ટેકનોલોજી શું કરી શકશે અને શું નહીં તે વિષેની તમારી જે માન્યતા હશે એ સાચી જ હશે, કદાચ હકીકત નહીં! કારણકે Institute for Futureનાં પ્રમુખ Roy Amaraએ નોંધ્યું છે કે We tend to overestimate the effect of a technology in the short run and underestimate the effect in the long run. એટલે કે આપણે ટેકનોલોજીની ટૂંકાગાળાની અસરને વધુ આંકતા હોઈએ છીએ અને લાંબાગાળાની અસરને ટૂંકી! ઔદ્યોગિક ક્રાંતિના પ્રત્યેક સ્તરે (Industry 1.0 to Industry 3.0) ઉદ્યોગોની જરૂરિયાત પ્રમાણે શિક્ષણનું સ્વરૂપ બદલાયું છે. હાલની Industry 4.0 (જેમાં ઉદ્યોગની તમામ પ્રક્રિયાઓ પરસ્પર એકમેક સાથે ઓટોમેટિક રીતે જોડાયેલી હોય) માટે કેવું શિક્ષણ હોવું જોઈએ તેની ચર્ચાઓ પણ એકાદ દાયકાથી શરૂ છે. એટલે આ ડીજીટલ ક્રાંતિના તત્ત્વ અને વ્યાપને સમજીને શિક્ષણમાં ટેકનોલોજીના વ્યવહારું ઉપયોગ વિષે ચર્ચા કરવી જરૂરી બને છે.
શીર્ષકમાં પૂછાયેલ પ્રશ્નને બીજી વખત વાંચો. હજુ થોડાં વર્ષો પહેલા આપણે એવું પૂછતા હતા કે “શું ટેકનોલોજી શિક્ષકનું સ્થાન લઈ શકે?” એટલે કે એ પ્રશ્ન ટેકનોલોજીની ક્ષમતા પર હતો. પણ હવે એમ લાગી રહ્યું છે કે ટેકનોલોજી કદાચ આવું કરી પણ શકશે ત્યારે આ પ્રશ્ન વધુ નૈતિક છે. કારણકે એની વ્યાપક સામાજિક અને માનવીય અસરોનો ક્યાસ કાઢવો પડે તેમ છે. એક તરફ શિક્ષકો આ પ્રશ્નનો જવાબ ભાવાત્મક રીતે આપીને કહે છે કે ટેકનોલોજી ‘ક્યારેય’ શિક્ષકનું સ્થાન લઈ ન શકે (અલબત, હરારી કહે છે ક હવે આ “ક્યારેય”ની એક્સપાઇરી ડેઇટ આવી ગઈ છે!). તો બીજી બાજુ આઈટી અને એઆઈ ક્ષેત્રે કામ કરતાં લોકો બૌદ્ધિક (ડેટા આધારિત – ગાણિતિક) રીતે આ પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે ટેકનોલોજી શિક્ષકનું બધું જ કામ કરી શકશે અને એ પણ સારી રીતે. શિક્ષકો ઇચ્છે છે કે ટેકનોલોજી એમને મદદ કરે પણ ટેકનોલજીસ્ટ અને તેના વ્યાપારીઓ એવું ઇચ્છે છે કે શિક્ષકો શિક્ષણ પ્રક્રિયાને એવી રીતે બદલે કે જેમાં ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્યપણે કરવો જ પડે! ઉદેશ્યોની લડાઈમાં શું આ પ્રશ્નને સામાજિક, રાજકીય, આર્થિક અને માનવીય રીતે જોઈ શકાય? મેલબોર્ન યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના પ્રોફેસર Neil Selwyn (નીલ) બે પુસ્તકો (Is Technology Good for Education? અને Should Robots Replace Teachers?) દ્વારા આ મુદ્દાની વધુ ઊંડાણથી તપાસ કરે છે. આ ચર્ચામાં ‘ટેક્નોલૉજી’નો અર્થ ‘ડિજિટલ ટેક્નોલૉજી’ કર્યો છે કારણકે બ્લેક બોર્ડથી માંડીને રેડિયો-ટીવી સુધીની અનેક ટેક્નોલૉજી શાળામાં વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવ્યા છે.

A. જટિલતાને ઓળખીએ:
શું ટેકનોલોજીએ શિક્ષકનું સ્થાન લેવું જોઈએ? આ પ્રશ્નનો સીધોસાદો જવાબ ‘હા’ અથવા ‘ના’ નથી. આની આસપાસ રહેલી જટિલતાને બરબાર સમજીને કોઇપણ પક્ષે બેસી શકાય. જેમ કે શૈક્ષણિક ટેકનોલોજી નિર્માણકર્તા પાસે ‘શિક્ષણ’નું કેટલું અને કેવું જ્ઞાન છે? જો આવું જ્ઞાન ન હોય તો વિદ્યાર્થીને “કન્ઝ્યુમર” (ઉપભોક્તા) તરીકે જોઈને જ ટેકનોલોજી બનાવશે અને સરવાળે જ્ઞાનનું ‘બઝારીકરણ’ વધુ વેગવાન બનશે. બીજી જટિલતા એ પણ છે કે જ્યાં જ્યાં શિક્ષકની માનવીય મર્યાદાઓને લીધે થઈને શિક્ષણની ગુણવત્તા નબળી પડે છે એને સાંધવા માટે ટેકનોલોજી સારા પરિણામે આપી રહી છે એવી વાત વધુ સ્વીકૃત બની રહી છે. નીલ સમજાવે છે કે અત્યારના શિક્ષણની ઘણી બધી મર્યાદાઓ છે અને એમાંથી રસ્તો કાઢવા માટે ટેકનોલોજીનો વિચાર થઇ રહ્યો છે. પરંતુ, એમાં જે લોકો ટેકનોલોજીને જાદુઈ છડી સમજીને તેને શિક્ષણમાં દાખલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે એમાં તેમનો કોઈ અંગત લાભ થતો હોય એવું લાગે છે. આ અર્થમાં હવે આ પ્રશ્ન માત્ર શિક્ષણ અને ટેકનોલોજીનો રહેતો નથી!
શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ સામાજિક સમતા અને સમાનતાને પોષે છે કે નહીં એ જોવું રહ્યું કારણ કે માણસના મનમાં રહેલ પૂર્વગ્રહો, વિચારધારાઓ અને ભેદભાવ ટેકનોલોજી દ્વારા વધુ ઘાટ્ટા બની જતા હોય છે. અથવા એવું બને કે શૈક્ષણિક ટેકનોલોજી શીખવતી વખતે જાણે-અજાણ્યે નવા પૂર્વગ્રહો વિદ્યાર્થીના મનમાં દાખલ કરે. આ અર્થમાં શૈક્ષણિક ટેકનોલોજીની સામાજિક અસરો શું થઈ શકે એના પર ધ્યાન દેવાની જરૂર છે. નહીતર, શિક્ષણમાં મદદરૂપ થવાને બદલે આ જ ટેકનોલોજી નવા શૈક્ષણિક – સામજિક પ્રશ્નોની જનની બનશે. ઘણાબધા દેશમાં પ્રવર્તમાન સરકારને અનુકૂળ ન હોય તેવા ડીજીટલ પ્લેટફોર્મને (દા.ત., યુ-ટ્યુબ કે સોશ્યલ મીડિયા) આંશિક/સંપૂર્ણ બંધ કરવામાં આવે છે; જેનાથી એ પ્લેટફોર્મનો શૈક્ષણિક ઉપયોગ પણ બંધ થઈ જાય છે. એટલે શૈક્ષણિક ટેકનોલોજી પર રાજકીય પ્રભાવ પણ ખૂબ પડે છે.
આ સંદર્ભમાં નીલ પૂછે છે કે ટેકનોલોજીને શિક્ષણમાં દાખલ કરવાથી શૈક્ષણિક ક્ષેત્રે રહેલા સત્તાના સમીકરણો કેવી રીતે બદલાશે? ઉદાહરણ તરીકે, શું ધીમે ધીમે એવું બનશે કે ઓનલાઈન શિક્ષણ આપનાર કંપની (અને તેની ટેકનોલોજી) શિક્ષણના પાયાના નિર્ણયો લેવાની સત્તા પ્રાપ્ત કરશે? જેમ કે વિદ્યાર્થી ક્યારે ભણશે? કેવી રીતે ભણશે? કોની સાથે અને કોની પાસે ભણશે? પરીક્ષા કેવી રીતે આપશે? આ પ્રશ્નો અત્યાર સુધી “વ્યાસપીઠ” ભોગવનાર શિક્ષકો અને “સિંહાસન” ભોગવનાર સંચાલકો અને સરકારને ધ્રુજાવશે ખરા! ટેકનોલોજી વયક્તિક (Personalized) શિક્ષણ દ્વારા સામુહિક શિક્ષણનો (Mass Education) ઈજારો તોડશે. એટલે કે લોકો શૈક્ષણિક સંસ્થાને બદલે વ્યક્તિગત શિક્ષણ આપતી ટેકનોલોજીને વધુ પસંદ કરશે. કારણકે લોકોએ આ અગાઉ બેન્કિંગ, મનોરંજન, શોપિંગ, સ્વાસ્થ્ય સેવાઓ, મુસાફરી વગેરેમાં આમ જ કર્યું છે. જ્યારે આ બધું જ ડીજીટલ માધ્યમથી થઇ શકતું હોય તો શિક્ષણ કેમ નહિ! ૨૦૧૦ પછી એન્સાયકલોપીડિયા બ્રીટેનિકાએ પ્રિન્ટ એડીશન બંધ કરી કારણકે વીકીપીડિયા આવી ગયું છે અને લોકોએ તેનો સ્વીકાર કર્યો છે. પણ શું ટેકનોલોજી ખરેખર શિક્ષણમાં ક્રાંતિકારી પરિવર્તનો લાવી રહી છે? વાસ્તવિકતા શું છે?
ટેકનોલોજી શિક્ષણમાં ધરમૂળમાંથી ફેરફાર કરશે એ વાતમાં અવધારણા એવી છે કે શિક્ષણમાં આવા ફેરફારની જરૂર છે અને એ ટેકનોલોજી જ કરી શકશે! પરંતુ નીલ આપણું ધ્યાન છેલ્લા ૪૦ વર્ષની શૈક્ષણિક ટેકનોલોજી તરફ દોરે છે અને જણાવે છે કે આટલા વર્ષો પછી પણ હજુ શિક્ષકનું ભણાવવાનું, બાળકોનું હોમવર્ક કરવાનું અને પરીક્ષા આપવાનું માળખું એમનું એમ જ છે. તો પછી આ ટેકનોલોજી ભવિષ્યમાં શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવશે જ એ કહેવું થોડું વધારે પડતું છે! કારણ કે જે શિક્ષકો પહેલા બ્લેક-બોર્ડનો ઉપયોગ કરીને ગણિત ભણાવતા હતા હવે તે સ્માર્ટ-બોર્ડનો ઉપયોગ કરે છે; પણ વિદ્યાર્થીઓની ગણિત-પ્રીતિ વધી? અથવા તો એમને ગણિત વધુ આવડ્યું એ જોવું રહ્યું! આ સમગ્ર પ્રક્રિયામાં વિદ્યાર્થીઓનું શું થશે એ હજુ અસ્પષ્ટ છે. Paul Virilioને ટાંકતા નીલ સમજાવે છે કે “આપણે જ્યારે વહાણની શોધ કરીએ છીએ ત્યારે તેની ડૂબવાની શોધ પણ થઈ જાય છે!”
