૨૦મી સદીની લગભગ બધી જ મહાન કૃતીઓમાં
નાયક કોઈને કોઈ અદ્રશ્ય દુશ્મન સાથે લડતો જોવા મળે છે; તેને કોઈ સામાજિક-રાજકિય
વિચારશૈલી, અભિગમ જે પછી પોતાની જ જાત સાથેની માથાકૂટ કહી શકાય. આવી
વ્યક્તિ-કેન્દ્રી કૃતિ માનવ મનનાં ઊંડાણ સુધી પહોંચવાના પ્રયત્નો કરે છે અને એમ એક
સભ્યતા તરીકે આપણા વિકાસની માપદંડ બને છે. જર્મન લેખક અને  ફિલોસોફર હરમન હેસ કૃત
સિદ્ધાર્થ બે ખંડ અને ચાર
પ્રક્રરણોમાં વહેંચાયેલી વિરલ કૃતિ છે. વાર્તાને સ્વરૂપગત રીતે લઘુનવલ કહી શકાય
પણ, તેનો વૈચારિક વ્યાપ કોઈપણ બૃહદ નવલકથા કરતાં જરાય ઓછો ન અંકાય
!


‘સિધાર્થ’ એક
નવલકથા તરીકે
climax થી anti-climax સુધીની પાત્રો અને ભાવકો માટે અનુક્રમે horizontal
અને vertical યાત્રા છે. આવી કથનશૈલી આપણને અન્ય
કૃતિઓમાં પણ જોવા મળે છે, જેમ કે કાફ્કાની ‘મેટામોર્ફોસીસ’, આલ્બર કામુની
‘ધ આઉટસાઇડર’ વગેરે.
‘સિધાર્થ’ વિશે ચર્ચા કરતી વખતે આપણે ત્રણ
પુર્વધારણાઓ મનમાં રાખીએ:

  1. ‘સિધાર્થ’ એટલે અનુયાયી અને બુધ્ધ વચ્ચે સતત ઝુલતા
    સામાન્ય માણસની કથા.
  2. ‘સિધાર્થ’ એટલે પતંગિયામાંથી ફરી કોશેટો બનવાની
    પ્રકિયા અને
  3. ‘સિધાર્થ’
    એટલે પ્રકૃતિનું શિક્ષણશાસ્ત્ર. 

આપણે સમયાન્તરે આ ત્રણેય પુર્વધારણાઓને ‘સિધાર્થ’નાં
અર્થઘટનો સાથે ચકાસીશું.   

બાળપણથી જ હરમન હેસમાં એક શાંતિપ્રિય વ્યક્તિનાં
ગુણો વિકસેલા જેને લીધે આગળ જતાં તે યુદ્ધ સામે પોતાનો વિરોધ નોંધાવે છે. તદુપરાંત
, તેના ભારતીય અધ્યાત્મના ગહન વાચન અને ચિંતનનો પડઘો ‘સિદ્ધાર્થ’માં ઝીલાતો લાગે છે. અહીં એક
બાબત આપણે નોંધી લઈએ કે દેખીતી રીતે ભારતીય રંગે રંગાયેલ હેસની વિચારશૈલી તો મહદંશે
પાશ્ચાત્ય જ રહી છે.

