મહેન્દ્રસિંહ પરમારનો વાર્તાસંગ્રહ ‘પોલિટેકનિક’ 2002થી  2022 સુધી લખાયેલી ૧૧ વાર્તાઓનો એક બળકટ
‘અવાજ’ છે. એક વાર્તાકારે ધીરજપૂર્વક લગભગ બે દાયકા જે અનુભવ્યું
, જોયું અને સાંભળ્યું એ આપણને સંભળાવવાની અનેક પ્રયુક્તિઓ યોજે છે. એ અર્થમાં
પણ આ શીર્ષક બહુ જ મજાનું છે
Poly (બહુ) + Technique (પ્રયુક્તિઓ) = પોલિટેકનિક. સદીઓથી વાર્તા કાનનો વિષય રહી છે
પણ મહેન્દ્રસિંહ બહુ જ સભાનપણે જાણે કે એને આંખનો વિષય બનાવવાની કોશિશ કરી રહ્યા
છે. દા.ત., ‘પોસ્ટકાર્ડ જેટલી (જ) વાર્તા?’ને તમે સામાન્ય વાર્તાની જેમ કોઈને કહી
ન શકો! આ ઉપરાંત
, એકપણ એવી વાર્તા નથી જેમાં વાર્તાકારે “કૌંસ” અને અવતરણોને દૃશ્યો સર્જવામાં
ન પ્રયોજ્યાં હોય!
અત્યારે જ્યારે આપણી ભાષામાંથી
વિરામચિહ્નો અદૃશ્ય થઇ રહ્યાં છે ત્યારે અહીંયા વિરામચિહ્નો વાર્તાઓની અસરને નવા
નવા વળ ચડાવે છે
; આપણને
અટકાવે
, લટકાવે,  એટલે આપણે જો વાર્તામાં રહેલાં નાનાં-નાનાં
કળા-સ્થાનોને પામવાં હોય તો કાન અને દૃષ્ટિ સાબૂત રાખવી પડે. ટૂંકમાં આપણે આંખથી
સાંભળવાનું છે!

 

આ સંગ્રહની વાર્તાઓને બે ભાગમાં
વહેંચી શકાય: ૧) પરિસ્થિતિમૂલક વાર્તાઓ અને ૨) મનોસ્થિતિમૂલક વાર્તાઓ. અલબત્ત
, આ બંને ભાગની વાર્તાઓ અનેકવાર ભેળસેળ
થઇ જાય છે (એ કંઈ થોડી આપણી જ્ઞાતિઓ જેવી જડ છે!). આપણે ક્રમશ: આ વાર્તાઓમાં રહેલાં
Polyphony, Epiphany અને Cacophonyના પડળો ખોલવાનો પ્રયત્ન કરીશું.  

1.
Polyphony: સમાંતરે સંભાળાતા અનેક ધ્વનિ: ૧) કથકનો અવાજ ત્રીજા
પુરુષ એકવચનમાં
,
૨) કથકનો અવાજ પ્રથમ પુરુષ એકવચનમાં, ૩) વિરામચિહ્નો અને ચિત્રાત્મક ભાષાનો અવાજ
, ૪) વિશેષ રચાનારીતી અને
પ્રયુક્તિને લીધે પ્રગટતો પ્રયોગનો અવાજ, ૫) પાત્રોના સંવાદોનો અવાજ, ૬)
મહેન્દ્રસિંહ પરમારનો વ્યક્તિલક્ષી (
Subjective) આવાજ વગેરે.   

2.
Epiphany: સામાન્ય ઘટનાક્રમમાંથી કશુંક મૂલ્યવાન મળી ગયાની ધન્ય ઘડી:
૧) કથનકળાથી નીપજતું સૌન્દર્ય, ૨) ભાષાપ્રયોગો, ૩) હ્યુમર-રમૂજનો એક સાધન તરીકેનો
ઉપયોગ, ૪) લાગણી અને વિચારની સમ્યક્ પ્રસ્તુતિ
, ૫) આંતર-કૃતિ સંદર્ભોનો વિનિયોગ, વગેરે   

