Weaponized Lies: How to Think Critically in the Post-Truth Era by Daniel J. Levitin (2017): પુસ્તક પરિચય


આ પુસ્તક આપણને શબ્દો અને આંકડાઓની માયાઝાળમાં છૂપાવેલા જુઠ્ઠાણા કેમ પકડવા તેની તરકીબો શીખવે છે! દુનિયાભરના સમાચારપત્રો, સામયિકો અને વિચારકોએ આ પુસ્તકનાં પૂષ્પ-વર્ષાથી જરાય ઓછા નહી એવા વખાણ કર્યા છે. લેખક સાયકોલોજી અને બિહેવિયરલ ન્યુરોસાયંસના પ્રોફેસર છે.
કોઈ કંપની પોતાની કોઈ પ્રોડક્ટ/સેવા વેચવા માટે, કોઈ રાજકારણી પોતાની સત્તા બરકરાર રાખવા માટે કે કોઈ બની બેઠેલા ધર્મગુરુ પોતાના ચેલાઓને જકડી રાખવા માટે અસત્યનો “સત્ય” તરીકે વ્યવસ્થિત ઉપયોગ કરે ત્યારે એમના પર વિશ્વાસ ધરાવતા લોકોએ એમની વાતોમાં કેટલું સત્ય છે એ જાણી લેવું જોઈએ; નહીતર એમણે વૈચારિક ગુલામી સ્વીકારવા તૈયાર રહેવું.
A lie which is half a truth is ever the blackest of lies.
-Lord Alfred Tennyson
એક તો તીર અને એમાંય ઝેર પાયેલું! આંકડાઓ અને શબ્દોની રમત દ્વારા કોઈ સ્થાપિત હિતને લોકોના મનમાં સત્ય તરીકે ઠસાવવા માટે કોઈપણ ક્ષેત્રના સત્તાધીશો દ્વારા જે પાસા ફેંકવામાં આવ્યા છે એ લગભગ સફળ થયા છે. સત્યને વધારીને, ઘટાડીને, મરડીને, ઓગળીને, ચોળીને, ગાળીને જે રજુ કરવામાં આવે છે એના માટે અંગ્રેજીમાં કેટલાંક નવા શબ્દો પ્રયોજવામાં આવે છે જેમ કે Counterknowledge, Neo-Truth, Enhanced Truth, Defactualization, Hyper-Truth, Psuedo-facts, Fake News, વગેરે. વર્ષ ૨૦૧૬માં ઓકસફર્ડ ડીક્ષનરી દ્વારા “Post-Truth” શબ્દને ‘Word of the Year’ જાહેર કરવામાં આવેલો અને તેની સરસ વ્યાખ્યા પણ આપવામાં આવેલી કે“relating to or denoting circumstances in which objective facts are less influential in shaping public opinion than appeals to emotion and personal belief.”એટલે કે એવી ઘટનાઓ અને સંજોગો કે જેના પર વિશ્વાસ કરવા માટે લોકો વસ્તુલક્ષી તથ્યોને બદલે પોતાની લાગણીઓ અને માન્યતાઓ પર આધાર રાખે.” ઉદાહરણ તરીકે, મને કોરોના થાય જ નહીં! Post-Truthમાં “Post” એટલે “પછીનું” કે “અનુ” (જેમ કે Post World War – વિશ્વયુદ્ધ પછીનું) એમ નથી; અહીંયા એનો અર્થ થાય છે “અપ્રસ્તુત”!!
સૌથી પહેલી પ્રયુક્તિ છે કેટલાક તથ્યો સાથે ભળતા અથવા તો નર્યા જુઠ્ઠાણા ભેળવીને પોતાની વાત રજુ કરવી. ઉદાહરણ તરીકે નીચે આપેલા છ વાક્યો વાંચો:
1. આપણા શરીરમાં ૬૦% પાણી હોય છે.
2. માણસના લોહીમાં ૯૨% પાણી હોય છે.
3. દુનિયામાં ઘણી બધી જગ્યાએ સ્વાસ્થ્ય માટે હાનિકારક પાણી પીવામાં આવે છે.
4. દુનિયાના કુલ પાણીમાંથી માત્ર ૧% પાણી જ પીવાલાયક હોય છે.