કોઈપણ સામાજિક પરિવર્તન લાવવા માટે ટેકનોલોજી બહુ સફળ નીવડી નથી જેમ કે લોકોને વ્યસનમુક્ત કરવા અથવા તો રોડ અકસ્માતો ઘટાડવા. શિક્ષણ પણ આખરે એક સામાજિક પ્રક્રિયા છે એટલે સ્વાભાવિક રીતે જ સમય માગે છે.
B. ટેકનોલોજી અને જ્ઞાનનું લોકશાહીકરણ:
શિક્ષણમાં ટેકનોલોજી લાવવી જોઈએ તેની સૌથી મોટી દલીલ એ છે કે એનાથી શિક્ષણનું લોકશાહીકરણ થાય છે. જેમ કે ફીના અભાવે ન ભણી શકનાર વિદ્યાર્થી આજે યુ-ટ્યુબની મદદથી કોઈપણ વિષય ભણી શકે છે. ફ્રી-ઓનલાઈન કોર્સમાં જોડાઈ શકે છે. બીજી બાજુ એ પણ સાચું કે વિદ્યાર્થીઓ જેમ વધુ ચર્ચા કરે તેમ તેમને વધુ આવડે. દુનિયાભરમાં કોઈને કોઈ ભેદભાવને લીધે શાળા/કૉલેજમાં વિદ્યાર્થીઓમાં ચર્ચાનો અવકાશ મહદંશે રહેતો નથી. ત્યારે ડીજીટલ માધ્યમો (MOOCs, Hello Hubs, Open Courseware, વગેરે) સૌને પોતાનો મત રજૂ કરવાનો અવસર આપે છે. એટલે હવે ગરીબ/અશ્વેત/મહિલા/દલિત/આદિવાસી/લઘુમતિ/ટ્રાન્સ-જેન્ડર/દિવ્યાંગ જેવા હાંસિયા પરના વર્ગોને ડીજીટલ ટેકનોલોજીએ એક ન્યાયિક તક આપી છે. આ અર્થમાં Kevin Carey જણાવે છે કે “These historic developments will liberate hundreds of millions of people around the world, creating new ways of learning that have never existed before.”
પણ આવી મુક્તિદાયી ટેકનોલોજી સૌ પાસે છે? દુનિયામાં હજુ પણ ઘણો હિસ્સો એવા લોકોનો છે કે જેમને બે ટંક જમવાનું મળતું નથી ત્યારે તેમની પાસે સ્માર્ટ-ફોન હોય, ઈન્ટરનેટ હોય અને દેશમાં યુદ્ધ વગરનું ભણવાનું વાતાવારણ હોય એવી કલ્પના વધુ પડતી લાગે છે. ટેકનોલોજી ચોક્કસપણે જ્ઞાનના લોકશાહીકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે પણ એ પહેલા સામજિક સ્થિરતા, રાજકીય ઈચ્છા શક્તિ અને આર્થિક જરૂરિયાતો પૂરી પાડવી પડશે. એક અભ્યાસ તો એવું કહે છે કે “ઓનલાઈન અભ્યાસક્રમો (MOOCs) એ જ્ઞાનનું ખરા અર્થમાં લોકશાહીકરણ નથી કરતા કારણકે તેમના ૮૦% વિદ્યાર્થીઓ આર્થિક રીતે સમૃદ્ધ દેશોમાંથી આવે છે અને એમાં પણ વસતિના સૌથી સારું ભણેલા ૬% વિદ્યાર્થીઓ (Rose Eveleth).” એટલે કે જેમની પાસે શરૂઆતથી જ સારું શિક્ષણ છે એને ઓનલાઈન શિક્ષણ વધુ મદદ કરે છે. ઉદાહરણ તરીકે, જે વિદ્યાર્થીનું અંગ્રેજી સારું છે એ વીકીપીડિયાનો ઉપયોગ જેને અંગ્રેજી નથી આવડતું એના કરતાં અનેકગણો વધુ સારી રીતે કરી શકે છે. બીજુ અગત્યનું પાસું એ છે કે ઓનલાઈન કોર્સમાં જોડાયેલ કુલ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૪-૮% વિદ્યાર્થીઓ જ આ કોર્સ પૂરા કરે છે. આ અર્થમાં દૂરના વિદ્યાર્થીઓ આમાં જોડાયા ખરા પણ એનો ખરો લાભ તો માત્ર ભદ્ર વર્ગે જ લીધો. સમય જતાં ઓનલાઈન શીખવાનાં સંસાધનો વધ્યાં છે અને વિદ્યાર્થીઓને વધુ સઘન રીતે જોડવાના પ્રયત્નો પણ થયા છે પરંતુ ચિત્ર જેટલું ગુલાબી દેખાડવામાં આવે છે એટલુ છે નહીં! ખરેખર આ પ્રશ્નને શિક્ષણશાસ્ત્રની દૃષ્ટિએ જોવો પડે.