3.
Cacophony: ધ્વનિનું કર્કશ સંયોજન: ૧)
લાચારીના નિરૂપણમાંથી ફાટતો કર્કશ અવાજ
, ૨) લિપિની મર્યાદામાં મૂંઝાતો અવાજ, ૩) હેતુપૂર્વકની અધૂરપમાંથી
નીપજતા અવઢવનો અવાજ, ૪) વાસ્તવનિરૂપણ દરમિયાન પ્રયોજેલા કટાક્ષનો અવાજ વગેરે.

|

પરિસ્થિતિમૂલક વાર્તાઓ

વાર્તાકારે કેટલીક પરિસ્થિતિઓ પર બિલોરી કાચ મૂક્યો છે;
કેટલાક મેક્રો-મુદ્દાઓને માઈક્રોસ્કોપ નીચે બેસાડીને આપણને ઝીણું ઝીણું દેખાડી
રહ્યાં છે. આ પરિસ્થિતિમૂલક વાર્તાઓમાં ‘પોલિટેકનીક’, ‘હવે કઈ પોલિટેકનીક?’, ‘ઊડણચરકલડી’,
‘આઈ.એસ.આઈ.નો હાથ’ અને ‘એમ.પી. અજમેરા’ જેવી વાર્તાઓને સમાવી શકાય.    

જાણેકે વાર્તાકાર આપણી બોચી પકડીને આ પરિસ્થિતિઓ બતાવવા
માંગતા હોય એમ કેટલી ધ્રુવ-પંક્તિઓથી વાતને ઘૂંટે છે. દા.ત., પોલિટેકનીક-શ્રેણીની
વાર્તાઓમાં સ્ત્રીઓની ઘરમાં ટોયલેટ ન હોવાથી બહાર જવામાં અને ત્યાં પણ પડતી અનેક
મુશ્કેલીઓ દરમિયાન પેદા થતી દયનીય સ્થિતિને દર્શાવવા આપણા કાનમાં ધાક પડી જાય
ત્યાં સુધી વાર્તાકાર બોલે છે: “ડેલાની બાયું શું કરે? બાયું શું કરે? ક્યાં…?
બાયું? એનું શું? એ ક્યાં…? શું કરે? બાયું મૂંઝાય. જવું ક્યાં
?” આ ત્રણેય વાર્તામાં હ્યુમર તો છે પણ ડાર્ક! આ લાચારીને વર્ણવતા એપીફની જેવાં
સુંદર વાક્યો જુઓ:

1.
બાયું ગાળ્યું કાઢતી ગઈ.
એક-એક ગાળે ઇંટ ખડકાતી ગઈ. આખું મેદાન થયું બંધ. વંડી વળી ગઈ તે રાતે બધી બાયુંએ
જિલ્લા ઉદ્યોગકેન્દ્રના ચોકમાં બધું પાણી ઠાલવી નાખેલું. ગ્રેટ ગોલ્ડન સર્કસના
પાંજરાની સિંહણો જેવી દશા ડેલાની બાયુંની થઇ
(૧૫)! શૌચાલય આવી ગયા હોય તેવાં યુગમાં પણ જે સમાજ સ્ત્રીઓની ‘આ’ પાયાની જરૂરિયાત
પૂરી ન કરી શક્યો હોય એને નારીના સ્વરૂપમાં માતાજીની કલ્પના કરવાની નૈતિક હિમંત
ક્યાંથી આવતી હશે? સ્ત્રીઓ માટે “પાંજરાની સિંહણ”ની ઉપમા જોતાં જ આપણને એમ થાય કે
કાશ આમાંથી કોઈ સ્ત્રી એક જ વખત સાક્ષા
ત્ સિંહણ બને! પણ, વાર્તાકારે કહ્યું તેમ તેઓ સિંહણો છે જ પણ (સામાજિક) પાંજરાની!