સિધાર્થ એક બ્રાહ્મણ પુત્ર છે; ઘરના સહજ ધાર્મિક
વાતાવરણમાં સિધાર્થ પણ ‘ઓમ ઓમ’ના મંત્રોચ્ચાર કરે છે પણ વાર્તાની શરૂઆતમાં જ આપણને
જાણવા મળે છે કે સિધાર્થને આ યંત્રવત જપ કરવામાં સાર્થકતા લાગતી નથી. તેને તો
જીવનનું અંતિમ સત્ય-
the ultimate truthઆત્મસાત કરવું છે.
આગળ જતાં તેને પોતના જેવી જ વિચારસરણીવાળો એક મિત્ર મળી જાય છે, જેનું નામ છે
ગોવિંદ. બંને ઘર છોડીને સન્યાસ લે છે અને જંગલમાં ભટકતા સાધુઓ સાથે જોડાઈને ઉપવાસ,
તપ, ધ્યાન વગેરે શીખે છે પણ અંતિમ સત્ય મળતું નથી. એ દરમ્યાન બંને મિત્રો કોઈ સાધુ
પાસેથી સાંભળે છે કે એક એવા મહંત આવ્યા છે કે જેને જીવનનું અંતિમ સત્ય સમજાયું છે.
સ્વાભવિક રીતે જ બંને જણ આ સાધુઓની ટોળી છોડીને પેલ મહંતને મળવા જાય છે, એ મહંત
એટલે ગૌતમ બુધ્ધ. બુધ્ધ ભગવાનના પ્રવચનો સાંભળીને સિધાર્થ ગોવિંદ જેટલો પ્રભાવિત
થતો નથી. ગોવિંદ બુધ્ધનાં અનુયાયીઓ સાથે જોડાઈને અષ્ટાંગ યોગ શીખવાનું શરુ કરે છે.      
 

અતૃપ્ત સિધાર્થ સંસાર તરફ પાછો ફરે છે;
તેને સંસારમાં જ ક્યાંકને ક્યાંક બધા પ્રશ્નોનાં ઉત્તર મળતાં લાગે છે. સંસારમાં
પ્રવેશતાં જ તે કમલા નામની એક રૂપજીવિનીનાં સમ્પર્કમાં આવે છે અને તેનાં સૌદર્યથી
એ તરત જ મોહિત થઇ જાય છે. કમલાને ખુશ કરવા સિધાર્થ ધન-સંપતિ એકઠી કરે છે. વીસેક
વર્ષ સુધી આવો ભોગવિલાસ માણ્યાપછી તેને આ બધી વસ્તુઓ વ્યર્થ લાગવા લાગે છે.
પરિણામે બીજી વખત સન્યાસ લે છે અને જંગલમાં જાય છે. એકાદ વખત આત્મહત્યા કરવાનો પણ
વિચાર આવે છે. અંતે વાસુદેવ નામનાં એક નાવિકના સમ્પર્કમાં આવે છે. વાસુદેવ તેને
નદીનું રહસ્ય સમજાવે છે; સિધાર્થ નદીનો વિદ્યાર્થી બનીને જ્ઞાન પ્રાપ્ત કરી ‘તરસ’ છીપાવે
છે. આ બાજુ ક્મલા પણ સંસાર છોડીને ભગવાન બુદ્ધના માર્ગે નીકળી પડે છે પણ જંગલમાં સર્પદંશથી
તેનું મૃત્યુ થાય છે. કમલાને સિધાર્થથી એક પુત્ર પણ છે જેને તે મરતી વખતે સિધાર્થને
સોંપે છે. વળી, સિધાર્થ પુત્રમોહમાં સંપડાય છે, પણ અંતે પિતા-પુત્ર બંનેની
વિચારસરણી એક-બીજાથી અલગ હોવાથી પુત્ર પિતાને છોડે છે. છેલ્લે સિધાર્થ ફરી
ગોવિંદને મળે છે અને તેને જીવનનું અંતિમ સત્ય સમજાવે છે.            

તો આ છે ૧૨૧ પાનામાં વિસ્તરેલું
વાર્તાતત્વ.

પરંતુ જો વાર્તા જેટલી સરળ દેખાય છે એટલી
જ હકીકતમાં હોત તો કદાચ હેસને નોબેલ પારીતોષીક ન મળ્યું હોત.
હરમન હેસને જયારે
નોબેલ પારિતોષીક મળ્યું ત્યારે ઘણા બધા ભારતીય વિવેચકો અને વાચકોએ મોટા બણગા
ફૂંકેલા કે ‘
સિધાર્થ’ નવલકથા ભારતીય સંસ્કૃતિને ઊજાગર કરતી વિરલ ગાથા
છે. પણ, એક વાત સ્પષ્ટ સમજી લઈએ કે ભારતીય પરિપ્રેક્ષ્યમાં હોવાથી કોઈ કૃતિ ભારતીય
સંસ્કૃતિની દ્યોતક નથી બનતી. તેની પાછળ સજ્જડ કારણો પણ છે:

(૧) નવલકથાના મુખ્ય પાત્ર સિધાર્થનું માનસ મૂળભૂત રીતે
પાશ્ચાત્ય છે; તે ૧૨૧ પાનામાં લગભગ એક સો જેટલા તાર્કિક પ્રશ્નો પુછે છે અને દરેક
વસ્તુને કાર્ય-કારણના માપદંડથી તપાસે છે જે એક
typical
western rationalist thinker
ને આપણી સમક્ષ મૂકે છે. દા.ત. પ્રથમ પ્રકરણમાં જ સિધાર્થ
પુછે છે, “શું ત્યાગ સુખ આપે?” અહીંયા એક સામાન્ય ભાવકને પણ સહજ પ્રશ્ન થાય કે જો
કૃતિ ખરેખર “ભારતીય” હોત તો ઈશાવાસ્યમ ઉપનીષદના તેન ત્યક્તેન ભુંજીથાનાં
ખ્યાલને સહેલાઈથી પચાવી શકેત. આમ છતાં, આવા અનેકવિધ પ્રશ્નો જ નવલકથાને મઠારે છે
અને આપણા મનમાં મુંજારો, મથામણ તથા સિધાર્થ પ્રત્યે તાદાત્મ્ય રચે છે. (૨) બીજું
કારણ છે સિધાર્થનો પ્રોટેસ્ટંટ મિજાજ; એક જગ્યાએ તે ગોવિંદને કહે છે કે (આ અવતરણની
ખરી અસર અંગ્રેજીમાં પકડાય છે એવું મને લાગે છે એટલે ગુજરાતી અનુવાદ આપ્યો  નથી.):

I have always been full of questions. Year after year I have
questioned the Brahmins, year after year I have questioned the holy Vedas.
Perhaps, Govinda, it would have been equally good, equally clever and holy if I
had questioned the rhinoceros or the chimpanzee.

અહિયા એ સ્પષ્ટ દેખાય છે કે ‘સિધાર્થ’નાં “કપડા” ભલેને બુધ્ધ ચિંતકનાં હોય પણ
એનો આત્મા તો એક પ્રોટેસ્ટંટનો જ છે. આમાં કોઈ ધર્મની ટીકા કે વિરોધ નથી પણ સમન્વય
છે. ઘણી બધી જગ્યાએ બાઇબલનો સીધો પ્રભાવ જોઇ શકાય છે. જેમ કે ભગવાન બુધ્ધ સાથે
ચર્ચા કરતાં સિધાર્થ કહે છે,
“It is not for me to judge
another life. I must judge for myself”
, જેમાં બાઈબલનાં “Judge not that you be not judged”નો સીધો સંદર્ભ
જોઈ શકાય છે. (૩) ત્રીજું અને સબળ કારણ છે કૃતિનો ઢાંચો-તેનું બંધારણ, આવા જ
બંધારણવાળી અનેક પાશ્ચત્ય નવલકથાઓ આપણાં ધ્યાનમાં છે, જેમકે
Robinson Crusoe, Ivanhoe, Treasure Island, Gulliver’s Travels, Life
and Adventures of Huckleberry Finn, Moby Dick
વગેરે. કેવી રીતે?
આ બધી જ નવલકથાઓમાં કેટલાંક પાસાઓ
common છે:

  • દરેક કૃતિ
    નાયકપ્રધાન છે,
  • નાયક સમાજથી
    દુર જાય છે,
  • મૃત્યુથી દુર
    ભાગે છે,
  • એકાંત ઝંખે
    છે,
  • પુરુષ-પુરુષ
    સંબધ,
  • નાયકના
    જીવનની છેલ્લી અવસ્થામાં નાયિકાની હાજરી,
  • પાણીને
    ગુરુનું સ્થાન,
  • પાણી જીવન
    અને પુનર્જીવનનું પ્રતિક,
  • નાયકનો
    સાથી-નાયક તેનાં કરતાં સામાજિક સ્તરમાં નીચો વગેરે.       

