આત્મહત્યામાં માણસ પોતાનો જીવ લઈ લે એ અસ્તિત્વનું સૌથી મોટું અપમાન કહેવાય અને એને અટકાવવા આપણે સૌએ બનતું બધું જ કરી છૂટવું જોઈએ. પણ, રોજ થોડો થોડો જીવ કપાય એવી નાની-નાની આત્મહત્યાઓનું શું?
કોઈ રોજ અલાર્મ બંધ કરીને ધરાઈને સૂએ છે, કોઈ ડાયટ-પ્લાનમાં છીંડા પાડીને જીહ્વા-તૃપ્તિ કરે છે તો કોઈ વળી પૂરતી ટેલેન્ટ હોવા છતાં અનુશાસનના અભાવે નિષ્ફળ જાય અને દુઃખની ઊંડી ખીણમાં રોજ પડ્યા જ કરે છે. પોતાનાં પરિવારને પણ સાથે લઇ જાય છે. આ છે નાની-નાની આત્મહત્યાઓ. પાછી આવા લોકોને બધું જ નકારાત્મક, ભ્રષ્ટ અને નકામું લાગે. તેઓ કાયમી ફરિયાદી બની જતા હોય છે!
એવું કહેવાય છે કે જે કામ આપણે નક્કી કર્યું હોય અને જે આપણે કરી જ શકીએ એમ હોઈએ પણ આળસમાં ન કરીએ એમાંથી જ સ્ટ્રેસ જન્મે છે. અંગ્રેજીમાં જેને પ્રોક્રાસ્ટીનેશન કહે છે એટલે કે એવું વર્તન કે જેમાં મગજ એક જ રીંગટોન વગાડ્યા કરે: “આજ કરે સો કલ, કલ કરે સો પરસો, ઇતની ભી ક્યા જલ્દી હૈ જબ જીના હૈ બરસો!” આવું રોજ ચાલ્યા કરે તો એવી જ ટેવ પડે અને પછી એવો જ સ્વભાવ બની જાય. આપણે રોજ જે કરીએ એવા આપણે બની જઈએ! ટેવનું વિજ્ઞાન તો એમ કહે છે કે ૨૪ કલાકમાંથી ૧૬ કલાક આપણું તમામ વર્તન ટેવ આધારિત હોય છે!
વ્રત કહો, નિયમ કહો, ટેવ કે સેલ્ફ-મોટીવેશન કહો, એકાદી ખીલીએ બંધાયા વગર છૂટકો નથી. કારણકે ન્યુરોસાયન્સ એમ કહે છે કે માણસનું મન જેના ઈશારે કામ કરે છે એ મગજ માત્ર એક જ કામ માટે સર્જાયું છે: આ શરીરનું જતન કરવું. આ સિવાયનું કોઈપણ કામ એને વધારાનું લાગે જેમ કે કસરત કરવી, વાંચવું, પ્લાન પ્રમાણે કામ કરવું અને આવા વધારાના કામ શા માટે ન કરવા જોઈએ એનાં બહાના બનાવવા માટે આપણું મગજ “કિંગ” છે. યાદ કરો અલાર્મ વાગે ત્યારે પહેલો વિચાર કયો આવે છે? એ બહાનું છે!
ઘણાં બધા લોકો ૨૪ કલાકમાં ૩૬ કલાકનું કામ કરીને જિંદગીની ગાડીની ડ્રાઈવિંગ સીટ ઉપર પોતે બેસે છે અને જીવનનું મહત્તમ સંચાલન પોતે જ કરે છે અને એ શક્ય છે. તમે ક્યાંક સાંભળ્યું કે વાંચ્યું જ હશે કે અત્યારે દુનિયામાં યુવાનો “૩૫ વર્ષે રીટાયર્ડ” થવાનું આયોજન કરે છે અને એમાં પાર પણ ઉતરે છે. આવું કેવી રીતે શક્ય બને છે? સાદો જવાબ છે એ કે આવા લોકો અન્ય લોકોની સરખામણીએ બમણું કામ કરતા હોય છે, કામ કરતાં હોય એટલે વિચારતા હોય, વિચારતા હોય એટલે વિકસતા પણ હોય! સરવાળે જે કામ ૬૦ વર્ષ સુધીમાં કરવાનું હોય એ ૩૦-૩૫ થઈ જાય. અલબત, દરેક હટકે થીકિંગની જેમ આમાં પણ લઘુમતી હોવાની એ સમજી શકાય એવું છે. પણ, આ કોઈ પોકળ મોટીવેશનલ વાત નથી, લોકોએ જીવી બતાવ્યું છે. અહીંયા, વધુ કલાકો કામ કરવાનો અર્થ વધુ પૈસા કમાવાનો નથી, પણ આપણે રીટાયર્ડ થઈને જે સપનાઓ પૂરા કરવાનું વિચાર્યું છે એ ૪૦ વર્ષે થાય તો શું વાંધો છે? અને આમ પણ, ૬૦ વર્ષે કદાચ સર્ફિંગ કે પર્વતારોહણ ન પણ થાય!