5. તમે ક્યાંય પણ બહાર જાઓ તો બોટલ્ડ-પાણી પીવાનો આગ્રહ રાખો કેમ કે એ જ શુદ્ધ પાણી હોય છે.
6. મોટાભાગના સ્વાસ્થ્ય-સંશોધકો બોટલ્ડ-પાણી પીવાનું જ સૂચવે છે અને તેઓ પોતે પણ આવું જ પાણી પસંદ કરે છે.
સમજ્યા? કેટલાક તથ્યો સાથે ભળતા તથ્યો અને છેલ્લે છેલ્લે તો બોટલ્ડ-પાણી વેચવાની ગંધ તમને ન આવી હોય તો તમારી સામાન્ય-બુદ્ધિનો ટેસ્ટ કરવો! “મોટાભાગના સ્વાસ્થ્ય-સંશોધકો” એટલે કોણ? એ કઈ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે? અને તેઓ પોતે પણ “આવું જ પાણી પસંદ કરે છે” એટલે ક્યાં? એમના ઘેર? રેસ્ટોરાંમાં? પાર્ટીમાં?
આ પુસ્તકના લેખક Daniel J. Levitin કહે છે કે “અસત્ય પર વિશ્વાસ કરવો એ ઘણી વખત નિર્દોષ પણ હોય છે જેમ કે સાન્તા ક્લોઝ છે અથવા તો ફલાણા રંગના કપડાં મને વધારે સુટ થાય છે એ માનવું એ હાનિકારક નથી. પણ મુશ્કેલી ત્યારે સર્જાય કે જ્યારે આપણે કોઈપણ બાબતને એ અસત્ય હોય જ ન શકે એવા વધુ પડતા આત્મ-વિશ્વાસ ધરાવતા થઇ જઈએ.” એ આપણી ટેવ પડી જાય.
૨૦૧૬માં સ્ટેનફર્ડ યુની.એ ૧૮ મહિના સુધી હાઈસ્કૂલ અને કોલેજમાં ભણતા ૭,૮૦૦ વિદ્યાર્થીઓનો એક અભ્યાસ કર્યો જેમાં એ વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ પર જે કંઈ પણ સર્ચ કરે છે એમાં રહેલા તથ્યોની એ લોકો ચકાસણી કરે છે કે કેમ એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. એનું જે પરિણામ આવ્યું એ ખૂબ જ નિરાશાજનક છે. સંશોધકોએ એક જ શબ્દમાં એ પરિણામને વર્ણવ્યું છે: Bleak! ઉજ્જડ, વેરાન! આપણે ત્યાં અત્યારે હાઈસ્કૂલ, કોલેજ અને યુનિ. વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ પરની માહિતીને (enhanced truth) જે હદે સત્ય માનીને અભ્યાસ કરે છે એ જોતા આપણા દેશનું ભવિષ્ય કેવું હશે એ આંકવું અઘરું નથી. આવા તમામ વિદ્યાર્થીઓ/સંશોધકો માટે આ પુસ્તક આંખ-ઉઘડાનારૂ છે અને ઈન્ટરનેટ પર તથ્યો કેમ ચકાસવા તેના ટૂલ્સ પણ આપવામાં આવ્યા છે.