નવલકથાનું આવું
બંધારણ કેમ છે એનો નાનકડો ઇતિહાસ જોઈ લઈએ. ‘સિધાર્થ’ ૧૯૨૨માં પ્રકાશીત થઈ ત્યારે
પાશ્ચાત્ય જગતમાં
Psychologyની ખુબ જ બોલબાલા
હતી. હરમન હેસ એ સમયે ફ્રોઇડને ખુબ જ વાંચતાં અને એનાથી એટલા બધા પ્રભાવિત થયા કે
પોતે સ્વેચ્છાએ એક મેન્ટલ હોસ્પિટલમાં એક માનસિક રોગી તરીકે દાખલ થયા અને
ફ્રોઈડનાં “પ્રિય શિષ્ય” કાર્લ યુંગની ટ્રીટમેન્ટ લે છે.    
                                                                                                     

એ યુંગે આ બંધારણ
આપ્યું જેને એ ‘
Archetype’ કહે છે જેનો
સીધો અર્થ એવો થાય કે એક ચોક્કસ માળખું-બીબું હોય છે કે જેમાં માત્ર પાત્રો અને
વાર્તા ગોઠવવાની રહે છે. પણ આ બીબામાં રહેલ
મનોવૈજ્ઞાનિક સંદર્ભમાં તપાસીએ તો ‘સિધાર્થ’
એટલે પોતાની ઈચ્છાઓ, પોતાની જાત અને બાહ્ય જગત આ બધા વચ્ચે સમતોલન ‘સીધ્ધ’ કરવું.
એટલે સિધાર્થ અનુક્રમે બાહ્ય જગતને છોડે છે, ઈચ્છાઓ તૃપ્ત કરે છે અને અંતે પોતાની
જાત અંકુશ મેળવી પરમ સત્યને સમજે છે. આમ મનોવૈજ્ઞાનિક પરિભાષામાં
harmony of id, ego and super egoને જ જીવનનું
અંતિમ સત્ય જાણવું.

આપણી પ્રથમ
પૂર્વધારણાનાં પ્રમાણે વિચારીએ તો ગોવિંદ હમેશાં એક અનુયાયી જ રહે છે જયારે ગૌતમ,
બુધ્ધને બધા અનુસરે છે. આપણા બધામાં એકબાજુ ક્યાંકને ક્યાંક અનુયાયી ગોવિંદ પડેલો
છે તો બીજી બાજુ બુધ્ધ વસે છે અને આ બન્ને અંતિમો વચ્ચે સિધાર્થ નામની પ્રક્રિયા
સતત ચાલ્યા કરે છે. એ અર્થમાં ગોવિંદ, સિધાર્થ અને બુધ્ધ અલગ અલગ ન રહીને એક જ
જ્યોતિપુંજન ત્રણ ગતિ-સ્વરૂપો સમજી શકાય; આગિયો, મશાલ અને સિતારો.         

નવલકથા વાંચતી
વખતે સતત મુંજવણ થાય કરે કે હરમન હેસ આપણને શું દેખાડવા માગે છે અને શું શીખવાડવા?
અથવા તો બંને સાથે? કેમ કે એક બાજુ અઢળક ભારેખમ ચિંતન અને બીજી બાજુ સિધાર્થની
ગતિ, તેનાં પ્રયોગો, તેનો સાક્ષાત્કાર. હેસ તેનાં દરેક પાત્રનાં મુખે ચિંતન
મુકવામાં સફળ રહ્યા છે. દા.ત., કમલા-એક રૂપજીવિની-પણ જયારે સિધાર્થને પ્રેમની કળા
શીખવે છે ત્યારે કહે છે:           

પ્રેમ ભીખની જેમ
માગી શકાય, ખરીદી શકાય, ભેટ કરી શકાય પણ ક્યારેય ચોરી કરી શકતો નથી…તારા(સાધુ)
જેવા અને મારાં(
રૂપજીવિની) જેવા કોઈને પ્રેમ કરી શકતા નથી, માત્ર સામાન્ય લોકો જ
પ્રેમ કરી જાણે છે.    
                                                    

આમ તે એક
સન્યાસીને પોતાના સ્તરે લાવીને વિચારી શકે છે અને તેમ કરવામાં તેને કોઈ હીન ભાવ પણ
નથી, છે તો માત્ર જીવનની અસહ્ય વાસ્તવિકતામાંથી નીતરતું ચિંતન.  