C. શિક્ષણશાસ્ત્ર શું કહે છે?
શૈક્ષણિક ટેકનોલોજી ‘વયક્તિક-શિક્ષણ’ (Personalized Learning) પર વધુ ભાર આપે છે. કારણ કે અન્ય સેવાઓમાં પણ ઉપભોક્તાને “પર્સનલાઈઝડ સર્વિસ” આપવાની હરીફાઈ ચાલી રહી છે. દરેક ક્ષેત્રમાં Customer-friendly, User-friendly, Customization, On-demand, વગેરે દ્વારા ગ્રાહકને ખરા અર્થમાં “રાજા” જેવી સેવા મળવા લાગી છે. આપણે આપણા માપ અને પસંદગી પ્રમાણે કપડાં સીવડાવીને (Tailor-made) પહેરવાને ભદ્ર વર્તન માનતા હતા/છીએ. આવું જ શિક્ષણમાં પણ ન થવું જોઈએ? પ્રત્યેક વિદ્યાર્થીની શીખવાની તૈયારી, પસંદગી અને રસ સતત બદલાયા કરે છે અને છતાં બધા માટે એક જ પદ્ધતિ, પાઠ્યપુસ્તક, અને પરીક્ષા! ઉત્તમ શિક્ષકો વિદ્યાર્થીઓના આવા ‘બદલાવ’ પ્રમાણે શિક્ષણની પ્રયુક્તિઓ બદલે છે. પણ સામાન્ય અથવા તો નબળા શિક્ષકો આ બદલાવની દરકાર રાખ્યા વગર જ સૌને પોતે નક્કી કરેલ અને પોતાને અનુકૂળ એવી “ફિક્સ” (one-size-fits-all) રીતે ભણાવે છે. આ બીજા પ્રકારના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અને સમાજને નુકશાન જાય છે. આ નુકશાનની ભરપાઈ કેવી રીતે કરવી? શું એમ કરવા માટે ટેકનોલોજી ઉપયોગમાં લેવી જોઈએ? આ સવાલ આપણને પેટા સવાલો તરફ લઈ જાય છે જેમ કે;
ટેકનોલોજીએ કેવા શિક્ષકનું સ્થાન લેવું જોઈએ?
કેટલું?
અઠવાડિયામાં કેટલી કલાક?
કેવી રીતે? કઈ ટેકનોલોજી પ્રયોજવી?
એ કોણ બનાવશે?
એમાં ખર્ચ કેટલો થશે?
એની અસરકારકતા કેમ તપાસવી? વગેરે.
એટલે હવે Learner-centric શિક્ષણ પદ્ધતિનો જન્મ થાય છે. એક વર્ગખંડમાં ૩૦ વિદ્યાર્થીઓને તેમના શિક્ષક ૩૦ રીતે ભણાવતા નથી; પણ ટેકનોલોજી આપણને એવું વચન આપે છે કે એ પ્રત્યેક વિદ્યાર્થીને તેના સ્વભાવ પ્રમાણે ભણાવશે. જુદા શબ્દોમાં કહીએ તો ધોરણ-૭ના પ્રત્યેક વિદ્યાર્થી માટે પર્સનલ પાઠ્યપુસ્તક, પર્સનલ પ્રશ્ન-પેપર અને પર્સનલ શિક્ષક!
આવો એક પ્રયોગ ગૂગલના પૂર્વ પ્રમુખની ટીમ દ્વારા થયો જેનું નામ છે AltSchool. આ શાળાના સ્થાપક માને છે કે,
We believe that personalization and customization is the way to go in any environment, whether you’re talking about medicine or automotive – even food. It is the best of scale and the best of individualization. We believe that humans are very similarly made, but also absolutely unique in other ways; personalization is the way to strike that balance. Within the school context, personalization is incredibly important because it actually meets each child where they are and motivates them and makes the best use of the precious time that they have in school. The environment that they’re going to live in for their entire adult lives is one where they’re not told what to do. They have to understand themselves and what they need to be happy and successful. We let them chart their own path in a way that leaves the people around them better off.
ઉપરોક્ત અવધારણામાં એક જ મુશ્કેલી એ છે કે એમાં એવું માનવામાં આવે છે દરેક વિદ્યાર્થી એટલો/લી સક્ષમ છે કે પોતે શું, કેટલુ, કેવી રીતે શીખવું છે તેનો નિર્ણય જાતે કરી શકે છે. એવું ખરેખર છે? એટલે Personalized learning શિક્ષણનાં સંસ્થાનવાદી સ્વરૂપ સામે જ પ્રશ્નો ઊભા કરે છે. થોડીવાર વિચારો કે શિક્ષણમાં ‘સરકાર’, ‘અભ્યાસક્રમ’, ‘વર્ગખંડ’, ‘શિક્ષક’, ‘વિદ્યાર્થી’, ‘પાઠ્યપુસ્તક’ અને ‘પરીક્ષા’ જેવી સંકલ્પનાઓ ક્યાંથી આવી? અને જો આ સંકલ્પનાઓની વ્યક્તિગત ઉત્પાદકતા ઓછી હોય અથવા પ્રસ્તુત ન હોય હોય તો એમની જરૂર રહે છે ખરી? એમની જગ્યાએ શું મૂકીશું? શિક્ષણ દ્વારા વ્યક્તિએ જે પ્રાપ્ત કરવું છે તેના માટે અન્ય રસ્તાઓ પણ હોઈ શકે જેમાં પરંપરાગત શિક્ષણને બદલે ‘વૈકલ્પિક શિક્ષણ’ અને ‘ટેકનોલોજી આધારિત શિક્ષણ’નો સૂર દિવસેને દિવસે મોટો થઈ રહ્યો છે.
કેટલાક પ્રયોગોમાં વિદ્યાર્થીઓની યોગ્યતા અનુસાર પરીક્ષાના પ્રશ્નોની જટિલતામાં વધારો-ઘટાડો કરી શકાય એવા સોફ્ટવેરનો ઉપયોગ થયો છે જેમ કે ઓસ્ટ્રેલિયાની NAPLAN પરીક્ષા. Personalized learningમાં કદાચ સૌથી મોટી મુશ્કેલી એ દેખાય છે કે તેના સંપૂર્ણ અમલીકરણમાં વિદ્યાર્થીઓ એટલા બધા એકલવાયા બની જાય કે તેમનો વાસ્તવિક સામાજિક સંદર્ભ તૂટી જાય. જ્યારે આપણે સમાજમાં રહીએ છીએ ત્યારે બધું જ વ્યક્તિગત “ઇચ્છાઓ અને પસંદગીઓ” પ્રમાણે થાય તો એ શું એ ટેવ ભવિષ્યમાં નવા સામાજિક પ્રશ્નો નહીં જન્માવે? Personalized learning માટે સરકારે જનહિતમાં કેવી શિક્ષણ-નીતિ બનાવવી? એક તરફ ડીજીટલ ટેકનોલોજી Standardizationના સિદ્ધાંતો પર કામ કરે છે પણ શિક્ષણમાં Personalized learningની હિમાયત કરે છે તો આ બંને વચ્ચે તાલમેલ કેમ સધાશે? ખાસ કરીને અપવાદરૂપ બાળકોને એક નિશ્ચિત એલ્ગોરીધમ પ્રમાણે સીસ્ટમમાં કેવી રીતે આવરી લેવામાં આવશે એ પ્રશ્ન પણ તોળાઈ રહ્યો છે. ક્યાંક એવું ન થાય કે Personalized learningને નામે શિક્ષણના તમામ નિર્ણયો બજારની પરિભાષામાં લેવામાં આવે! એટલે Personalized learningના જમા-ઉધારને જોઈને કોઈ મધ્યમ-માર્ગ નીકળી શકે કે કેમ એ વિચારવો પડે. વધુ ગ્રાહકોને લાંબા સમય સુધી કંપની સાથે જોડી રાખવા માટે પ્રત્યેક ગ્રાહકનો જેટલો વધુ ડેટા મળે એટલું એ કામ સરળ બને. આવો જ ડેટા વિદ્યાર્થીઓનો મળે તો?