આ પુસ્તક ત્રણ ભાગમાં વહેંચાયેલું છે:
1. આંકડાઓનું મૂલ્યાંકન
2. શબ્દોનું મૂલ્યાંકન
3. દુનિયાનું મૂલ્યાંકન
વળી, દરેકમાં એકદમ પ્રેક્ટીકલ ઉદાહરણો આપ્યા છે. ઉદાહરણ તરીકે, “કેલિફોર્નિયામાં ૩૫ વર્ષ પહેલા ડ્રગ્સ પરની બંધી હટાવી લેવામાં આવેલી; ત્યારથી લઈને આજ સુધી દર વર્ષે ડ્રગ્સના વ્યસનીઓની સંખ્યા બમણી થઇ છે.” આ આંકડાઓનું મૂલ્યાંકન કેવી રીતે કરવું? શું એ સાચા છે? હવે પ્રત્યેક માણસ માટે એ શક્ય નથી હોતું કે એ માહિતીના સ્રોત સુધી જાય અને અન્ય આંકડાઓ સાથે સરખાવે! પણ લેખક આમાં સામન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનું સૂચવે છે. માની લો કે ૩૫ વર્ષ પહેલા કેલિફોર્નિયામાં એક જ માણસ ડ્રગ્સ લેતો અને એ સંખ્યા દર વર્ષે બમણી થઇ તો આમ થાય 1; 2; 4; 8; 16; 32; 64; 128; 256; 512; 1024; 2048; 4096; 8192;16,384; 32,768; 65,536; 131,072; 262,144; 524,288; 1,048,576 અને એમ ૩૫ વર્ષે એ સંખ્યા ૧૭૦૦ કરોડ થાય! એ ભાઈ, આ પૃથ્વી પર એટલા બધા માણસો જ નથી!!!
ઘણી વખત જે આંકડાઓ અને ટકાવારી રજૂ કરવામાં આવે છે એ ખૂબ જ નાના સેમ્પલ પર કરવામાં આવેલો લૂઝ પ્રયોગ હોય છે અને એમાં પછી આંકડાશાસ્ત્રનો નર્યો દૂરપયોગ હોય છે. દા.ત., પ્રત્યેક ૧૦૦૦ ડાયાબીટીસના દર્દીએ ૧૦% કોરોનાથી મૃત્યુ પામે છે (આ ઉદાહરણ આપવા માટે આપેલ કાલ્પનિક આંકડો છે). આમાં સમજવાનું એ છે કે આવડું મોટું વિધાન કરવા માટે ૧૦૦૦ દર્દીઓનું સેમ્પલ ખૂબ નાનું કહેવાય!
લેખકની સાવ સાદી દલીલ એવી છે કે કોઈપણ આંકડાને એવાને એવા ન સ્વીકારો!
માણસનું મન સતત વાર્તાઓ બનાવે છે. એટલે એ કોઇપણ ઘટના વિષે લાગણીવશ મત બાંધે અને પછી એ સાચું જ છે એના તાર્કિક પૂરાવાઓ શોધે છે. આપણે અનેક વખત જોયું છે બુદ્ધ, વિવેકાનંદ, ગાંધીજી, ચર્ચિલ વગેરેના નામે ઘણાં અસત્યો ફરતા હોય છે. દા.ત., એક પત્ર ગુજરાતમાં ખૂબ પ્રખ્યાત થયેલો કે જેમાં ચર્ચિલ પોતાના દીકરાના આચાર્યને ઉદ્દેશીને કેળવણીની વાતો કરે છે પણ ચર્ચિલ મ્યુઝીયમે ખૂલાસો આપ્યો છે કે આવો કોઈ પત્ર ચર્ચીલે એના જીવનમાં લખ્યો જ નથી!
એટલે લેખક જણાવે છે કે કોઈપણનું અવતરણ ટાંકીને વાત કરવામાં આવે છે ત્યારે એ અવતરણ કોનું છે અને એનો મૂળ સંદર્ભ શું હતો એ જાણવું પડે. અત્યારે જે સંદર્ભમાં એ ટાંકવામાં આવે છે એ મૂળ ઉદ્દેશ્ય સાથે બંધ બેસે છે કે નહીં એ ચકાસવું પડે! આવું બધું કેમ કરવું તેની સાદી પ્રયુક્તિઓ આ પુસ્તકને રસપ્રદ અને મૂલ્યવાન બનાવે છે. જ્યારે કોઈ એવું કહે કે આપણા શાસ્ત્રોમાં આવું કહેવામાં આવ્યું છે કે વિજ્ઞાને આ વાત સાબિત કરી છે ત્યારે હું તો મૂળ શાસ્ત્રનું કે વૈજ્ઞાનિકનું નામ પૂછવાની તસદી લઉં છું અને તમે જાણો જ છો એમ મોટાભાગના લોકો પાસે આના સંતોષકારક જવાબો હોતા નથી!! એ સાંભળેલી વાતોમાં મસાલો ઉમેરીને રીપીટ કરતા હોય છે; રીપીટર્સ!!!