2.
તારની ઓલીકોર બંદૂકવાળી ફોજ
અને આણીકોર પાણીના ડબલાં લઈને બાયું
(૧૭). અહીંયા
કોણ કોની સામી લડી રહ્યું છે એ કહેવું મુશ્કેલ છે કારણકે સરકારી તંત્રને વહીવટી
અંધાપો/બહેરાશ એ હદે આવી ગયા છે કે યોગ્ય વ્યવસ્થા કરવાની પોતાની નિષ્ફળતાને
ઢાંકવા સ્ત્રીઓને જાણે કે કુદરતી ક્રિયા ન કરવા દેવા એમની ઉપર સ-શસ્ત્ર દબાણ ઊભું
કરવામાં આવ્યું છે.  

3.
કાપો તો શું નીકળે એય નક્કી
ન કરી શકાય એવી હાલત થઇ બાયુંની
(૧૭). કાપો તો લોહી પણ ન
નીકળે એ કહેવતને નવી રીતે પ્રયોજીને અહીંયા પરિસ્થિતિની ગંભીરતામાં ઘી હોમાયું છે!

4.
આજે તો પાણીનાં કુંડાળાં
પેટમાં જ એટલા પડ્યા હતાં કે વધારાની કલાકારીગીરી કરવાની કોઈનામાં ત્રેવડ જ રહી
નોહતી
(૧૭). અહીંયાં પાણીની જગ્યાએ ‘તેલ’ સંભળાય છે. ધ્યાનથી
સાંભળો!

5.
કોઠાડા’ઈ બાયુંએ કોઠો
ઠાલવવાનો આખરી ઉપાય એ ડબલાં જ હોય એમ સમજી લીધું ને છોકરું તેડતાં હોય એ મમતથી એ
લઇ લીધાં
(૧૭). ટોયલેટના ડબલાંની સાથે ‘મમત’ શબ્દ પ્રયોજીને
વાર્તાકારે ડબલું તો જીવતું કર્યું પણ સ્ત્રી-ઉત્થાનની આપણી સામૂહિક આશાની નનામી
પણ કાઢી! અથવા તો એમ કહીએ કે સ્ત્રીઓએ ડબલાં મમતથી લઇ લીધાં એમ નહીં પણ
(પુરુષપ્રધાન) સમાજે ‘કમત’થી એમને પકડાવ્યાં!

વાર્તાકારે વાર્તા-પરિવેશ પ્રમાણેની ભાષાનો તખ્તો તૈયાર
કરવાનો છે એટલે સ્ત્રીઓની આ સમસ્યા માટેની ભાષા પણ ધીમા તાપે ચડેલી હોય એવી પાકટ
છે. આમ તો “બાયું” (કે પછી બૈરું
, બૈરી, બાયડી, વગેરે) શબ્દ સ્ત્રી-સન્માનજનક શબ્દ બિલકુલ
નથી પણ વાર્તાકારે આ એક શબ્દને લઈને સ્ત્રીઓની સામાજિક અવદશાને ભાષાને સ્તરે પણ
રજૂ કરવાનો સફળ પ્રયાસ કર્યો છે. ભાષાને જાણે કે નવી નવી કેટલી રીતે પ્રયોજી શકાય તેના
ઉત્સાહમાં હોય એમ વાર્તાકાર શબ્દોના અર્થ-ફેર કરે છે. આ શબ્દો જુઓ – ‘વ્યવસ્થા
– ‘લાભ’ – ‘વૈભવ’ – ‘મોક્ષપ્રાપ્તિ’ – ‘પરમસુખ’ – ‘અનુભવ’ – ‘ઈછાત્યાગધારી’
અને જ્યારે આ લાભ સમૂહમાં લેવાનો હોય ત્યારે ‘ડબલાકૂચ’, ‘પંગતપડવી’, ‘રામસભા’ જેવા
શબ્દો સામાન્ય રીતે આપણા મનમાં કોઠો-ઠાલવવાની ક્રિયા તરફ ઈશારો કરતા નથી. પણ આ
વાર્તાવિશ્વમાં તો શબ્દરમૂજની આડમાં વાર્તાકાર ઊંડો નિસાસો નાખે છે! તમને એ નિસાસો
સંભળાયો?

