કૃષ્ણ મૂર્તિએ ૧૯૫૩માં કહેલું કે “આધુનિક શિક્ષણ
વિશ્વશાંતિમાં ખતરારૂપ છે.” જો આપણું સાંપ્રત શિક્ષણ આવા નાગરીકો પેદા કરતુ હોય
તો સમાજમાં વ્યક્તિગત કે સામુહિક સુખાકારીની આશા રાખવી પોકળ છે. એટલે જ આજે સમગ્ર
વિશ્વમાં ચારેબાજુ Sustainable Happinessની વાત થાય છે. ૨૦૦૪મા યુનેસ્કોએ આવા ટકાઉ સુખની
વ્યાખ્યા કરતા કહ્યું છે કે, “લોકો, પ્રકૃતિ કે ભવિષ્યની
પેઢીઓનું શોષણ કર્યા વગર વ્યક્તિ, સમુદાય, સમાજ અને વિશ્વના સુખમાં વૃદ્ધિ કરે તેને સસ્ટેનેબલ
હેપ્પીનેસ કહેવાય.” આપણી આસપાસ શાળા-કોલેજ કે યુનિ.માં નજર કરીએ તો ખ્યાલ આવશે કે
આપણે ભટકી ગયા છીએ!
શું આપણને ખબર છે કે આપણે શિક્ષણ દ્વારા કેવો સમાજ
બનાવવા ઇચ્છીએ છીએ?
ઉદેશ્ય પ્રમાણે સાધનો અને પ્રક્રિયા યોજવા પડશે. એક જવાબ ગાંધીજીએ આપ્યો છે, “એક
એવો સમાજ રચવો જોઈએ કે જેમાં ન કોઈ દબાવનારા હોય કે ન કોઈ દબાયેલા હોય. જેમાં
સામાજિક, સંસ્કૃતિ કે રાજકીય
ભેદભાવ ન હોય,
રુકાવટ આવે તો સૌ સાથે મળીને દૂર કરતા હોય, સહકાર અને પ્રેમ ત્યાં ગૂંજતા હોય, દ્વેષ-ઈર્ષા ત્યાં નિર્મૂળ થયા
હોય, દરેકને વાજબી કામ અને
દામ મળતા હોય,
કોઈ કોઈને ખાંધ પર બેસી જ ન રહે. આ સમાજમાં એક જ કાયદાઓ હોય અને તે પ્રેમ હોય, આવો શોષણવિહીન, અહિંસક, ન્યાયી, સમાનતા, બંધુતા, કરુણા ધરાવતાં પ્રકૃતિ પ્રેમી અને જાગૃત સમાજ માટેના
સ્વસ્થ-સમતોલ દ્રષ્ટિવાન નાગરિક તૈયાર કરવાની અને સ્વરાજ્યની ગંગા ગરીબના ઝૂંપડા
સુધી અને હિન્દુસ્તાનના નાનામાં નાના ગ્રામવાસી સુધી પહોંચાડનારી કેળવણી આપવી
પડશે.”
આ જવાબ આજની ભાષામાં કહીએ તો Sustainable Development Goalsના તમામ પાસાઓ આવરી લેવામાં આવ્યા છે અને આર્થિક
સ્થિરતા સાથે પ્રેમ અને બંધુત્વને અગ્રીમતા આપવામાં આવી છે.
