રસ હોય છે એટલે એમનો
બાળકો સાથેનો સંવાદ શાળા, ટ્યુશન, હોમવર્ક અને પરીક્ષાની આસપાસ જ ચાલ્યા કરે છે. પરંતુ, બાળકોની અનૌપચારિક કેળવણીમાં પણ
આપણે રસ લઈએ જેમ જે એને કેવા સપના આવે છે, શાળામાં રીસેસમાં શું થાય છે, શેરી/સોસાયટીમાં એ શું અનુભવે છે,
એ બધું પણ અગત્યનું છે. આપણા સૌના સૌથી સારા એ જ મિત્રો છે જેમની સાથે આપણે
નિરાંતે ગપ્પા મારતા હોઈએ છીએ. તમે યાદ કરો કે છેલ્લે તમારા બાળકો સાથે ક્યારે આવા
ગપ્પા મારેલા? “એનિમલ”
ફિલ્મમાં બાળક એના વ્યસ્ત પપ્પાને વારંવાર બોલાવે છે ત્યારે એ બાપ ત્રાડ પાડીને
કહે છે, “હું સાંભળું છું,
બહેરો નથી!” આ એક વાક્ય બાળકના ચિત્ત પર ચોંટી ગયું અને એનાં હૃદયમાં અનેક ઝંઝાવાત
ઊભા થયા. આપણે બાળકો સાથેની વાતચીતમાં કાનથી કે મનથી બહેરા તો નથી બની ગયાને? એવું
પોતાને સતત પૂછવું એટલે સંતાનોને સમય આપ્યો એમ કહેવાય.
5.
સંતાનોને
સમય આપવા માટે આપણી પાસે એટલો સમય વધારે હોવો જોઈએ. અર્થાત આપણું વ્યાસાયિક અને
સામાજિક જીવન એવી રીતે ગોઠવવું કે એમાંથી આપણે બાળકો માટે સમય કાઢી શકીએ. મોડી રાત
સુધી વેબ-સીરીઝ જોનાર માતા-પિતા માટે સવારે વહેલું ઊઠવું સ્વાભાવિક રીતે જ મૂશ્કેલ
છે. પરંતુ અનુભવી લોકો કહે છે કે સવારે વહેલા ઉઠનાર માતા-પિતા એના સંતાનો સાથે વધુ
સમય પસાર કરી શકે છે. આપણો મોટાભાગનો સમાજ ઘડિયાળના કાંટા પર ચાલે છે એટલું જ નહીં
પણ લગભગ દોડીને જ બસ પકડે છે! સંતાનો સાથે ઓફિસેથી આવીને સમય પસાર કરવા જેટલી
ઊર્જા રહે છે ખરી? એના બદલે વહેલી સવારે થોડી કસરત અને થોડી વાતો કરીએ તો કેવું? નાની-નાની આદતો જ સ્વભાવ બને છે.
6. રજાનો
દિવસ એટલે વાલીઓ માટે ખરેખર સૌથી મોટું કામ કરવાનો દિવસ હોય છે. મહિનામાં ઓછામાં
ઓછો એક રવિવાર બાળકોને લઈને નજીકનો પહાડ ચડીએ, નદીમાં ડૂબકી મારીએ, દરિયા કિનારે રેત-ઘર બનાવીએ, જંગલમાં પગપાળા જઈએ કે પછી સાયકલ યાત્રા કરીએ. સરખી
ઉમરના બાળકો અને એમના વાલીઓ સાથે આવા કોઈ સ્થળે જાય છે ત્યારે એક નવો પરિવાર બને
છે. આખરે તો આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ એટલે આપણને પ્રાકૃતિક સ્થળ શાંતિનો
અનુભવ કરાવે છે. બાળકો માટે નાનપણથી આ અનુભવ એટલા માટે જરૂરી છે કારણકે શહેરોનો
ઘોંઘાટ, લાઉડ-મ્યુઝીક અને
દોડધામ વચ્ચેથી જીવન-રીસેસમાં પ્રકૃતિ સાંત્વના આપે છે એ ભાવ બાળકોમાં વાવવો જોઈએ.
આવા પત્યેક આયોજનમાં બાળકોને સાથે રાખીને એમના અભિપ્રાયોનું સન્માન કરતા જઈએ.
કુલ મળીને વાત એટલી છે કે સૌ
પોતપોતાની રીતે વ્યસ્ત છે. પણ જે વાલી એમ માનતા હોય એ પોતાના બાળકને સૌથી વધુ
પ્રેમ કરે છે એણે પોતાને પ્રામાણિકતાથી પૂછવાનું છે કે શું હું મારાં બાળકને પૂરતો
સમય આપું છું? આ પ્રશ્નનો જે જવાબ આવે એ સંદર્ભમાં ઉપરોક્ત ૬ બાબતોને અમલમાં
મૂકીએ. જે કામ કરે તેને ગાંઠે બાંધીએ અને જે ન કરે તેમાં વધુ ઊંડા ઉતરીએ. સંતાનો
પાછળ પૈસા ખર્ચવા કરતા ખર્ચેલો સમય વધુ શુભદાયી છે. એમની પાછળ અત્યારે જેટલા પૈસા
ખર્ચો છો એને અડધા કરી દો અને જેટલો સમય આપો છો એને બમણો કરી દો. ચાલો, બાળકને એક જ વખત મળતા બાળપણની ફૂલદાની સુંદર યાદોના
ફૂલોથી સજાવીએ.
*
Leave A Comment