UNESCO કહે છે કે પાઠ્યપુસ્તકોએ વિદ્યાર્થીઓને ભવિષ્યની
અનિશ્ચિતતાઓ માટે તૈયાર કરવાના હોય છે નહીં કે આપણે જે અને જેવી રીતે ભણ્યાં છીએ
એવાં ચોગઠામાં ફીટ કરવા!
“The combination of fixed text, monotone social
perspectives and rigid pedagogy allows little room for critical and creative
thinking or social and emotional learning, the very competencies that can help
learners to address the uncertainties of their futures. (પૃ.૮, Learning for uncertain
futures: the role of textbooks, curriculum, and pedagogy). શું ‘પલાશ’ કે
એ શ્રેણીના પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને સંવેદનશીલ
, વિચારવાન, અને મૂલ્યનિષ્ઠ
નાગરિકો તરીકે ભવિષ્યની અનિશ્ચિતતાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરે છે એની
વૈજ્ઞાનિક તપાસ કરીએ.

 

કોઈપણ નવું પાઠ્યપુસ્તક
કેવું છે એ તપાસવા માટે નીચેના પાંચ પ્રશ્નો જોવા પડે:

1.    નવા પાઠ્યપુસ્તકનો આગળના ધોરણના પાઠ્યપુસ્તક સાથે અનુસંધાન
છે?

2.    પાઠ્યપુસ્તકનાં વ્યાપક હેતુ સાથે પ્રવૃત્તિઓનો બંધ બેસે છે?

3.    બાળકના મનોવૈજ્ઞાનિક લક્ષણો (ભાવાત્મક અને સામાજિક) અને
જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવી છે?

4.    ભાષાશિક્ષણ અને વ્યક્તિત્વ વિકાસનું ક્યુ શાસ્ત્ર
પ્રયોજાયું છે?

5.    શિક્ષકકેન્દ્રી છે કે વિદ્યાર્થી કેન્દ્રી?

6.    ભવિષ્યગામી સંદર્ભ શો છે?

ચાલો આપણે
ઉપરોક્ત પ્રશ્નોની સાપેક્ષમાં ધોરણ-૬નું પાઠ્ય પુસ્તક ભણીએ:

૧) નવા પાઠ્યપુસ્તકનો આગળના
ધોરણના પાઠ્યપુસ્તક સાથે અનુસંધાન છે?

આ પાઠ્યપુસ્તક ધોરણ-૬ માટે લખાયું છે તો આના પહેલાં ધોરણ-૫ સાથેનું આનું
અનુસંધાન જોઈએ. ધોરણ-૫ના પાઠ્યપુસ્તકનું નામ ‘કેકારવ’ અને ધોરણ-૪નું ‘પતરંગો’ છે. [જે
લોકો શિક્ષણ સાથે જોડાયેલાં નથી એમની માહિતી માટે કે આપણે ત્યાં ધોરણ-૧ થી ૫
સુધીના શિક્ષકો જુદા છે અને ધોરણ-૬થી ૮ના જુદાં છે. એટલે એવું બને કે ધોરણ-૬માં
‘પલાશ’ હાથમાં લેનારે ‘કેકારવ’ ન જોયું હોય!].
‘કેકારવ’ની શરૂઆતમાં જ અધ્યન
નિષ્પતિઓની યાદી આપી છે જેમાં ધોરણ-૫નાં વિદ્યાર્થીઓ આ પાઠ્યપુસ્તકમાંથી પસાર થશે
તો તેઓને શું શું આવડે તેનાં મુદ્દાઓ આપ્યા છે. આવી જ યાદી ‘પલાશ’ની શરૂઆતમાં પણ
આપવામાં આવી છે જે ‘કેકારવ’ની અધ્યયન નિષ્પત્તિઓને ચડતા ક્રમે પૂરક છે (
Graded-learning-outcomes). બીજી નોંધનીય બાબત એ છે કે ‘કેકારવ’ની પ્રકરણની ડીઝાઈન
(ટેમ્પ્લેટ) અને ‘પલાશ’ના પ્રકરણની ડીઝાઇન સમાન છે. સાદી ભાષામાં કહીએ તો જે
પ્રકારની પ્રવૃત્તિઓ બાળકો ધોરણ-૫માં કરે છે એવી પ્રવૃત્તિઓ ધોરણ-૬માં કરે છે.
માટે ‘કેકારવ’ ભણીને આવેલ બાળક માટે ‘પલાશ’ ભણવું એટલું જ રસપ્રદ છે.
આનાથી ઊલટું જો હવે એ ‘પલાશ’ જેવું
પાઠ્યપુસ્તક ન ભણે તો એમને નુકશાન છે!
  