D. શૈક્ષણિક નિર્ણયો પણ ડેટા આધારિત લેવા જોઈએ?
એવું કહેવાય છે કે શિક્ષણને વધુ વિદ્યાર્થીલક્ષી (Learner-centric) બનાવવા માટે વિદ્યાર્થીઓનો જેટલો વધુ ડેટા એટલો વધુ ફાયદો. Learning Analyticsની મદદ વડે વિદ્યાર્થીઓ શું, ક્યારે, કેટલું શીખે છે તે તપાસી શકાય છે અને એને આધારે આગળના નિર્ણયો લઈ શકાય છે. ડેટા માટે શાળા/કોલેજોમાં વધુ સીસીટીવી કેમેરા, ફિંગર-પ્રિન્ટ, RFID ટેગ, સેન્સર, ફિટનેસ-બેલ્ટ, વગેરે લગાવવામાં આવે જેથી વધુ ચોક્કસ ડેટા પ્રાપ્ત કરી શકાય. ડેટા આધારિત શિક્ષણથી McKinsey Global Institute પ્રમાણે શિક્ષણમાં $૧ ટ્રીલીયનનું મૂલ્ય ઉમેરી શકાય. આર્ટીફીશ્ય્લ ઈન્ટેલીજન્સ અને મશીન લર્નિગ દ્વારા Real Time ડેટા સંગ્રહ શક્ય બન્યો છે. ડેટાની આ તાકતને આધારે Knewton નામની ઓનાલાઈન શિક્ષણ આપતી કંપની દાવો કરે છે કે “અમે તમને કોઈપણ વિષય ઝડપથી શીખવીશું.” શાળાનો વધુ અને વૈવિધ્યસભર ડેટા શિક્ષણનો કોઈપણ નિર્ણય લેવામાં ખૂબ જ ઉપયોગી બને છે. ઉદાહરણ તરીકે માઇક્રોસોફટના બિગ ડેટા એનાલિસિસે આંધ્રપ્રદેશના શાળાના બાળકોના ડેટાને આધારે ધોરણ-7ની હજારો વિદ્યાર્થીનીઓની સ્કૂલ-ડ્રોપ આઉટ તરેહો શોધવામાં મોટી મદદ કરી છે. સરકારે આ ડેટાને આધારે એ વિદ્યાર્થીઓમાંની ઘણી બધીનો સ્કૂલ-ડ્રોપ આઉટ અટકાવ્યો પણ ખરો. ઓછા સમયમાં લાખ્ખો વિદ્યાર્થીઓના અનેક પ્રકારના ડેટાનું વિશ્લેષણ કરીને એમાંથી કેટલીક ચોક્કસ આગાહીઓ કરવી એ કામ માણસ માટે કરવું અત્યાર સુધી અશકય હતું.
અલબત, શિક્ષણ નામની માનવીય અને જટિલ પ્રક્રિયાને મર્યાદિત આંકડાઓથી નિયંત્રિત કરવામાં આવે ત્યારે કેટલાક પ્રશ્નો સહજ રીતે આપણી સામે છે જેમ કે વિદ્યાર્થીની શીખવાની તૈયારી અને રસ ડેટા દ્વારા ચોક્કસાઈ પૂર્વક માપી શકાય? કોઈ પણ ડેટા તટસ્થ હોય શકે? ડેટા એકત્ર કરવાની પદ્ધતિઓમાં રહેલા પૂર્વગ્રહો કેટલી હદે નિવારી શકાય? જેને ડેટાને આધારે માપવાની જરૂર છે એને જ માપવામાં આવે છે કે પછી જે માપવામાં સહેલું છે તેને? કારણકે જો સહેલાને માપીશું તો તે જ મહત્ત્વનું ગણાશે. શિક્ષક કે વિદ્યાર્થીનું મૂલ્યાંકન માત્ર ડેટાને આધારે જ કરવું યોગ્ય છે? તો પછી પોતાનું મૂલ્યાંકન સારું થાય એ માટે અમુક લોકો નકલી ડેટા ઊભો કરે તો? વિવિધ રીતે (CCTV, Fingerprint, Sensors) ડેટા એકત્ર થઈ રહ્યો છે એ જાણતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાનું કામ કેટલી સહજ રીતે કરી શકે? કારણ કે માણસ ખોટું ન કરતો હોય તો પણ Vigilance – મને કોઈ સતત જોઈ રહ્યું છે એ ભાવને લીધે એમનામાં કૃતિમપણું આવી જાય, જે શૈક્ષણિક દૃષ્ટિએ યોગ્ય ન કહેવાય. એથી પણ આગળ જઈને વિચારીએ તો મારાં ડેટાને આધારે મને કોઈ દૂર બેસીની નિયંત્રિત કરી રહ્યું છે એ ખ્યાલ મને અને મારી અસ્મિતાને કેવી રીતે ઘડશે એ જોવું રહ્યું. બીજો અગત્યનો મુદ્દો જેતે ડેટાની વિશ્વનીયતા અને ગોપનીયતાનો છે. હાલ પણ અમાપ ડેટા અમાપ રીતે વહેંચાઈ અને વેચાઈ રહ્યો છે એમાં જ્યારે ડેટા આધારિત શિક્ષણ વ્યાપક બને ત્યારે શું આપણે શૈક્ષણિક ડેટાને લગતા નવા કાયદાઓ બનાવીશું? હવે શાળા/કોલેજોમાં ડેટા એનાલિસ્ટ અને ડેટા મેનેજરની ભરતી થવા લાગી છે. શું ભવિષ્યમાં બાળકોની “જાસૂસી” થશે? અને આખુય તંત્ર વ્યાપારી ધોરણે ચાલશે?