બાયુંનાં પેટ પર ભાયડાઓએ કરેલો અત્યાચાર ખાલી બળાત્કાર કે
સ્ત્રીભ્રૂણહત્યા હત્યા સુધી જ સીમિત નથી; પણ સન્માનપૂર્વક સ્ત્રી પોતાનાં પેટને
ખાલી કરી શકે એ વિચાર સુદ્ધાં ન કરીને ન જાણે કેટલીય શારીરિક-માનસિક પીડામાં સ્ત્રીઓને
ધકેલવામાં આવી છે. વાર્તાકાર પહેલી જ વાર્તામાં કહે છે કે, “ડેલાના પુરુષવર્ગને તો
જોકે અમથોય કાંઇ ફેર પડતો નો
તો (૧૧).” ડેલાના એટલે સમાજના! એ અર્થમાં ‘પોલિટેકનીક’
વાર્તાના અંતે ડેલાની બાયુંએ પોલિટેકનીકની દીવાલમાં બાકોરું નહોતું પાડ્યું પણ
વાર્તાકારે પુરુષપ્રધાન સમાજની ઉદાસીનતામાં પાડ્યું! શરીરનો અવાજ
, અનિચ્છાનો અવાજ, લાચારીનો અવાજ, ઉદાસીનતાનો અવાજ, કથકનો અવાજ, રમૂજનો અવાજ, લેખિત શબ્દોના નવા અર્થનો
અવાજ
, વિરામચિહ્નોમા ઘૂંટાતો આવાજ, વાર્તાનો આવાજ, સ્ત્રીઓની ઉકલી શકે તેવી પણ વણ-ઉકેલેલી પરિસ્થિતિનો અવાજ અને ન ગમે તેવા
કટાક્ષ-ચાબખાનો અવાજ? તમને આ કેકાફાનીની પોલીફની સંભળાય છેને?         

‘આઈ.એસ. આઈનો હાથ’ જે પરિસ્થિતિ સામે મોરચો માંડે છે એ અત્યારે પણ આપણી આંખ સામે છે. ધર્મસત્તા, રાજ્યસત્તા અને વ્યાપારસત્તા જ્યારે એક થઇ જ્યારે ત્યારે સામાન્ય પ્રજાની શી
હાલત થાય એ સમજવા માટે કોઈ વિચારશીલ કલાકારની આંખ જોઈએ. આ વાર્તાસંગ્રહમાં બે-ત્રણ
પાત્રો પ્રોફેસર છે એટલે દરેક વાર્તાને એક ચોક્કસ વિચારનું કલેવર ચડેલું દેખાય છે.
આ વાર્તામાં એક પ્રોફેસર ઉપર્યુક્ત સત્તાની કડીઓને તોડવા માગે છે પણ જરા જુદી
રીતે. બે-ત્રણ વ્યક્તિઓને ભેગા કરીને લોકજાગૃતિ માટે એક ખાસ જગ્યાએ બોમ્બ પ્લાન્ટ
કરવામાં આવે છે પણ કોઈક રીતે એ બોમ્બ ફૂંટતો નથી. આખરે પોલીસ એ પ્રો. ધોળકિયાને
પકડે છે. પુછપરછ દરમિયયાન પ્રો. ધોળકિયાને નામનું એ પાત્ર કહે છે,

જે ઝડપથી આ લોકો ધર્મના ઓઠાતળે આખી ઈકોનોમી બદલી રહ્યા છે તેનો તમને અંદાજ
નથી…જુઓ! આ દવાનો ધંધો
, જમીનનો ધંધો,જમાડવાનો, હેલ્મેટ વેચવાનો ધંધો, શિક્ષણનો ધંધો, ધર્મના ધંધા ઉપરાંત સર, બીજી બધી વસ્તુ પણ એમનાં
જડબામાં ઓરાઇ રહી છે. ખાઈ જશે સાહેબ
, આખ્ખે આખા ચાવી જશે આ લોકો
આપણને!…આ નવા વર્લ્ડ ટ્રેડ સેન્ટરો સહન નથી થતાં
, સાહેબ…અમેરિકાના આક્રમણની વાતો કરીએ છીએ પણ એ તો હજી દૂરની વાત. અમેરિકાને
આંટી મારે એવું આ સવાઈ અમેરિકી સામ્રાજ્ય છે…ધરમ જે રીતે બધું ધારણ કરતો જાય છે
, સર…સમજો છો ને સર, મને?