ખરેખર, અત્યારે આપણે એવા સમયમાં જીવીએ છીએ કે જેમાં આસપાસ અનેક પ્રકારના સંસાધનો ઉપલબ્ધ થયા છે જે પહેલાં નહોતા (વર્ક ફ્રોમ હોમ) અને દુનિયા અનેક રીતે લચીલી બની છે. ત્યારે કોઈ યુવાન જો કામધંધા વગર બેસી રહે અને પોતાનો કીમતી સમય રીલ્સ જોવામાં વેડફી નાખે, તો એ પોતાની નાની-નાની આત્મહત્યાઓની એફ.ડી. મોટી કરી રહ્યો/રહી છે. અને એક દિવસ જ્યારે આ એફ.ડી. પાકશે ત્યારે? આવા લબાડ યુવાનોની સંખ્યા જટેલી વધશે એટલી “મોટી” આત્મહત્યાઓ વધશે, નૈતિક-સામાજિક અપરાધો મોટા થતાં જશે અને સરવાળે આપણે નપૂસંક સમાજ બનાવીશું કે જેની ઇનોવેશન-પ્રગતિ કરવાની ક્ષમતા ક્ષીણ થઇ જશે.
તો રસ્તો શું? નાની-નાની આત્મહત્યાઓમાંથી બચવા માટેના ઘણાં રસ્તાઓ આપણી આસપાસના લોકોએ જ અપનાવેલા છે. જેમ કે,
1. મોટાભાગની મા સવારે પાંચ વાગે ઊઠે છે અને ૨-૩ દાયકાઓથી ઊઠે છે.
2. કેટલાક લોકોની ચાલવાની ઝડપ અને કામ કરવાની ઝડપ સેરેરાશ લોકો કરતાં વધુ હોય છે.
3. કેટલાક લોકો નક્કર કામ કરીને પછી એની વાત કરતા હોય છે.
4. કેટલાક લોકો કોઈ દિવસ બહાના બનાવતા જ નથી.
5. ટેલેન્ટવાળો અમિતાભ ૮૦ વર્ષે પણ અનુશાશનને લીધે કામ કરે છે અને હમણાં આવેલા નવા અભિનેતાઓ બેકાર બેઠા છે.
6. નાની-નાની ટેવો જ આંતરમનને ઘડે છે.
7. એક પ્રોપર શીડ્યુલનો અર્થ રોબોટ બનવું એવો કદાપી નથી પણ પોતાના સમય પર પોતાનો કાબુ એવો થાય છે.
8. યુરોપમાં લોકો સાપ્તાહિક આયોજન પ્રમાણે જીવે છે અને પ્રત્યેક કલાકનો હિસાબ રાખે છે.
9. આપણે ત્યાં પણ શ્રદ્ધાવાન લોકો દૂર-દૂરની યાત્રાઓ પગપાળા કરે છે અને કેટલાય ઉપવાસ કરે છે જે એમનું મન દ્રઢ કરે છે.
10. કેટલાય લોકોને કોઈ કામ સોંપાતું નથી કે નથી એમનું સુપરવિઝન કરતું છતાં એ મસ્ત મૌલા એમનું કામ ખેલદિલીથી કરે છે; બીજાનું પણ કામ કરે છે અને એમના ચહેરા પરની હળવાશ જીવનની પ્રસન્નતાની ચાડી ખાય છે.
જીવનની ઢળતી સાંજે શું યાદ કરવું છે? કે મારી પાસે કેટલું બધું કરી શકવાની ક્ષમતા હતી પણ અફસોસ મેં એમ ન કર્યું અથવા તો જે કર્યું તે ૧૦૦% કર્યું અને મસ્ત જીવાયું. રોજ નાની-નાની આત્મહત્યાઓ કરીશું તો આપણું કહી શકાય એવું આપણું આપણી પાસે શું રહશે?
આ બધું ઉપનિષદ, ઝેન-દર્શન, કે મોટીવેશનલ પુસ્તકોમાં વર્ષોથી પડેલું છે. સવાલ એને આચરવાનો છે. આટલું વાંચીને પછી પણ દૂર્યોધન વૃત્તિથી વશ થઈને જૈસે થે રહી શકાય. પણ, દોસ્ત, તારો આત્મા રોજ થોડો થોડો મરે એ તને મંજુર છે?
#JoyOfSharing
#vishalbhadani

Leave A Comment