ચાલો, હવે ઉપરોક્ત વિચારો
જ્યાં આજે પણ મૂર્તિમંત છે એવી લોકભારતીની એક ઝલક મેળવીએ. હરિયાળી ટેકરીઓની
તળેટીમાં,
સિંદરી નદીના કાંઠે વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક પરિશ્રમથી
તૈયાર થયેલ સાત તલાવડાંઓ અને ખેતરોની લીલોતરી વચ્ચે પથરાયેલી
લોકભારતી એ દેશની સર્વપ્રથમ ઉચ્ચ શિક્ષણ માટેની ગ્રામવિદ્યાપીઠ છે. ગાંધીજીની નઈ તાલીમ શિક્ષણ પ્રણાલીને વરેલી આ નિવાસી
ગ્રામવિદ્યાપીઠ વૈધિક અને અવૈધિક શિક્ષણના મૂલ્યનિષ્ઠ સમન્વયથી જન્મતી જીવનલક્ષી
કેળવણી ખેતી–ગોપાલન, સમૂહજીવન, સહશિક્ષણ, શરીરશ્રમ અને ખાદી-ગ્રામોદ્યોગના આગ્રહ સાથે માતૃભાષામાં
યોગ, ઉદ્યોગ અને સહયોગના
વિવેકથી આપી રહી છે. સંસ્કૃતિ અને પ્રકૃતિનાં જતન, સંરક્ષણ અને સંવર્ધન દ્વારા સ્થાયી વિકાસને સાધવા શિક્ષણ, સંશોધન અને વિદ્યા-વિસ્તરણ કાર્યોની ગુણવત્તા
અને વ્યાપકતાએ આજે લોકભારતીને વિશ્વભારતી બનાવી દીધી છે.
શિક્ષણજગતના
પ્રથમ પંક્તિના ઋષિવર્ય સ્વ. શ્રી નાનાભાઈ ભટ્ટ દ્વારા ૨૮મી મે, ૧૯૫૩ના બુદ્ધજયંતીના દિવસે સ્થાપિત અને પ્રખર ગાંધીવાદી કેળવણીકાર
શ્રી કાકાસાહેબ કાલેલકર દ્વારા ઉદ્ઘાટિત આ રાષ્ટ્રીય વિરાસત સંસ્થાનું મહત્ત્વ ૧૯૫૪માં
તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદજીના શુભેચ્છા અને પ્રોત્સાહન આપવા
લોકભારતી પધારવાથી પુરવાર થાય છે. ૧૯૬૪માં
તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ડૉ. ઝાકીરહુસેનજીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં ‘નઈ તાલીમમાંથી ડગેલી મારી શ્રદ્ધા લોકભારતીની મુલાકાતથી બળવત્તર
બની છે.’ કરેલું વિધાન લોકભારતીને
મળેલું મોટું પ્રોત્સાહન-સ્વીકૃતિનું પ્રમાણપત્ર છે.
ભાવનગર
યુનિવર્સિટી સંલગ્ન રૂરલ ફેકલ્ટીની છેલ્લાં સાડત્રીસ વર્ષથી ઓટોનોમસ સ્ટેટસ ધરાવતી
આ ગ્રામવિદ્યાપીઠે ગ્રામ-ટેકનોલોજીનો પ્રચાર-પ્રસાર કરીને, ગ્રામાભિમુખ કેળવણીના માધ્યમથી
ગામડાંઓને સદ્ધર કરવામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરવા ઉપરાંત નઈ તાલીમની કેળવણી
ઉચ્ચશિક્ષણમાં પણ કાર્યક્ષમ રીતે સફળ છે તેવું શ્રી મનુભાઈ પંચોળી –‘દર્શક’ ના માર્ગદર્શક દર્શનથી
સાબિત કરી આપ્યું છે. વળી, યુજીસી દ્વારા થતાં
દેશભરની ઉચ્ચશિક્ષણની સંસ્થાઓના મૂલ્યાંકન ‘NAAC’ પરીક્ષણમાં પણ ‘A’ કક્ષા મેળવીને લોકભારતીના
લોકસેવા મહાવિદ્યાલયે દેશભરના ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે ગૌરવવંતું સ્થાન મેળવ્યું છે.
ગાંધીજીએ
પ્રાણવાન અને પ્રગતિશીલ ભારતના એકમ તરીકે ગામડાંની કરેલી કલ્પનાને સાકાર કરવા સત્ય
અને અહિંસા આધારિત નઈ તાલીમના માધ્યમથી લોકભારતી જ્ઞાન-વિજ્ઞાનનાં કિરણો દૂર
દૂરનાં ગામડાંઓ સુધી પહોંચાડવાનો ભગીરથ સફળ પુરુષાર્થ છેલ્લાં ૭૦ વર્ષથી કરી રહી
છે.