E. શિક્ષણ વ્યાપાર તો નહીં બની જાયને?
આમ તો શરૂઆતથી શિક્ષણનું એક વ્યાપારી પાસું રહ્યું છે, ખાસ કરીને પાશ્ચાત્ય જગતમાં. 1700 – 1800 દરમિયાન ખાનગી શાળાઓનો દબદબો રહ્યો અને 20મી સદીની શરૂઆતથી આજ સુધી પાઠ્યપુસ્તકો છાપવાનો મોટો વ્યાપાર પણ ખૂબ મોટો ચાલ્યો આવે છે. આ સંદર્ભમાં શૈક્ષણિક ટેકનૉલોજી વ્યાપારી ધોરણે જ દાખલ થાય તેમાં કોઈ શંકા નથી કારણકે કોઈ સરકાર પાસે ખાનગી કંપનીની સરખામણીએ એવાં ટેક્નોક્રેટ માણસો અને સંસાધનો હોતાં નથી જે વ્યાપારી દૃષ્ટિએ ગુણવત્તાસભર કામ કરી શકે. એટલે ખાનગી શાળાઓ શૈક્ષણિક ટેક્નોલોજીના ઉપયોગમાં સરકારી શાળાની તુલનામા વધુ આગળ રહે તે સ્વાભાવિક છે. અમેરિકાના શિક્ષણ ખાતા પ્રમાણે શૈક્ષણિક ટેકનોલોજીનું માર્કેટ અત્યારે $5 ટ્રિલિયને પહોંચ્યું છે.
શૈક્ષણિક ટેક્નોલૉજીના વ્યાપારીકરણથી આઈટી ક્ષેત્રે ઇનોવેશન તકોએ એવડી મોટી હરણફાળ ભરી છે કે શિક્ષણના નાના-નાના પણ મોટી વસતિના પ્રશ્નોના સરળ અને સસ્તા ઉકેલો આવી રહ્યા છે. Udacity નામની ઓનલાઈન શિક્ષણ આપની કંપનીના સ્થાપક કહે છે, ‘Education is broken. Face it…it is so broken at so many ends; it requires a little bit of Silicon Valley magic.’ અર્થાત શિક્ષણનું ભંગાણ થયું છે, એનો સામનો કરીને સ્વીકારીએ. શિક્ષણ એટલી બાજુએથી તૂટી ગયું છે કે એના પર હવે સિલિકોન વેલીની જાદુઈ છડી ફેરવવી પડે તેમ છે. અહીંયા સિલિકોન વેલીનો અર્થ Amazon, Microsoft, facebook, Apple, વગેરે થાય છે. ટેક્નોલૉજીના માધ્યમથી શિક્ષણનું વ્યાપારીકરણ વધે તો તેની આસપાસ રહેલા સત્તાના કેન્દ્રો પણ વધુ મજબૂત બને. Kevin Careyના મતે “હવે શિક્ષણમાં ધરખમ પરિવર્તન લાવનાર શિક્ષકો નહીં પણ પ્રોગ્રામર, હેકર અને એમને પોષતી મહાકાય કંપનીઓ છે.” શું હાલના શિક્ષકો આ ધસમતા પ્રવાહની સાથે અથવા સામે તરવા સક્ષમ છે?
F. શિક્ષકો તાલીમબદ્ધ છે?
આપણે ‘શિક્ષણમાં ટેકનોલોજી ઉપયોગ’ એવું બોલીએ છીએ ત્યારે આપણા મનમાં ખરેખર શું છે? હાલ, સરકારી અને ખાનગી શૈક્ષણિક વ્યવસ્થાઓમાં જે ટેકનોલોજી આવી ચૂકી છે તેમાં ક્યાંક ‘સ્માર્ટ-બોર્ડ’, ‘ટેબ્લેટ’, ‘મોબાઈલ એપ્લીકેશન’ તો ક્યાંક વળી ‘લર્નિંગ મેનેજમેન્ટ સોફ્ટવેર’ દેખાય છે. ટેકનોલોજી શિક્ષકનું સ્થાન ક્યારેય નહીં લઈ શકે એવું માનનારા લોકો આને જ ‘ટેકનોલોજી’ સમજે છે. આમાં ટેકનોલોજીનો એક “સાધન” તરીકે ઉપયોગ થઈ રહ્યો છે નહીં કે એક ‘અભિગમ’ તરીકે. એટલે સાધન તરીકે ટેકનોલોજી શિક્ષકનું સ્થાન ન લઈ શકે એ વાત સાચી. પણ કોર્પોરેટ જગત શિક્ષણમાં ટેકનોલોજીને એક અભિગમ તરીકે જુએ છે.
