શિક્ષણ ‘દર્શન’ (Vision) અને તેનાં ચરિતાર્થ માટે ઉભું કરવામાં આવતું ‘દ્રષ્ટાંત’ (Provision)ના ગુણવત્તાસભર
વ્યવહાર પર નિર્ભર છે. શિક્ષણ દ્વારા જે ‘તત્વ’ સુધી પહોંચવાનું છે એ માટે આપણે છેલ્લાં
લગભગ ૨૫૦ વર્ષમાં એક ‘તંત્ર’
(System)ની રચના કરી છે.
પરંતુ આ ‘તંત્ર’ની મર્યાદા એ છે કે એ પોતે લઘુતમ (વાચન-લેખન-ગણન) નિષ્પતિથી ભાગ્યે
જ આગળ ગયું છે. બીજા શબ્દોમાં કહીએ તો માનવમાં રહેલા પૂર્ણતા ખીલવવામાં તંત્ર
વામણું સાબિત થયું અને ‘પુરુષોત્તમ’ બનવાની ક્ષમતા ધરાવનાર વિદ્યાર્થીઓને આ તંત્રે
વિચારશૂન્ય બનાવે છે એ હકીકત આપણી આસપાસ શાળા-કોલેજમાં ઉછરી રહી છે.  


ઇતિહાસમાં પ્રથમ વખત
કોઈપણ વ્યક્તિ પાસે આજે – ૨૧મી સદીમાં – શીખવાના એટલાં અને એવાં સાધનો ઉપલબ્ધ છે
કે શિક્ષણ નામના ‘તંત્ર’ની અનિવાર્યતા લગતી નથી. આમ પણ શિક્ષણની કોઈપણ વ્યવસ્થાની
સફળતા અને અસરકારકતા ત્યારે જ ગણાય જ્યારે ધીમે ધીમે શીખનાર એના પર નિર્ભર
રહેવાનું બંધ કરે. કાયમ સાયકલનું કેરિયર પકડી રાખનાર બાપ એના દીકરાને સાયકલ કેવી
રીતે શીખવી શકે? પાયાનું વાચન-લેખન-ગણન શીખતી વખતે જો કુતુહુલતાને સજીવન રહેવા
દેવામાં આવે તો વ્યક્તિ ‘સ્વશિક્ષણ’ની દિશામાં એકલ પંડ્યે યાત્રા માંડી શકે એમાં
કોઈ જ શંકા નથી.

આના માટે શિક્ષક કેવો
હોવો જોઈએ એ વર્ષોથી નિરંતર ચાલતી આવતી ખોજ છે. દરેક સભ્યતાએ ખૂબ જાગૃત રીતે આ
આદર્શને પામવાનો પ્રામાણિક પુરુષાર્થ કરવાનો છે.

શિક્ષણ ક્ષેત્રમાં
સામાન્યપણે શિક્ષકની ઓળખ તેના બાહ્ય ગુણો-ભૌતિક આચરણોથી અપાતી હોય છે જેમ કે તેની
શૈક્ષણિક લાયકાત. બીજી છે તેનો શૈક્ષણિક ક્ષેત્રે કરેલ કામનો અનુભવ. ત્રીજી ઓળખ છે
તેની પ્રતિબદ્ધતા – વર્ગને સ્વર્ગ માનતો હોય, વિદ્યાર્થી વત્સલ હોય, પ્રેમાળ હોય,
વિવેકી હોય અને પૂરો સમય આપતો હોય.

પણ એની સાચી ઓળખ કઈ? તો
એમાં નીચેના કેટલાક પાસાઓનો અવશ્ય સમાવેશ કરી શકાય:

a.    જ્ઞાન સાધક:

શિક્ષકે જે
પદાર્થ સાથે આજીવન કામ કરવાનું છે એ છે ‘જ્ઞાન’. આ જ્ઞાન એણે અભ્યાસનિષ્ઠા દ્વારા
સાધવાનું છે. આ અભ્યાસનિષ્ઠા વ્યાવસાયિક જરૂરિયાત તરીકે નહીં પણ અંગત જ્ઞાન સાધના
તરીકે એણે સહજ રીતે પોતાનો સ્વભાવ જ બનાવાવનો છે. એને માહિતી, જ્ઞાન અને ડાહપણનો
ભેદ સ્પષ્ટ હોય અને આ ત્રણમાંથી કયુ અજમાવવાનું છે એનો વિવેક આત્મસાત કર્યો હોય. જેમ
એક સાધક પોતાની પ્રક્રિયાઓ વિશે સતત જાગૃત હોય એમ જ એક શિક્ષક ચિંતન અને મનન કરતો
હોય. જે જ્ઞાન પરંપરાગત રીતે પુસ્તકો અને સંસ્કારો દ્વારા મળ્યું છે તેને એવુંને
એવું જ સ્વીકારવાને બદલે તેની સમીક્ષા કરે, વર્તમાન સંદર્ભમાં તેની યથાર્થતા અનુભવની
એરણ પર ચડાવીને ચકાસે, જે સ્વીકારવા જેવું છે તેનો વકીલ બને અને જે અવૈજ્ઞાનિક છે તેનો
નૈતિક હિંમત દ્વારા અસ્વીકાર કરે. એની પાસે માત્રને માત્ર જ્ઞાન-પ્રાપ્તિની
પદ્ધતિઓની વાતો હોય, એવા પુસ્તકોનો એ આદિ હોય અને એવા લોકોનો એ સત્સંગ કરતો હોય.
એમના જીવનની એક માત્ર અગ્રીમતા પ્રજ્ઞાની કેળવણી હોય. જ્ઞાન સાધક તરીકે આવા
શિક્ષકોના વિદ્યાર્થીઓ એમને જોઇને જ મબલખ શીખતાં હોય છે.

b.    દાર્શનિક સ્પષ્ટતા:

સોક્રેટીસે
સમજાવ્યું છે કે કોઈપણ બાબતને બરાબર સમજાવવા માટે એ બાબતની સ્પષ્ટ વ્યાખ્યા કરો.
એક શિક્ષક વિદ્યાર્થી સાથે જે પણ પ્રવૃત્તિ કરે છે તેની સંપૂર્ણ સ્પષ્ટતા એની પાસે
હોવી જોઈએ. શીખવું અને શીખવવું એટલે શું? કોને શીખવી શકાય અને કોને શીખતા કરી શકાય?
શું શીખવી શકાય? શા માટે શીખવવું જોઈએ? એ દાર્શનિક સ્પષ્ટતા એનાં સમગ્ર કાર્યને પરિણામલક્ષી
બનાવે છે. આ સ્પષ્ટતા જેટલી વધારે તેટલો શિક્ષક ઉત્તમ ગણાય. જે વિદ્યાર્થીને
અનુભવ/પ્રવૃત્તિ દ્વારા ભણાવતો હોય અને જીવાતા જીવન સાથે અનુબંધ સાધવાની પ્રવૃત્તિ
ઘડી શકતો હોય. જીવન વ્યવહારમાં ‘શક્તિ’ અને ‘દ્રષ્ટિ’નો વિવેકપૂર્ણ સમન્વય છે.
શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે રહીને શક્તિ કેમ કેળવાય તેનાં વૈજ્ઞાનિક પ્રયોગો કરવાનાં
છે અને સાથોસાથ દ્રષ્ટિ માટે કલા, જનસંપર્ક, અને પ્રકૃતિ સાથેનો ઘરોબો કેળવવાનો
છે. એટલા માટે જ વિનોબાજીએ સમજાવ્યું છે કે, “સૃષ્ટિને ટકાવનાર પરિબળોમાં ઈશ્વર
પછીના કોઈ હોય તો તે જ્ઞાન, વિજ્ઞાન અને સાહિત્ય છે. શિક્ષકને આ બાબતોની સ્પષ્ટતા
સ્ફટિકમય હોવી જોઈએ.

 

c.    સંશોધનાત્મક
દ્રષ્ટિ:

માણસે બ્રહ્માંડને સમજવાની ગજબની પ્રયુક્તિઓ શોધી કાઢી છે:
સમગ્ર વિશ્વનું અસ્તિત્વ અને વ્યવહાર ‘પૃથક્કરણ’ (
Analysis) અને ‘સંસ્લેષણ’ (Synthesis) પર
ટક્યા છે. શિક્ષકે એનાં વિદ્યાર્થીને પૃથક્કરણ અને સંસ્લેષણ કરી શકે એવી દ્રષ્ટિ
આપવાની છે. શિક્ષક
એટલે જેને કોઈપણ બાબત કે ઘટના કેવી રીતે શીખાય એની પદ્ધતિ
જાતે શોધતા આવડે તે.
જેમ એક વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં વસ્તુલક્ષિ (Objective) અભિગમ સાથે કામ કરે છે તેમ જ શિક્ષકે કેળવણીનું કામ હાથ પર
લેવાનું છે. વિદ્યાર્થી વત્સલ શિક્ષક ઘણી વખત એટલા વ્યક્તિલક્ષી (
Subjective) બની જતા હોય છે
કે એમની શૈક્ષણિક પ્રક્રિયાઓમાં વૈજ્ઞાનિક/સંશોધનાત્મક દ્રષ્ટિનો અભાવ હોય છે.
જેમ એક ડોક્ટર ખૂબ વિવેકી હોય, પ્રેમાળ હોય,
દર્દી-વત્સલ હોય પણ જો એ દર્દીના દર્દનું નિદાન અને તેની વૈજ્ઞાનિક સારવાર ન કરે
તો બધું જ નકામું. એમ જ શિક્ષકનો પ્રોફેશનલ અભિગમ છે એની સંશોધનાત્મક વૃત્તિ.

 

સાયકોલોજી,
ન્યુરોલોજી, એન્થ્રોપોલોજી, પેડાગોજી, એન્ડ્રાગોજી, સોશ્યોલોજી, વગેરે વિદ્યાશાખાઓમાં
શીખવા-શીખવવાની પ્રક્રિયાઓને લગતા જે સંશોધનો થયા હોય અને થતા હોય તેનો શિક્ષકને
અભ્યાસ હોવો જોઈએ. જ્યાં સુધી શૈક્ષણિક પ્રક્રિયાઓ સંશોધનાત્મક બનતી નથી ત્યાં
સુધી તેને સાર્વત્રિક બનાવી શકાતી નથી. જો તે સાર્વત્રિક બને તો તે વિશ્વનીય અને
વિકસીત બને છે.

 

d.    શિક્ષક નહીં પણ સહાધ્યાયી (Co-learner):

સાચો શિક્ષક તેના
વિદ્યાર્થીઓનો સહાધ્યાયી (
Co-learner) હોય છે. જ્ઞાન
કે સમજણ વિશેના એનાં કોઈ આખરી દાવા હોતા નથી. એ પણ વિદ્યાર્થીઓની સાથે રહીને ‘જ્ઞાન-પદાર્થ’ની
ખોજ કરે છે.
આદર્શ એ એક ખોજ છે.
ખોજ કરતાં કરતાં જે મળે તેનાંથી સંતોષ ન માનીને એક સંશોધકની દ્રષ્ટિ અને સાધકની
શ્રદ્ધાથી આગળ વધતાં રહીએ ત્યારે શિક્ષક કેવો હોવો જોઈએ એની આછેરી સમજણ મળે છે. અંતે
વિદ્યાર્થી અને શિક્ષકે આજીવન ‘ખોજી’ બની રહેવાનું છે.

કૃષ્ણ મૂર્તિએ
૧૯૫૩માં કહેલું કે “આધુનિક શિક્ષણ વિશ્વશાંતિમાં ખતરારૂપ છે.”
જો આપણું સાંપ્રત શિક્ષણ આવા નાગરીકો પેદા કરતુ હોય તો
સમાજમાં વ્યક્તિગત કે સામુહિક સુખાકારીની આશા રાખવી પોકળ છે. એટલે જ આજે સમગ્ર
વિશ્વમાં ચારેબાજુ
Sustainable Happinessની વાત થાય છે. ૨૦૦૪મા યુનેસ્કોએ આવા ટકાઉ સુખની વ્યાખ્યા કરતા કહ્યું છે કે,
“લોકો
, પ્રકૃતિ કે ભવિષ્યની
પેઢીઓનું શોષણ કર્યા વગર વ્યક્તિ
, સમુદાય, સમાજ અને વિશ્વના સુખમાં વૃદ્ધિ કરે તેને સસ્ટેનેબલ
હેપ્પીનેસ કહેવાય.” આપણી આસપાસ શાળા-કોલેજ કે યુનિ.માં નજર કરીએ તો ખ્યાલ આવશે કે
આપણે ભટકી ગયા છીએ!

માટે એ શિક્ષક-દોસ્ત! તું તારું શિક્ષણપણું
ત્યજીને આજે જ ‘ખોજી’ બન અને નીકળી પડ…!