‘સિધાર્થ’માં અન્ય
રસપ્રદ પાસુ છે તેમાં રહેલાં અસંખ્ય વિરોધાભાસો દા.ત.,(૧)એક બાજુ સિધાર્થ ભગવાન બુધ્ધનાં
વિચારોથી સહમત થતો નથી અને બીજી બાજુ એમના જ ચિંધ્યા માર્ગે ચાલે છે; જેમ કે આપણે
જાણીએ છીએ કે ભગવાન બુધ્ધ ઉપદેશ આપતી વખતે હમેશાં કહેતા કે ‘શિષ્યો, હું કહું છું`
એટલા માટે નહી પરંતુ આ વાત તમે પ્રાયોગિક ધોરણે અમલમાં મુકો, ચકાસો અને જો યોગ્ય
લાગે તો અપનાવો’. સિધાર્થ આ ઉપદેશનું શબ્દસહ પાલન કરે છે. (૨) એક તરફ સિધાર્થ
ગુરુ-શિષ્ય પરંપરાનો છેદ ઉડાડે છે અને ગોવિંદને કહે છે કે “શીખવાની પ્રક્રિયામાં
રંગો નથી, ખુણાઓ નથી, ગંધ નથી કે સ્વાદ નથી, બિલકુલ નકામી છે.” તો બીજી તરફ તે
કમલા, વાસુદેવ, નદી વગેરેને પોતાનાં ‘શિક્ષક’ તરીકે સ્વીકારે છે. છેલ્લું આખું
પ્રકરણ સિધાર્થ પોતાની ‘કેળવણી’ જ સમજાવે છે. આવા વિરોધાભાસો પાછળ ક્યાંક હેસનો
હેતુ ભાવકોને વાંચતી વખતે આવા વિરોધાભાસો ઓળખાવવા, અને તેનાં પર ચિંતન કરવા
પ્રેરવાનો તો નહી હોયને!

એક બ્રહ્માણ યુવક
જીવનનાં અંતિમ સત્ય ને પામવા ઘર છોડે છે, જંગલમાં જાય છે, ઉપવાસ કરી ધીરજ શીખે છે.
ટાઢ, તાપ, વરસાદ વગેરે સહન કરીને ઇન્દ્રિયો પર કાબુ મેળવે છે. ભગવાન બુધ્ધને મળે
છે પણ તુરંત છોડે છે. કમલા સાથે ભોગવિલાસ કરે છે અને અત્યારે કાફલો રણ વચ્ચે આવીને
ઊભો છે; સિધાર્થનાં શબ્દોમાં કહીએ તો, “હું નગ્ન અને અજ્ઞાનની માણસની જેમ ઊભો
છું”. આ સંક્રાંતિકાળને જૈન દર્શનમાં ઇન્દ્રિય સાપેક્ષ જ્ઞાનથી આત્મસાપેક્ષ જ્ઞાન
તરફની ગતિ કહે છે અને જેને આપણે આપણી બીજી પૂર્વધારણા અનુસાર પતંગિયામાંથી ફરી
કોશેટો બનવાની પ્રકિયા કહી શકાય.      

ફરતો ફરતો સિધાર્થ
નદી પાસે આવે છે જ્યાં વાસુદેવ નામનો નાવિક તેને નદી અપાર કરાવે છે અને તેને નદી
પાસેથી કેમ શીખવું એ સમજાવે છે:

નદી આપણને સાંભળતા
શીખવે છે, નદીને બધી જ ખબર હોય છે, નદીનું અસ્તિત્વ દરેક જગ્યાએ છે, પહાડોમાં,
સમુદ્રોમાં, ઝરણાઓમાં, ધોધમાં બધે જ. નદીને દરેક પ્રકારના અવાજો હોય છે જેમ કે
રજાનો, એક યોધ્ધાનો, એક બળદનો, પક્ષીનો, પ્રસૂતાનો, પીડાતા માણસનો અને એવા હજારો
અવાજો. બધાં પરિચિતોના ચેહરા દેખાય છે અને એટલે જ નદીને ‘જીવનનું સંગીત’ પણ કહે
છે.              