 

૨) પાઠ્યપુસ્તકનાં
વ્યાપક હેતુ સાથે પ્રવૃત્તિઓનો બંધ બેસે છે?

સૌથી પહેલાં તો એ જાણીએ કે કોઇપણ સારા પાઠ્યપુસ્તકનો હેતુ તેની પ્રસ્તાવનામાં
લખેલો હોય જ
છે
(જો એ વાંચીએ તો). વ્યાપક હેતુ એટલે શું? પાઠ્યપુસ્તકનો
ઉપયોગ કરનાર વિદ્યાર્થીમાં કેવી ક્ષમતાઓ અને મૂલ્યોનો વિકાસ થશે અને એ દેશ માટે
જરૂરી એવા ભવિષ્યના નાગરીકો તૈયાર કરવામાં કેવી ભૂમિકા ભજવશે તેની વૈચારિક
ભૂમિકાને પાઠ્યપુસ્તકનો વ્યાપક હેતુ કહે છે. ‘પલાશ’ની પ્રસ્તાવનાના પ્રથમ બે
વાક્યોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, “પોષક આહાર દ્વારા મોટા થતાં બાળકો ભાષા
દ્વારા પણ મોટાં થાય છે, થતાં હોય છે. ઔપચારિક ભાષા શિક્ષણનું કામ બાળકોની ભાષાને
‘ભાષાવિકાસ’માં પલટી નાખવાનું છે.” અહીંયા સમજવા જેવી બાબત એ છે કે ‘પલાશ’ (અને
કેકારવ અને આગળના પાઠ્યપુસ્તકો) ‘ભાષાવિકાસ’ માટે છે; જેમાં ખપ પુરતું સાહિત્ય પણ
આવે! ધોરણ-૧થી ૮ સુધી બાળકો પર ગુણવત્તાસભર અને વૈવિધ્યપૂર્ણ ભાષાનો વરસાદ કરવો
જોઈએ.

 

ભાષા વિકાસ માટે કોઈપણ પાઠ્યપુસ્તકમાં અનેક પ્રયુક્તિઓ અને
પ્રવૃત્તિઓ હોવી જોઈએ જેનાંથી વિદ્યાર્થીઓને વધુ બોલવાની અને લખવાની તક પ્રાપ્ત
થાય. પલાશમાં એક જ પ્રકરણમાં ૮-૧૦ પ્રવૃત્તિઓ એવી આવે છે કે વિદ્યાર્થીઓને
વિચારવું પડે
, ગાવું પડે, રમવું પડે, વાતચીત કરવી પડે, સંભાળવું પડે, સંભારવું પડે, પૂછવું પડે, ભજવવું અને શિક્ષક તથા અન્ય સહપાઠીઓ સાથે દોસ્તી કરવી પડે.
આ બધી જ પ્રવૃત્તિઓ આ પાઠ્યપુસ્તકના વ્યાપક હેતુને સર કરવા માટે પોષણક્ષમ આહાર
જેવું કામ કરે છે એમાં કોઈ શંકા નથી. ઉત્તમ કવિતા કે ગદ્યખંડની પસંદી કરવી સહેલું
છે કારણકે ગુજરાતી સાહિત્ય એ દૃષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ છે. પણ એ ઉત્તમ કવિતા કે
ગદ્યખંડને વૈચારિક રીતે સુપાચ્ય બનાવવા માટેની પ્રવૃત્તિઓ ડીઝાઈન કરવી એ પરાક્રમથી
ઓછું નથી. ‘પલાશ’નું આ પરાક્રમ પ્રેરણા આપે એવું છે.

૩) બાળકના મનોવૈજ્ઞાનિક લક્ષણો (ભાવાત્મક અને બૌદ્ધિક) અને
જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવી છે?