આવી લોકભારતીને ૨૦૨૨માં ગુજરાત
સરકાર દ્વારા ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો છે અને એ
બની છે ‘લોકભારતી યુનિ. ફોર રૂરલ ઇનોવેશન’. સામાન્ય રીતે લોકોમાં “ખાનગી” શબ્દને
લઈને એક પ્રકારની સૂગ રહેલી છે જેનાં વાજબી કારણો પણ છે. પરંતુ, લોકભારતીએ ખાનગી શબ્દનો અર્થ
સકારાત્મક અને પહોળો કર્યો છે. ખાનગી યુનિવર્સિટી દ્વારા લોકભારતી વધુ
પ્રયોગો, વધુ ગ્રામાભિમુખ અભ્યાસક્રમો અને વધુ સંવેદનશીલ નાગરીકો તૈયાર કરવાનો પડકાર
સ્વીકાર્યો છે. ‘લોકભારતી યુનિ. ફોર રૂરલ ઇનોવેશન’
– આવું નામ રાખવા પાછળ એક દર્શન છે. રૂરલ ઇનોવેશન એટલે ગામડાંના જીવતા જીવનના પ્રશ્નોને વિજ્ઞાન
અને ટેકનોલોજીની મદદથી એવી રીતે ઉકેલ લાવવા કે જેનાથી પર્યવરણનું જતન થાય, ગ્રામ્ય
વિસ્તારોમાં નવી રોજગારી ઊભી થાય અને જે તે ઉકેલને અન્ય જગ્યાએ સ્થળ-કાળ પ્રમાણે
થોડાં ફેરફાર કરીને પણ લાગુ પાડી શકાય.
આ સદીના તમામ
પ્રશ્નોને સ્થાયી વિકાસની દ્રષ્ટિએ ઉકેલવા માટેનું કોઈ સક્ષમ સાધન હોય તો તે છે
ઇનોવેશન – નવીનીકરણ. કશાક નવીનની ખોજ માણસની મૂળ પ્રકૃતિ છે. કૃષિ ક્રાંતિએ જ રૂરલ
ઇનોવેશનનો પાયો નાખ્યો છે: છૂટા બીજ વેરીને જે સામાન્ય ઉત્પાદન મેળવતા આપણે આજે
એનાથી હજારોગણું વધુ ઉત્પાદન મેળવતા થયા છીએ. ત્યારથી લઈને આજ સુધી દુનિયાભરના
ગામડાઓમાં જે બહેતર થતું આવ્યું છે તે ઇનોવેશન-સાંકળને આધારે આપણે અહીં સુધી
પહોચ્યા છીએ. ૨૧મી સદીનું ગામડું ઘણું બદલાયું છે. એટલે એની “નવી” સમસ્યાઓને નવી
રીતે જોઈ શકે, માપી શકે અને તેનો વૈજ્ઞાનિક ઢબે ક્યાસ કાઢી શકે તેવા નાગરીકો તૈયાર કરવા એ
જરૂરી નહીં પણ અનિવાર્ય છે. રૂરલ ઇનોવેશનનો અર્થ એ બિલકુલ નથી કે શહેરોની બધી
સુવિધાઓ અને ટેકનોલોજી ગામડાંમાં આવે! લોકભારતી યુનિવર્સિટીનો મનોરથ શિક્ષણ દ્વારા ગામડાનું સત્વ સાચવીને તેને સમૃદ્ધ કરી શકે એવું
રૂરલ ઇનોવેશન કરી શકે તેવા પ્રતિબદ્ધ વિદ્યાર્થીઓની સેના તૈયાર કરવાનો છે.