જયારે સિધાર્થ નદી
પાસેથી તથા પ્રકૃતિનાં અન્ય તત્વો પાસેથી અંતિમ સત્ય સમજવા લાગે છે ત્યારે વાસુદેવ
તેને છોડીને જંગલમાં ચાલ્યો જાય છે. (નદી પાસેથી શીખવાની વાત આવે ત્યારે
‘તત્વમસિ’, ‘ભ્રમણગાથા’ ‘
Slowly Down the Ganges’ વગેરે કૃતિઓ સહજ
યાદ આવે.
) અહીંયા વાસુદેવનું પાત્ર મહાભારતના શ્રી કૃષ્ણનાં પાત્રનું extension લાગે છે; શ્રી કૃષ્ણ તો અર્જુનને એક જગ્યાએ(!) બેસાડીને ગીતા ભણાવે
છે જયારે વાસુદેવ સિધાર્થને પોતાની જાતે શીખતો કરીને ‘વાસુદેવ’ જ બનાવે છે. અહીં
આપણે સમજાય છે કે ગુરુનું કામ “શું” (‘
What’-Content)શીખવું એ શિખવાડવાનું નહિ પણ એ જ (અથવા કંઈ
પણ) “શા માટે”(
‘Why’-Rationale) અને “કેવી રીતે”(How’-Methodology) શીખવું તે
શિખવાડવાનું છે. અને આમ આપણી ત્રીજી પૂર્વધારણા ‘સિધાર્થ’ એટલે પ્રકૃતિનું
શિક્ષણશાસ્ત્ર પણ સિદ્ધ થાય છે. 

નવલકથાનું છેલ્લું
પ્રકરણ એટલે સિધાર્થ દ્વારા ગવાયેલા ગીતા-કુરાન અને બાઈબલ. સિધાર્થ પોતે સમજેલા
જ્ઞાનનો અર્ક આપતા ગોવિંદને કહે છે કે ‘
wisdom is not
communicable
’, ‘સત્ય સાપેક્ષ હોય છે’, ‘દુનિયા દ્વૈતવાદનાં સિધ્ધાંત પર
ચાલે છે’, ‘શબ્દ એ માત્ર ભ્રમ છે’, ‘કોઈ વ્યક્તિ સંપુર્ણપણે સાધુ કે પાપી નથી
હોતી’, ‘નિર્વાણ જેવું કશું જ નથી માત્ર શબ્દ જ નિર્વાણ છે’,
ત્યારે ગોવિંદ સિધાર્થને
કહે છે કે તમારી વાતો મને વિચિત્ર લાગે છે, મને સમજાતી નથી, મને સમજાવો. ત્યારે સિધાર્થ
તેને પોતાના કપાળ પર વ્હાલ કરવાનું કહે છે અને તે ક્ષણે અર્જુને જયારે શ્રી કૃષ્ણનું
વિરાટ સ્વરૂપ જોય હતું ત્યારે અવર્ણીય જે જે જોયું હતું તે બધું જ ગોવિંદ જુએ છે.
અહીંયા નોધપાત્ર એ છે કે જયારે સિધાર્થ બુધ્ધ બને છે ત્યારે અત્યાર સુધી જે
અનુયાયી હતો તે ગોવિંદ હવે ‘સિધાર્થ’ બને છે. અહીં આપણી પ્રથમ પૂર્વધારણા વર્તુળ
પૂરું કરે છે.

અંતે આખી ચર્ચાને
જયંત પાઠકની બે પંક્તિમાં મુકી શકાય: 

 

“રાગ નો રંગ લાલ છે ત્યાગનો રંગ શ્વેત છે

એક છે યજ્ઞની જવાલ, અન્ય એની ભભૂત છે”

સંદર્ભ:

1.    
Hesse, Harmann, Siddhartha, Mahaveer Publishers,
New Delhi 2009.