જે રીતે આઈટી ક્ષેત્ર નવી નવી શૈક્ષણિક ટેક્નોલૉજી બનાવી રહ્યું છે તે બાબતે મોટા ભાગના શિક્ષકો માહિતીના સ્તરે જ અજાણ હોય છે; એ ટેક્નોલોજીનો પ્રયોગ કરવાની વાત તો દૂર રહી! હવે જો શિક્ષકો જ શિક્ષણમાં ટેક્નોલોજીના ઉપયોગ વિષે અજાણ હોય તો પછી એની સમીક્ષા કેવી રીતે કરી શકે? સમીક્ષા વગર ઉપયોગમાં લેવામાં આવતી કોઈપણ ટેક્નોલૉજી શૈક્ષણિક ગુણવત્તાને કેવી રીતે સુધરે એ પ્રશ્ન છે! સરકાર કે ખાનગી શાળા સંચાલકોએ શિક્ષકોને નવી શૈક્ષણિક ટેક્નોલૉજી વિષે તાલીમ આપવી જોઈએ અને શિક્ષકોએ પણ વ્યક્તિગત ધોરણે પણ શિક્ષણમાં નવું શું આવી રહ્યું એની પ્રાથમિક જાણકારી માટે નવું નવું વાંચે એવી પ્રાથમિક રાખવી વધુ પડતી છે? શિક્ષકનો વ્યવસાય ભલે ઉમદા માનવામાં આવતો હોય પણ બધા શિક્ષકો પાયાનું વાંચવાની ઉમદાવૃત્તિ ધરાવતા નથી હોતા! જો શિક્ષકો તાલીમબદ્ધ નહીં હોય તો શું એમની જગ્યાએ સંપૂર્ણ કે આંશિક રોબોટ્સ લાવીએ? અહીં સર આર્થર ક્લાર્કની વાત યાદ કરવી ઘટે, “જે શિક્ષકનું સ્થાન મશીન લઈ શકે, એનું લેવું જ જોઈએ!”
G. વર્ગખંડમાં રોબોટ્સ:
૨૦૧૬માં ‘સોફિયા’ નામની રોબોટને કેટલાક દેશોએ નાગરિકતા આપી! ‘સાયા’ નામની રોબોટે પ્રાથમિક શાળાના બાળકોએ સરસ ભણાવી બતાવ્યું. ‘પેપર’ અને ‘નાઓ’ નામના ટેબલ પર રહી શકે એવા નાના રોબોટ્સ ઘરમાં બાળકોના દોસ્ત તરીકે એમની સાથે વાતો કરી રહ્યા છે. પરંતુ, અત્યારે વર્ગખંડમાં જે રોબોટ્સ છે એ માત્ર કોઈ સ્ટંટ કે માર્કેટિંગ ટ્રેન્ડ તરીકે હોય એમ લાગે છે, જમીની હકીકત નથી. અને આમ પણ શિક્ષકની જગ્યાએ રોબોટ્સ આવે એ ટેકનોલોજી પણ કહેવાય કારણ કે એનાથી માત્ર કામ કરનાર જ બદલાય છે કામની તરેહ કે ગુણવત્તા નહીં. સારી ટેકનોલોજી એ છે જે કામની તારેહને એવી રીતે બદલે કે જેથી કામના પરિણામની ગુણવત્તા સુધરે. રોબોટ્સ એટલે માત્ર માણસ જેવા દેખાતા મશીન નહીં પણ સોફ્ટવેર, એપ્લીકેશન, માઈક્રો ડિવાઈસીસ વગેરે. આવા રોબોટ્સ અત્યારે શાળા/કોલેજોમાં આવી ચૂક્યા છે. ૨૧મી સદીને AI-Alignment Age પણ કહે છે કે જેમાં માણસે એઆઈ સાથે પોતાને ગોઠવીને મહત્તમ કામ કરવાનું છે. એટલે શાળા/કૉલેજમાં શિક્ષકો અને સંચાલકો જેમ જેમ મશીનની મદદ વડે કામ કરતા જશે તેમ તેમ તેમની પાસેથી મશીન જેવી ગુણવત્તાની અપેક્ષા રાખવામાં આવશે. શિક્ષણમાં ઓટોમેશન લાવવાથી જે કંપનીઓને ફાયદો થાય છે એ તો રાત-દિવસ પોતાની પ્રોડક્ટની ગુણવત્તા સુધારવા પ્રયત્નો કરી રહ્યા છે અને ગુણવત્તા સુધરી પણ રહી છે. વિદ્યાર્થીઓની હાજરી, તેના વિવિધ રીપોર્ટ અને તેના આધારેની ભલામણો ઓટોમેશન દ્વારા સરસ થાય છે. શિક્ષકો એક જ મુદ્દા માટે અલગ-અલગ સ્તરની પ્રવૃત્તિઓ ChatGPT પાસે તૈયાર કરાવી શકે છે. પરીક્ષાના પ્રશ્નપત્રો સોફ્ટવેરની મદદથી વધુ તટસ્થ રીતે કાઢી શકાય છે. મૂલ્યાંકનમાં પણ સોફટવેરે માનવશ્રમ અને કાગળ બચાવ્યા છે. દિવસેને દિવસે માર્ક્સશીટમાં ગણતરીની ભૂલો નહીવત થવા લાગી છે કેમ કે તે ઓટોમેટેડ સોફ્ટવેર દ્વારા કરવામાં આવે છે. એટલે કે શિક્ષણમાં જેટલું કામ રીપીટેટીવ (એકધારૂ અને એક સરખું) છે તે “રોબોટ્સ” માણસ કરતા વધુ કાર્યક્ષમતાથી કરી શકે છે અને કરવું જોઈએ.
એઆઈ આધારિત આ તમામ સીસ્ટમ દિવસેને દિવસે વધુ કાર્યક્ષમ થઈ રહી છે કારણ કે તે હજારો શિક્ષકોના રોજબરોજના કામના ડેટાને આધારે નિર્ણય કરે છે. અને હજુ એ વધુ ચોક્કસ પરિણામલક્ષી બનશે એમાં કોઈ શંકા નથી.