“યસ આઈ કેન પ્રોફેસર. પણ બોમ્બ બનાવવાનું કેવી રીતે સૂઝ્યું?

“આવડા મોટા વર્ગને હું ભાષણ આપીને કઈ રીતે સમજાવી શકું મારી વાત? (૪૭-૪૮)

આ વાર્તાસંગ્રહમાં બે ત્રણ વાર્તાઓમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કાર્લ
માર્ક્સ ડોકિયું કરે છે જેણે કહેલું કે
“The philosophers have only interpreted the
world, in various ways. The point, however, is to change it.
અર્થાત્ ફિલોસોફરો ખાલી
દુનિયાનું વિવરણ કરી જાણે
, પણ ભલા માણસ દુનિયાને
બદલાવાની છે. એનું કંઇક કરો. આ પ્રોફેસરને ખ્યાલ આવી ગયેલો કે માત્ર ભાષણથી
(ફિલોસોફી) લોકો સત્તાની માયા સમજશે નહીં એટલે બોમ્બ ફોડવાની રણનીતિ ઘડી.
વાર્તાકાર કદાચ એ દર્શાવવા ઈચ્છે છે કે સામાજિક જાગૃતિ માટે ખાલી ‘વિચારો’ કરતાં
‘કર્મ’ વધુ કારગર સાધન છે. શું આને વિચારશીલ લોકોની પ્રત્યાયનનિષ્ફળતા કહેવાય કે
પછી વ્યાપક જનસમુદાયની ક્ષીણ થઇ રહેલી પ્રભાવમુક્ત વિચારશક્તિ
?

ન ફૂટેલા બોમ્બનો અવાજ, પણ ફૂટવો
જોઈએ એવી અપેક્ષાનો અવાજ, આપણે સત્તાકડીઓ સામે કશું જ કરી શકતા નથી એ અહેસાસનો
અવાજ, પોકળ ભાષણોનો અવાજ,
તમને સંભળાય છે ને આ
પોલીફનીની કેકાફાની?        

‘એમ.પી. અજમેરા’ વાર્તા ચૂંટણી-કામગીરીમાં પરિસ્થિતિમાં એક સત્યનિષ્ઠ
પ્રાથમિક શિક્ષકની કેવી મનોદશા થાય છે તેની વાત હળવી રીતે રજૂ કરવામાં આવી છે. પણ
સાથે જ એમ.પી. અજમેરા ઉર્ફે ૩૪. ખૂંટવડાનું પાત્ર જે એમ.એ. સંસ્કૃતની વિશેષ
યોગ્યતા ધરાવે છે તેની તત્સમ શબ્દોથી લથબથ ભાષા અને સમજણને કેવી રીતે આપણી બ્યૂરોક્રસી
ભાંગીને ભૂક્કો કરી નાખે તેની મસ્ત ગૂંથણી થઇ છે. એમ.પી. અજમેરાનો પરિચય કરાવતી
વખતે વાર્તાકાર વારંવાર કૌંસમાં લખે છે (એમ.એ. સંસ્કૃતની વિશેષ યોગ્યતા). આપણે એમ
લાગે કે આવું કેમ કરે છે? આમ કરીને એ શું સિદ્ધ કરવા માગે છે? પણ વાર્તા જેમ જેમ
આગળ વધે જ તેમ તેમ ખ્યાલ આવે છે સંસ્કૃતની વિદ્વત્તા એમને વ્યાવહારિક બનાવામાં
કેવી નડે છે. આ વાર્તા એક વ્યાપક પ્રશ્ન આપણી સામે મૂકે છે: શું આજના આ
કાવા-દાવાવાળા યુગમાં આપણાં શાસ્ત્રોનું પ્રશિષ્ઠ દર્શન આપણને મદદ કરી શકે?