છેલ્લાં ૨૦ વર્ષોમાં ટેકનોલોજી
ક્ષેત્રે જે વૈશ્વિક વિકાસ થયો છે એ સંદર્ભે ગામડાઓ સુધી કેટલીક બહુ જ મહત્વની
સુવિધાઓ પહોંચી છે જે રૂરલ ઇનોવેશન માટે ઇંધણનું કામ કરી શકે તેમ છે. ઉદાહરણ તરીકે
જેમ જે સ્માર્ટફોન અને ઇન્ટરનેટનો વ્યાપ વધતો જાય છે તેમ તેમ ભારતના ગામડાઓમાં
અનેક સવલતો ઊભી થઇ છે. આજે ગ્રામ્ય ભારતના ૩૦ કરોડ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી
રહ્યાં છે. ખેડૂતો,
શ્રમિકો, કારીગરો યુ-ટ્યુબ અને
અન્ય સંસાધનોની મદદથી દુનિયાભરની માહિતી આંગળીના ટેરવે મેળવતા થયા છે. સરકારશ્રીના
ઈ-ગ્રામપંચાયત અને ઈ-નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જેવા પ્રકલ્પો લોકોને ઝડપથી વિવિધ
યોજનાઓ પહોંચાડવામાં મહદંશે સફાળ થયા છે. જે ઝડપથી લોકો ટેકનોલોજી અપનાવી રહ્યાં
છે એ ઝડપ જ પરિવર્તનનો પાયો છે.
છેલ્લાં
વર્ષોમાં ગામડાઓ પાક્કા રસ્તે પરસ્પર અને શહેરો સાથે જોડાયા છે. ગત પાંચ વર્ષમાં ૨૨૫૦૦૦
કિલોમીટર નવા રોડ બન્યા છે તો ૮૦૦ નવી ટ્રેન સેવાઓ શરુ થઇ છે. જેમ જેમ માળખાગત
સુવિધાઓ અને સમૂહ-માધ્યમો સક્ષમ બની રહ્યાં છે તેમ તેમ દુનિયાભરના લોકોની નજર
ભારતીય કૃષિ પર પડી છે. કૃષિ આધારિત સ્ટાર્ટ-અપમાં રોકાણકારો લગભગ બમણા થયા છે અને
આ રોકાણ ૬.૬૦૦૦ કરોડ સુધી પહોચ્યું છે. ફાર્મર પ્રોડ્યુસર કંપનીસ (FPO)ની
જાગૃતિ વધી રહી છે ત્યારે ભારત કૃષિ ક્ષેત્રે પણ બહોળું યોગદાન આપશે એમાં શંકા
નથી. પાયાની સ્વાસ્થ્ય સુવિધાઓ, વીજળી, શિક્ષણ, વગેરેમાં
જથ્થો અને ગુણવત્તાની દ્રષ્ટીએ ગામડાઓ સુધી પહોંચી છે.
લોકભારતી યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમો:
ધોરણ-૧૨ પાસ
કોઈપણ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નીચે આપેલા સ્નાતક અભ્યાસક્રમો ઉપલબ્ધ છે:
1.
BRS (અગ્રોનોમી – કૃષિવિદ્યા)
2.
BRS (પશુપાલન અને ડેરી વિજ્ઞાન)
3.
BA (અંગ્રેજી)
4.
BA (મનોવિજ્ઞાન)
5.
BVOC (પ્રાકૃતિક કૃષિ)
6.
BVOC (અગ્રો-પ્રોસેસિંગ)
7.
BBA (એગ્રી-બિઝનસ મેનેજમેન્ટ)
સ્નાતક થયેલ કોઇપણ વિષય/વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે નીચે
આપેલા પીજી ડીપ્લોમા અભ્યાસક્રમો ઉપલબ્ધ છે:
1.
PG Diploma in Agri-Marketing
2.
PG Diploma in CSR Management
3.