તો હવે પ્રશ્ન એ છે એવા ક્યા ક્યા કામ છે જે રીપીટેટીવ ન હોય અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ખૂબ જ જરૂરી હોય? વિવેચનાત્મક વિચારણા, સર્જનશીલતા, ભાવાત્મક સંતુલન, સમસ્યા નિરાકરણ, સામાન્ય બુદ્ધિ વગેરેમાં અત્યારે ‘માનવીય’ કૌશલ્યો એટલે કે એવી આવડતો જે મશીન હજુ કરી શકતા નથી તેનો સમાવેશ થાય છે. પણ, નીલ કહે છે કે શિક્ષણમાં રોબોટ્સ કે અન્ય ટેકનોલોજી લાવવાથી સરકાર પર માનવ શિક્ષકોના અને અન્ય લોકોના પગારનું ભારણ ઓછું થશે અને એમ હોય તો શું સરકાર આવા રોબોટ્સ લાવશે? વર્ગખંડમાં રોબોટ્સનો પ્રવેશ એ શૈક્ષણિકને બદલે રાજકીય મહત્ત્વકાંક્ષા બને તો? વળી, વિદ્યાર્થીઓ સાથેના વાણી-વર્તન અને વિશ્વાસનું શું? શું આપણા વિદ્યાર્થીઓ રોબોટ્સ કે એઆઇ ઉપર વિશ્વાસ મૂકશે? આનાથી ઉલટું પણ વિચારી શકાય કે જો એઆઈ અલગોરિધમ વિદ્યાર્થીઓને વધુ વિશ્વાસ મૂકતા કરે તો? એટલે બૌદ્ધિક અને ભાવાત્મક ગોપનીયતા ખતરામાં પડે!
હાલમાં જે શિક્ષકો જરૂર પ્રમાણે એઆઈ અને અન્ય ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપે અને ધીમે ધીમે તેમની ટેકનોલોજી પરની નિર્ભરતા વધી જાય તો એ શિક્ષકોને “શિક્ષકો” કહેવાય? કે પછી ટેકનોલોજીએ તૈયાર કરેલ માનવ રોબોટ્સ!
H. આખરે…
નીલ કહે છે કે આ મુદ્દાને વધુ ગંભીરતાથી સમજવા માટે આપણે નીચેના પ્રશ્નો પૂછવા જોઈએ:
1. આમાં નવું શું છે?
2. આના અણધાર્યાં પરિણામો કેવાં હોઈ શકે?
3. ફાયદાઓ અને નુકશાન કેવાં હોઈ શકે?
4. શિક્ષણમાં ટેકનોલોજી દાખલ કરવા પાછળના કોઈ છૂપા હેતુઓ છે? કોઈ સારાં મૂલ્યો સ્થાપિત થાય છે?
5. આખરે આમાં કોને ફાયદો થાય છે? કેવી રીતે?
6. જે શૈક્ષણિક સમસ્યાઓનો ઉકેલ ટેકનોલોજી આપી રહી છે એ ઉકેલમાંથી કેવા સામાજિક પ્રશ્નો જન્મી શકે?
7. કેટલી હદે શૈક્ષણિક સમસ્યાઓ દૂર થઈ શકશે?
સારી કે ખરાબ ટેક્નોલૉજી હવે આપણાં જીવન અને શિક્ષણનો એક ભાગ બની છે. ઉપરોક્ત ચર્ચાને આધારે એટલુ તો સ્પષ્ટ થયું છે કે શું ટેક્નોલૉજીએ શિક્ષકનું સ્થાન લેવું જોઈએ? આ પ્રશ્નનો જવાબ ‘હા’ કે ‘ના’ નથી. જેમ એઆઈ અને રોબોટ્સ શિક્ષણમાં કંઈ ફેરફાર નહીં લાવી શકે એ કહેવું ભૂલ ભરેલું છે એમ જ ટેકનોલોજી જાદુઈ છડી દ્વારા શિક્ષણને ધરમૂળમાંથી બદલી દેશે એ પણ એટલું જ અપરિપક્વ કહેવાશે. નીલ Biestaને ટાંકીને સમજાવે છે કે આખરે જે ટેક્નોલૉજી વિદ્યાર્થીઓને રોજગાલક્ષી જ્ઞાન-કૌશલ્ય આપે, તેઓને સામાજિક મૂલ્યો આપે અને વિદ્યાર્થીઓને પોતાના વિષે જાગૃત કરે અને સ્વતંત્ર રીતે વિચારી શકે એવી સમજણ આપે તે શિક્ષણ માટે ઉપયોગી. શિક્ષણમાં ટેક્નોલોજીનો ઉપયોગ કેટલો અને કેવો કરવો જોઈએ તેનો નિર્ણય વ્યાપક લોકોના હિતમાં લેવાય એ જરૂરી છે; નહીં કે જેમને આમાંથી “આર્થિક” કે “રાજકીય” ફાયદો થવાનો હોય તેમના. આ બંને પુસ્તકોના કેન્દ્રમાં મુદ્દો ટેક્નોલૉજી કે શિક્ષણ કરતાં પણ વધુ એ છે કે આપણે આ પસંદગી વધુ ચર્ચા બાદ અને વધુ જાગૃતિ સાથે કરવી જોઈએ. અલબત, એ વાત ચોક્કસ લાગે છે કે ભલે ટેક્નોલૉજી શિક્ષકનું સ્થાન ન લે, પરંતુ જે શિક્ષકો ટેક્નોલૉજી સરસ ઉપયોગ શિક્ષણમાં કરે છે એ એવા શિક્ષકોનું સ્થાન ચોક્કસ લેશે કે જેઓ ટેક્નોલોજીનો શૈક્ષણિક ઉપયોગ બિલકુલ નથી કરતાં!
સંદર્ભ:
1. Selwyn, Neil. Is Technology Good for Education? Polity Press, 2016
2. Selwyn, Neil. Should Robots Replace Teachers? Polity Press, 2019
****
ઊહાપોહ:૨ના પ્રથમ અંકમાં પ્રકાશિત લેખ સામાયિકના આભાર સાથે.
Leave A Comment