વાર્તા ઠેર ઠેર હસાવે છે, ખાસ તો
ભાષા દ્વારા પ્રગટ થતી વ્યક્તિગત લાક્ષણિકતાઓ. ઉદાહરણ તરીકે
, ચૂંટણીની કામગીરી માટે મતદાનમથક
પર ફરજ બજાવતા એમ.પી.અજમેરાને એમ લાગે છે કે કદાચ લોકો કંઇક આડુંઅવળું કરે એટલે એ
જમવાનું ટાળે છે. ‘એક તગડા
, મૂછડ માણસે આવીને કહ્યું, ‘માસ્તર, હાલો જમવા. રાતેય કાંઇ ખાધું નથી.’ ત્યારે
એમ.પી.એ કહ્યું
,
“ના ભ્રાતા! હું અહીં જ ઠીક છું. હજી ક્ષુધારસ ઉદીપ્ત નથી થયો (૬૬).’ વળી આગળ એક
જગાએ બોગસ-વોટીંગનું ગુજરાતી કરતા એમ.પી. કહે છે ‘કશું નહીં સાહેબ. લોકોને મિથ્યા
મતદાન કરવું હતું. ને મેં ન થવા દીધું (૬૭).’
હવે આપણને ખ્યાલ આવે કે કેમ વાર્તાકાર (એમ.એ. સંસ્કૃતની વિશેષ યોગ્યતા)નો
હવાલો આપે છે! ત્રીજા પુરુષ એક વચનમાં લખાયેલી આ વાર્તામાં એપીફનીની ક્ષણો ઘણી
funny છે!   

||

મનોસ્થિતિમૂલક વાર્તાઓ

હવે તમે તૈયાર થઇ જાઓ એક સાથે એવા
અનેક અવાજો સાંભળવા માટે – પોલીફની – કે જે પાત્રોની મનોસ્થિતિ દર્શાવે છે! આ
સમૂહમાં આપણે ‘ઈન્ટેલેકચ્યુઅલ ઇન્દુભાઇ’, ‘ઇસકી મા કા સુંદરજી’, ‘સાહેબની શોકસભા’,
‘શીર્ષક: હજુ નક્કી નથી’, ‘બ્લેન્કેટ’ અને ‘પોસ્ટકાર્ડ જેટલી (જ) વાર્તા?’નો
સમાવેશ કરી શકીએ.

ગોધરકાંડની પરિસ્થિતિએ બૌદ્ધિકોની
કેવી મનોસ્થિતિ રચી એ સૌથી પ્રામાણિક રીતે ‘ઈન્ટેલેકચ્યુઅલ ઇન્દુભાઇ’માં જોવા મળે
છે. ઇન્દુભાઇ નામના એક પ્રોફેસરનું ઘર કોમી રમખાણોમાં સળગાવવામાં આવ્યું.

“ઈન્ટેલેકચ્યુઅલ ઇન્દુભાઇનો
ડ્રોઈંગરૂમ અને જેના એકએક અક્ષરને તો આકંઠ પી ગયેલાં એ બધાં જ પુસ્તકો અગ્નિમાં
સ્વાહા. રામાયણ અને મહાભારત, દાસ-કેપિટલ ને ગ્રામર ઓફ પોલિટીક્સનો ભડકો. પાટણની
પ્રભુતા ને ગુજરાતનો નાથ….સાફ. કૃષ્ણનું સંગીત અને જીવનનો ઉત્સવ ખતમ. સત્યના
પ્રયોગો અને સરસ્વતીચંદ્ર…મર્મઘાતક ઝીણીઝીણી ભૂકી બનીને ઢગલો” (૩૦).
આપણને પ્રશ્ન એ થાય કે વાર્તાકારે આ જ પુસ્તકો કેમ બાળ્યાં?
તમે થોડીવાર માટે વિચારીએ કે આપણી ગુજરાતી તરીકેની અને ભારતીય તરીકેની
અસ્મિતામાંથી આ પુસ્તકોનો છેદ ઉડાડીએ તો આપણે શું શું ગુમાવીએ?

એક બૌદ્ધિકનું મન પુસ્તકોનાં
વાચનથી અને તેમાં રજૂ થયેલા વિચારોના મનનથી સમૃદ્ધ થયું હોય છે પણ જ્યારે
પુસ્તકોના આદર્શ-મહેલને કોઈ રમખાણ કડડભૂસ કરી નાખે ત્યારે વિચારશીલ માણસ કઈ
વૈચારિક ભૂમિ પર ઊભો રહીને શ્વાસ લઇ શકે એ પીડાની પરાકાષ્ટા આ વાર્તામાં છે.