આપણે અગાઉ યુનેસ્કોના
જે અહેવાલનો સંદર્ભ લીધો છે તે આગળ કહે છે કે,
Well-written textbooks
recognize and reflect both the cognitive and affective dimensions of learning
” એટલે કે સારા પાઠ્યપુસ્તકો શિક્ષણમાં બૌદ્ધિક અને ભાવાત્મક બંને પાસાઓ પર
ધ્યાન આપતા હોય છે. અહીંયા અધ્યન નિષ્પત્તિ ક્રમ-૭ પ્રમાણે “અનુભવો અને ભાવાત્મક
ઘટનાઓ/પાત્રોનું અનુસંધાન’ કરવા માટેની પ્રવૃત્તિઓથી આ કેસુડો લથબથ છે. ‘પલાશ’નું
કદાચ સૌથી મજબૂત પાસું આ જ છે; આમાં વિદ્યાર્થીને વ્યક્તિ તરીકે ગણીને પ્રવૃત્તિઓ
મૂકવામાં આવી છે. ઠેર-ઠેર ૧૨ વર્ષના બાળકના મગજના વિકાસ માટે જરૂરી ભાવાત્મક
અનુભવો અને પ્રવૃત્તિઓની સુંદર ગૂંથણી કરવામાં આવી છે. આ ઉમરના બાળકોનો કુતુહલ
ચરમસીમાએ હોય છે (આપણે બારે બુદ્ધિ અને સોળે સાન કહીએ છીએ એ આ ઉમર) એટલે જુગુપ્સા
પ્રેરક વાતો બાળકોની વિચારશક્તિને પહોળી કરે છે. જેમ કે ‘અંતરીક્ષની સંતાકૂકડી’,
‘તડકીમાં ઘોરે પરપોટાજી’
, ‘અમે તો આવું જ
કરવાના’ વગેરે પ્રકરણોમાં ઓપન-ઈન્કવાયરી થઇ શકે એવી ભરપૂર શક્યતાઓ રહેલી છે.
અનેક જગ્યાએ બ્રેઈન-જીમ અને વિવેચનાત્મક પ્રવૃત્તિઓ આપવામાં આવી છે.
ભાષાવિકાસમાં અનુભવો અને તેની અભિવ્યક્તિનો અનિવાર્ય ફાળો છે એ સિદ્ધાંત પ્રમાણે
‘પલાશ’માં વિદ્યાર્થીઓ મુક્તપણે અનુભવો કહી શકે અને બીજાના સાંભળી શકે તે માટેની
અનુકૂળતાઓ કરવામાં આવી છે. એટલે આમાં “શું શીખ્યા?” એ પ્રશ્ન ઓછો મહત્વનો છે પણ
“કેવો અનુભવ થયો?” એ વધારે વજન ધરાવે છે. 

 

૪) ભાષાશિક્ષણ અને
વ્યક્તિત્વ વિકાસનું ક્યુ શાસ્ત્ર પ્રયોજાયું છે?
 

શિક્ષણની કોઈપણ પ્રક્રિયા વૈજ્ઞાનિક ઢબે થાય તે અનિવાર્ય છે
નહીતર મહેનત ઘણી કરીએ પણ પરિણામ ન મળે એવું બને (ધોરણ-૧૦માં લાખો વિદ્યાર્થીઓ
ગુજરાતીમાં નાપાસ થાય છે એનું કારણ શું લાગે છે???). આ દૃષ્ટિએ ‘પલાશ’માં
ભાષાશિક્ષણના ક્યા વૈજ્ઞાનિક સિદ્ધાંતોને ભારતીય પરિપ્રેક્ષ્યમાં ઢાળ્યા છે એ
ચકાસવું જોઈએ. સમગ્ર પાઠ્યપુસ્તકમાંથી પસાર થતાં એક વાત મજબૂત રીતે સામે આવે છે કે
અહીંયા ‘મૌખિક ભાષા કૌશલ્ય’ પર ખાસ ભાર આપવામાં આવ્યો છે કારણકે કોઇપણ ભાષા
પ્રધાનત: મૌખિક છે. ઠેર-ઠેર સાંભળવાનું અને બોલવાનું થાય તેવી પ્રવૃત્તિઓ આપેલી છે
[પાઠ્ય + પુસ્તક એટલે મૌખિક નહીં
???]. આનો એ થયો
કે ભાષા-શિક્ષણનો નૈસર્ગિક ક્રમ સાંભળવું
, બોલવું, વાંચવું અને લખવું એ બરાબર જળવાય છે. આનો એ
બિલકુલ નથી કે લખવાનું છે જ નહીં. અરે કદાચ પ્રથમ વખત કોઈપણ સ્વરૂપના બંધન વગર
‘સ્વતંત્રલેખન’ જેવી સંકલ્પના પાઠ્યપુસ્તકના માધ્યમથી બાળકો સુધી પહોંચી રહી છે એ
તો કેવી અજબ જેવી વાત છે!!!           