PG Diploma in Seed Science and Technology
આ ઉપરાંત અહીંયા PhD પણ થાય છે. લોકભારતી યુનિ. ફોર રૂરલ ઇનોવેશનના પ્રત્યેક
વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ ‘રૂરલ ઇનોવેશન’ને ધ્યાનમાં લઈને પોતાના વિષય-શિક્ષણને
વિચારતા થાય. ગામડાંમાં ખેત-ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરવા માટેની નવી નવી પદ્ધતિઓ
અને ટેકનોલોજી વિકસાવવી. કૃષિ-ઓજારોને વધુ કાર્યક્ષમ બનાવવા માટેનો કાયમી વર્કશોપ
દ્વારા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ખેડૂતોની જરૂરીયાતોનું પૃથ્થકરણ કરીને નવા નવા
સાધનો વિકસાવશે. મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ ગામડાંના લોક-જીવનમાં રહેલા
મનોવૈજ્ઞાનિક પ્રશ્નોનો ઉકેલ શોધે. એવી જ રીતે અંગ્રેજી વિષય સાથે અભ્યાસ કરનારા
વિદ્યાર્થીઓ ગામડાંના યુવાનોને રોજગાર માટે જરૂરી અંગ્રેજી-ભાષા કૌશલ્ય સંવર્ધનમાં
વિદ્યા-વિસ્તરણનું કામ કરશે. આ યુનિવર્સિટી ગામડાંના બહેનોને વિવિધ
રોજગારલક્ષી નાના-નાના અભ્યાસક્રમો દ્વારા પગભર કરવા કટિબદ્ધ છે. ખેતીને વ્યાપાર
સાથે જોડીને ખેડૂતોને કેમ વધુ સદ્ધર બનાવી શકાય તે માટેના નિત્ય-નવા કાર્યક્રમો
અહીં સતત થાય છે.
તમને જાણીને નવાઈ લાગશે પણ
લોકભારતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અનોખી રીતે ભણે છે જેને નીચેના ફોર્મ્યુલા દ્વારા
સરળતાથી સમજી શકાય:
યુનિવર્સિટીને તો હજુ એક વર્ષ થયું પણ કેમ્પસ પર વિદ્યાર્થીઓ જાતે જ ફાર્મ-મેનેજ
કરતા થયા છે, ખેત-પેદાશોનું મૂલ્ય-વર્ધન કરીને તેને વેચતા થયા છે, અભિવ્યક્ત કૌશલ્ય તો એવું કે ગામડાનાં ખેડૂતને સમજાવે અને વિદેશીઓને ભારતીય
ગુરુકુળ અને ની તાલીમની વાત અંગ્રેજીમાં સમજાવે.
આજે હજારો સોશ્યલ મીડિયા વચ્ચે
માણસ એકલો પડ્યો છે, બધી જ ભૌતિક સુખ સગવડતાઓ વચ્ચે
માણસ સુખી નથી, ફાસ્ટ ફૂડ અને બેઠાડું જીવને
લગભગને એક અથવા બે નિયમિત દવાઓ ખાવા માટે મજબૂર કર્યા છે ત્યારે સામુહિક સ્તરે પણ
આતંકવાદ, ગ્લોબલ વોર્મિંગ અને ભ્રષ્ટાચાર જેવી બલાઓએ ભરડો લીધો છે. આમ વ્યક્તિગત
અને સામુહિક સ્તરે સુખાકારી મેળવવા માટેનો એક માત્ર પાસવર્ડ લોકભારતી યુનિવર્સિટીમાં પ્રયોજાતી નઈ તાલીમ છે જેમાં ૧) સારી ઊંઘ આવે એવું નિજાનંદી શિક્ષણ છે,
૨) લોકોની વચ્ચે રહેવા માટે સમૂહ જીવન છે, ૩) અધ્યાત્મિક અનુભવ
માટે સ્વ-મૂલ્યાંકનની તક મળે છે, ૪) ખેતરમાં શ્રમ દરમિયાન કસરત થાય
છે અને ૫) સામાજિક સેવાના પ્રસંગોએ બીજાને મદદ કર્યાનો સંતોષ મળે છે.
આજે નહીં તો કાલે વિશ્વ ગામડાઓ
ટકાવી રાખવા માટે મથવાનું છે. ભારતની પ્રાચીન ઋષિ અને કૃષિ સંસ્કૃતિનો અહિયાં
વૈજ્ઞાનિક સમન્વય જોવા મળે છે. આ યુનિવર્સિટી ભારતના
અને દક્ષિણ એશિયાના ગામડાઓના પાયાના પ્રશ્નો ઉકેલવા માટેના વિવિધ પ્રયોગો અને
અભ્યાસક્રમો લઈને આવી રહી છે ત્યારે ચાલો એક સમાજ તરીકે આપણે તેનું સ્વાગત કરીએ…
*


Leave A Comment