ખાસ તો પીડાની તીવ્રતા વર્ણવતા
વાર્તાકાર “સળગવા” માટે દરેક વખતે જુદા જુદા શબ્દ-પ્રયોગો કરે છે જેમ કે ‘સ્વાહા
, ‘ભડકો, ‘સાફ’, ‘ખતમ’ અને ‘ઢગલો’. આ શબ્દપસંદગી પણ વાચકના
મનમાં જુદી જુદી દૃશ્યાવલી સર્જે છે. ઇન્દુભાઇ જ્યારે મુંબઈથી આવીને જ્યારે આ બધું
જુએ છે ત્યારે એમની મનોસ્થિતિની કેવી હતી એ દર્શાવતાં વાર્તાકાર લખે છે “મર્મઘાતક
રાખના ઢગલામાં કશુક ફંફોસવા લાગ્યા…ઇન્દુભાઇ મર્મઘાતક ભસ્મની થેલી છાતીએ
વળગાડીને ઘર છોડવા તૈયાર થયા.” ચડતા ક્રમે આ શબ્દો તપાસવા જેવા છે ‘ભૂકી’, ‘રાખ’,
અને ‘ભસ્મ’! દરેક સ્તરે પાતળી થઇ રહેલી મનોસ્થિતિને આ રીતે જોતાં આપણને એપીફનીનો
અનુભવ થાય છે.

સમાજનું આંતરિક ખોખલાપણું રમખાણ
બનીને બહાર આવે ત્યારે સ્વાભાવિક રીતે જે એક જાગૃત શિક્ષક એને પોતાની નિષ્ફળતા
ગણાવે છે. આ સંવાદ માત્ર એનાં મનમાં ફૂલ વોલ્યુમમાં ચાલે છે. ‘કોલેજમાં જે
છોકરાઓના હાથમાં નોટ-પેન જોયેલી એમને ખંજર અને એસીડ બોમ્બ સાથે જોઇને ઇન્દુભાઇને
કંઈનું કંઈ થઇ જાય. ‘આ બધાને મેં ભણાવ્યા
? શું ભણાવ્યું મેં? આ?…(૩૧)’ આત્મશોધનની આ પ્રક્રિયા ત્યારે વધુ પીડાદાયક બને
છે જ્યારે ઉપર્યુક્ત બધા જ પ્રશ્નોના જવાબ પૂછનારની યોગ્યતા
, નિસ્બત અને પ્રામાણિકતાને ગુનેગાર
બનાવી દે!

પણ એક પ્રયત્ન તો એણે કરવો જોઈએ એમ
માનીને ઇન્દુભાઇ રમખાણ-ભણતા વિદ્યાર્થીઓને કહે છે, “છોકરાઓ! તમે શું કરો છો,
તમને ભાન છે? મૂકો આ બધું. ચાલો!’ છોકરાઓ ઘડીક જોઈ રહ્યાં પછી એક બોલ્યો
, ‘સર! એ બધી અમિતાભગીરી કોલેજમાં
હોં! જીવ વાહલો હોય તો અત્યારે વચ્ચે નહીં પડતા! જીવ વહાલો હતો એની ઈન્ટેલેકચ્યુઅલ
ઇન્દુભાઇને ત્યારે ખબર પડી. આવતા રહ્યા પાછા. મહાત્મા ગાંધી…ને ઇસુ…ને ખંજર ને
આગ ને…..બધું ભેળસેળ થઇ ચક્કર ચક્કર ફરવા લાગ્યું (૩૧).’
આ છેલ્લાં બે વાક્યોમાં આપણે એક પૂર્ણવિરામમાં થોડો
સ્થાનફેર કરીએ તો શું થાય જુઓ તો:

મૂળ વાક્ય: આવતા રહ્યા પાછા. મહાત્મા ગાંધી…ને ઇસુ…ને ખંજર
ને આગ ને…..બધું ભેળસેળ થઇ ચક્કર ચક્કર ફરવા લાગ્યું (૩૧).