ભાષાશિક્ષણનો બીજો સિદ્ધાંત કહે છે કે ભાષા સામાજિક પ્રક્રિયા
છે એટલે તેને સમાજમાં શીખવાથી સરસ આવડે. આ સિદ્ધાંતને શબ્દસહ વળગીને
પાઠ્યપુસ્તકમાં જૂથ કાર્ય પર ભાર આપવામાં આવ્યો છે. આમાંથી જ સહકારનું મૂલ્ય નીપજે
છે. એવું જ જ્ઞાન એ સામાજિક પ્રક્રિયાનું પરિણામ છે એ સિદ્ધાંતને પણ બખુબી
નિભાવવામાં આવ્યો છે; એટલા માટે જ મિત્રો સાથે
, કુટુંબ સાથે, શેરીમાં કરવાની વાતચીત અને ત્યાં બોલાતી ભાષાને અહીં સંમિલિત
કરવામાં આવી છે. કોઈપણ માણસ પ્રયત્ન-ભૂલ (
Trial & Error)થી
શીખે છે. તેથી વિદ્યાર્થીઓને ભાષા શિક્ષણમાં ભૂલો કરવાની સ્વતંત્રતા મળે તેવી ઘણી
બધી મુક્ત પ્રયુક્તિઓ/પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. વ્યક્તિત્વ વિકાસ માટે
ન્યુરોલોજીકલ લવચિકતા જળવાય રહે તે માટે વિદ્યાર્થીઓની શારીરિક પ્રવૃત્તિઓ પણ આવરી
લેવામાં આવી છે જેથી તેઓના અંત:સ્રાવો નૈસર્ગિક રીતે કાર્ય કરી શકે. માત્ર બેસારી
રાખીને ભાષા-શિક્ષણ કરવું એ અવૈજ્ઞાનિક છે.

બહુભાષિતા એટલે કે એક જ ભાષાના
વિવિધ આયામો
, બીજી ભાષાના શબ્દો સાથે સમન્વય,
બોલીઓનો આછેરો પરિચય વગેરે. આ સિદ્ધાંત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં મોટા પાયે
પુરસ્કૃત થયો છે ત્યારે એને ધ્યાનમાં લઈને ‘પલાશ’માં જે ભાષાનો પ્રયોગ થયો છે તે
ભાષાના બીબાઢાળ શિક્ષકને ખટકે એવું બને! પણ દોસ્ત
, ભાષા સતત પરિવર્તનશીલ
નદી જેવી છે
, બંધિયાર સરોવાર નથી! એટલે
‘પલાશ’ની પ્રયોગશીલ ભાષા પાષણક્ષમ છે એમ માનવું ઘટે! કારણકે પ્રત્યેક નવતર
ભાષા-પ્રયોગ મગજને નવી રીતે ખૂલવામાં અને ખીલવામાં મદદ કરે છે. વિદ્યાર્થીઓ સામે
એવા પડકારો મૂકવામાં આવે કે એમાંથી સરળતાથી પાર ન નીકળી શકે; એમને મથવું પડે. આ
સિદ્ધાંત જીવનભર કામ લાગે તેવો છે. બધું જ સરળ કરીને વિદ્યાર્થીઓને પીરસવું અથવા
તો એવું માનવું કે આ બાબતો વિદ્યાર્થીઓને અઘરી પડશે એ વિદ્યાર્થીઓને માનસિક પાંગળા
બનાવે છે. એટલે ‘પલાશ’માં ચારેબાજુ પડકારજનક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને માનસિક રીતે
સજ્જ કરવા માટેના યોજનાપૂર્વક મુકેલા સ્ટેપીંગ-સ્ટોન છે! અને યાદ રાખીએ કે આ કોઈ
અચાનક આવી ગયેલું નથી
, અગાઉના ધોરણોમાં પણ વિદ્યાર્થીઓ
આવી અનેક પ્રવૃત્તિઓમાંથી પસાર થઈને આવ્યા છે.
 