કોઈ એમ કહે છે કે અમે આ પ્રોડક્ટ ભારતમાં પ્રથમ વખત લઈને આવ્યા છીએ ત્યારે એ વાત પર દિલ હારી જતા પહેલા પૂછવું કે અન્ય કેમ નહીં લાવ્યા હોય? શું પર્યાવરણના નિયમો નડ્યા હશે? સરકારે સ્વાસ્થ્યને લઈને આ પ્રોડક્ટ વિષે ચિતા રજૂ કરેલી?
આ બધી સમજૂતી બાદ લેખક Critical Thinking (સમીક્ષાત્મક – ક્રાંતિક વિચારણા) કેમ કરવું એના પર ભાર આપે છે. એમાં પણ તાર્કિક દલીલો કેવી રીતે બને છે અને એમાંથી અતાર્કિક દલીલો કેમ ઓળખવી વગેરે સમજાવે છે. ત્યાર બાદ એ આ બધું દીવાની જેમ સમજાય જાય એના પ્રેક્ટીકલ ઉદાહરણરૂપે ચાર કેસ-સ્ટડી આપે છે એ આપે જાતે અનુભવવા જોઈએ એમ મને લાગે છે એટલે એની કોઈ વાત નહીં મૂકતો નથી.
અંતમાં જ્યોર્જ ઓરવેલની ‘1984’ નામની નવલકથા વિષે વાત કરતા કહે છે એમાં સરકારના એક નવા મંત્રાલયની કલ્પના મૂકવામાં આવી છે જેનું નામ છે Ministry of Truth જેનું મુખ્ય કામ ઔપચારિક રીતે ઐતિહાસિક હકીકતો, અન્ય દસ્તાવેજો અને તથ્યો સાથે સરકારના હિતમાં સાથે છેડછાડ કરવાનું છે. હદ તો ત્યારે થાય છે કે જ્યારે આ મંત્રાલય એમ કહે છે કે 2 + 2 = 5!
Critical Thinking શા માટે અત્યારે અત્યંત જરૂરી બન્યું છે એ સમજાવતા પ્રસ્તાવનામાં જ શિક્ષક-લેખક લખે છે: “The most important component of the best critical thinking that is lacking in our society today is humility. It is a simple yet profound notion: If we realize we don’t know everything, we can learn. If we think we know everything, learning is impossible. Somehow, our educational system and our reliance on the Internet has led to a generation of kids who do not know what they don’t know (16)”.
લોકો પોતાના જુઠ્ઠાણા એટલા માટે ચલાવી શકે છે કેમ કે એમને વાંચનારા કે સંભાળનારા લોકોમાં કાંકરામાથી ઘઉં છૂટ્ટા પાડવાની આવડત નથી હોતી. લાગણીવેડાનો એવો મોટો પ્રહાર કરવામાં આવે છે કે લોકો સામાન્યબુદ્ધિની ઈશ્વરદત્ત શક્તિ પણ હસતા મોઢે ત્યજી દેતા હોય છે!
“सच घटे या बढ़े तो सच न रहे, झूठ की कोई इन्तहा ही नहीं.”
-कृष्ण बिहारी ‘नूर’
ટૂંકમાં વૈજ્ઞાનિક અભિગમથી વિચારતા શીખવું પડશે નહીતર ભારે પડશે!
આ લેખકના બીજા બે પુસ્તકો પણ ખૂબ જાણીતા થયેલા અને ઘણાએ વાંચ્યા પણ હશે: ૧) The Organized Mind અને ૨) This is Your Brain on Music.
મારું ચાલે તો હું બે કામ કરું: ૧) આ પુસ્તકની એક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સમજી શકે એવી સરળ આવૃત્તિ તૈયાર કરું અને ૨) ધોરણ-૧૦ અને ૧૨ના બોર્ડના ફરજીયાત વિષય તરીકે દાખલ કરું કારણકે તો જ આપણા વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને સમાજ Critical Thinkingને ગંભીરતાથી લેશે. આમાંથી જ બીજું પુસ્તક જડ્યું છે: How to Lie with Statistics by Darrell Huff એનાં પર ફરી ક્યારેક…!
-વિશાલ ભાદાણી