 

૫) શિક્ષકકેન્દ્રી છે કે વિદ્યાર્થીકેન્દ્રી?

શિક્ષકકેન્દ્રી પાઠ્યપુસ્તક એટલે જેમાં શિક્ષકે જ બધું
બોલવાનું અને સમજાવવાનું હોય, વર્ગમાં “પીન-ડ્રોપ-સાયલન્સ” હોય
, વિદ્યાર્થીઓને પૂછવામાં આવે એ જ પ્રશ્નોના જવાબ આપવાના હોય, બધું જ નિયમ પ્રમાણે ચાલે! પણ વિદ્યાર્થીકેન્દ્રી
પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરે
, વાતચીત કરવા માટે પ્રેરે, શિક્ષક માત્ર મદદનીશ (એટલે કે વિદ્યાના સહાયકની) ભૂમિકામાં
રહે છે, વિદ્યાર્થીઓ શિક્ષકને અને સહપાઠીઓને પ્રશ્ન પૂછે અને હા
, વર્ગમાં શાંતિ ન હોય પણ વિદ્યા-ઉત્પાદક અવાજ હોય!

આટલી સ્પષતા સાથે ‘પલાશ’માં ડૂબકી મારીએ તો ખ્યાલ આવે કે આ
‘પાઠ્યપુસ્તક’ નથી પણ ભાષાવિકાસ માટેનું ‘યુઝર-મેન્યુઅલ’ છે! કોઈપણ
યુઝર-મેન્યુલમાં આપેલ નિર્દેશો પ્રમાણે કામ કરતા જાઓ એટલે પરિણામ મળે જ એ જ ન્યારે
‘પલાશ’ને ભણાવવાનું નથી; પણ નકશાની જેમ પ્રયોજવાનું છે. આમાં જૂના પાઠ્યપુસ્તકોમાં
આવતું એવું  – એક પાઠ કે કવિતા હોય, પછી નવ
શબ્દોની યાદી હોય અને છેલ્લે સ્વાધ્યાયના પ્રશ્નો હોય – નથી. પણ અનૌપચારિક રીતે
ઔપચારિક ભાષાશિક્ષણ થાય એવું ભાવાવરણ રચવામાં આવ્યું છે. પ્રસ્તાવનામાં લખ્યું છે
, “શું નામના પાઠ્યપુસ્તકની સફળતા ‘કેવી રીતે’ નામના
વર્ગકાર્ય દ્વારા સિદ્ધ થાય છે. એટલે ‘કેકારવ’ ભણી આવેલ વિદ્યાર્થીઓ આ પાઠ્યપુસ્તક
૬૦%-૭૦% જાતે જ ભણી શકે એવી શક્યતા છે. આમ પણ
, રાષ્ટ્રિય શિક્ષણ નીતિ અને વિશ્વના તમામ શિક્ષણવિદો જે એક વાત પર સહમત થાય છે
એ કઈ છે – વિદ્યાર્થીઓને જાતે ભણતા કરે તે ખરું શિક્ષણ. પ્રકરણને અંતે “મને
શીખવાડો”
ને બદલે “મને શીખવાદો” જેવો શબ્દ-પ્રયોગ શિક્ષકો
માટે બહુ મોટો સંદેશ છે.    

‘પલાશ’માં આનંદનું તત્વ છાલોચલ છે કારણકે તો જ વિદ્યાર્થીને
જાતે પાઠ્યપુસ્તક ખોલવાનું મન થાય. ભાષા શિક્ષણનો એક સિદ્ધાંત કહે છે કે
વિદ્યાર્થીઓ શાળા સિવાયના જે વાતાવરણમાં રહે છે ત્યાની ભાષાનો ધ્વનિ તેના માનસિક
વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે એટલે અહિયાં વિદ્યાર્થીઓના
ઘર-કુટુંબ-શેરી-મહોલ્લા-પાર્ટી વગેરેના શબ્દો ગણતરીપૂર્વક પ્રયોજાયા છે જે
ગ્રામીણ-શહેરી બંને પ્રકારના વિદ્યાર્થીઓને સ્પર્શે તેવા છે. મૂલ્યાંકનની દ્રષ્ટીએ
પણ આમાં ઘણી બધી પ્રવૃત્તિઓ એવી છે કે પોતાને આવડ્યું કે નહીં એ વિદ્યાર્થી જાતે જ
જોઈ શકે. એ અર્થમાં પણ આ પાઠ્યપુસ્તક વિદ્યાર્થીકેન્દ્રી છે.   

૬) ભવિષ્યગામી સંદર્ભ શો
છે?

આખરે તો કોઇપણ વિષયનું પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓને જે તે
વિષયની પાયાની સમજની સાથોસાથ દેશની ભવિષ્યગામી જરૂરિયાતોને ધ્યાનમાં લઈને લખાતા
હોય છે. ‘પલાશ’માં એવું કંઈ છે? હા
, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦નો મનોરથ એવો છે કે, “જેને પોતાના ભારતીય હોવા
પર ગર્વ થાય
, જે માનવીય અધિકારો પ્રત્યે પ્રતિબદ્ધ હોય, જેની પાસે સંપોષિત વિકાસ અને જીવન બક્ષતા જ્ઞાન અને કૌશલ્યો
હોય તેવા વૈશ્વિક નાગરિક તૈયાર કરવા.” આ મનોરથના અનેક પાસાઓ ખાસ કરીને ‘જ્ઞાન અને
કૌશલ્યો’ના પ્રત્યક્ષ અને પરોક્ષ ઉદાહરણો ‘પલાશ’ પ્રેમપૂર્વક વિદ્યાર્થીઓને આપે
છે.

૨૧મી સદીમાં જ્યારે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ અને રોબોટ્સ
આપણી નોકરીઓ માટે ખતરો બનીને આવી રહ્યાં છે (જુઓ યુનાઈટેડ નેશન્સનો તાજેતરનો
અહેવાલ) ત્યારે એવા જ લોકો ટકશે કે જે લોકો સર્જનાત્મક રીતે (જરા જુદું
, ત્રાંસુ, પ્રયોગશીલ,
આઉટ-ઓફ-બોક્સ) વિચારી શકશે. સર્જનાત્મક કે વિચારવાન નાગરીકો તૈયાર કરવા માટે
અત્યારના વિદ્યાર્થીઓ અને ભવિષ્યના નાગરિકોની ભાષા સમૃદ્ધ હોવી જોઈએ. તમે ક્યારેય
એવા માણસને મળ્યા છો જે વિચારશીલ હોય પણ એની ભાષા નબળી હોય? આ માટે ભારતદેશે સૌથી
મોટું કામ ભાષાશિક્ષણ અને ભાષાવિકાસનું કરવાનું રહે છે.

એવા સમયે આગોતરી તૈયારીના ભાગરૂપે ‘પલાશ’ જેવા અજમાયશી
પાઠ્યપુસ્તકો ગુજરાતીઓએ પોતાની ગરજે ઉજવવા જેવા છે.  

કોઈપણ દેશમાં ‘પલાશ’
કે અન્ય આવા કોઈપણ પ્રયોગશીલ શિક્ષણ વિચારની સફળતાનો આધાર શિક્ષકોની નવું
સ્વીકારવાની
, આત્મસાત કરવાની અને અમલીકૃત
કરવાની અચળ ઈચ્છાશક્તિ પર જ રહેલો છે એ વાત કહેવાની જરૂર લાગે છે???

 

આ પાઠ્યપુસ્તકની એક જ મર્યાદા એ લાગે છે કે આ બહુ મોડું આવ્યું છે!

 

**

વિશાલ ભાદાણી

પ્રો-વાઈસ ચાન્સેલર, લોકભારતી યુનિવર્સિટી, સણોસરા

9426885387

YouTube: Science
of Learning