નવું વાક્ય: આવતા રહ્યા પાછા મહાત્મા ગાંધી…ને ઇસુ…

આમાં ખરેખર પાછું કોણ આવ્યું? આપણાં નૈતિક મૂલ્યો? સહિષ્ણુતા? મહાત્મા અને ઇસુ? જ્ઞાનયોગીઓનો કર્મયોગ? શું?

ઇન્દુભાઇનું ઘર બળ્યું અને પોતે
ટોળાને રમખાણો રોકવામાં નિષ્ફળ ગયા તે બૌદ્ધિક વર્ગની નામોશીનું ક્લાઈમેક્સ છે પણ
શાંતિસમિતિની પોકળ પ્રવૃત્તિએ ઇન્દુભાઇની ઈન્ટેલીજન્સને તોડી નાખી એ
એન્ટી-ક્લાઈમેક્સ છે. જુઓ:

‘શાંતિ અને ભાઈચારાનાં સૂત્રો
ઇન્દુભાઇને આકરાં થઇ પડ્યાં એટલે ત્યાંથી ભાગ્યા. રેફ્યુજી કેમ્પ એમનાથી ન
જિરવાયો, હાંફતા શ્વાસે ઘરે આવ્યા. હસુમતીએ પાણીનો ગ્લાસ ધરીને કપાળ પર બાઝેલો
પરસેવો લૂંછતાં પૂછ્યું:

‘ક્યાં જઈ આવ્યા?’ ઇન્દુભાઇ ચૂપ. ‘કહું છું શું થઈ
ગયું તમને?’

‘ગાર્ગી, હવે કશું પૂછશો નહીં!’

‘હેં! હેં! ગાર્ગી!’ ઈન્દુકાકા
હસુમતીકાકીનું નામેય ભૂલી ગયા!

‘એ….એ… ચિબાવલા નચિકેતા! તૂ
મૂંગો મર ને!’

‘ઇન્દુભાઇ, નરેશ છે. મારો દીકરો….એને
નચિકે…તા?’

‘હવે ભાઈ જટાયુ! તું તો કંઇક કર!’ (૩૨)

અહીંયાં ઇન્દુભાઈના માનસિક
અસંતુલનમાં જે કેકાફની સંભળાય છે એમાં મન્ટોનાં અને વિભાજનકથાઓનાં અનેક પાત્રોની
પોલીફોની પણ છે.  

વળી, જેમ જેમ વ્યાકુળતા વધતી જાય
છે તેમ તેમ ઇન્દુભાઇ પોતે વાંચેલા વિચારકોને મદદ માટે સાદ પાડે છે અને એમની સાથે
સીધો જ સંવાદ રચે છે. જાણે કે એ લોકો આવીને આ કોમી હિંસા અટકાવશે. એ કહે છે, “મર
રે મૂળ મિલ્ટન!…તારું સત્યાનાશ જાય રે નખ્ખોદીયા માર્ક્સ!..એ રોયા
રિલ્કે!….હાય હાય નિત્શે! તું ભગવાન બની જા! (૩૩)’ મિલ્ટને કહેલું કે ‘
It is the mind that makes hell of
heaven and heaven of hell (Paradise Lost)’
એટલે જે સ્વર્ગ અને નર્ક બંને મનની જ પેદાશ છે. તો
શું આ કોમી હિંસા પણ મનનો કચરો નથી? કારણ કે કોમી હિંસા ક્યાંકને ક્યાંક સંપ્રદાય
અને ધર્મની સાંઠગાઠ હેઠળ આકાર લેતી હોય છે એટલે વાર્તાકાર માર્ક્સને યાદ કરે છે
કેમ કે માકર્સે કહેલું,
The first prerequisite for the happiness of the
people is the abolition of religion…religion is the opium of people (
A Contribution to the Critique of Hegel’s Philosophy of Right).’ અર્થાત્ ધર્મની નાબૂદી લોકોની સુખી રહેવાની પૂર્વશરત
છે…ધર્મ જનતા માટેનું અફીણ છે! વળી
, વાર્તાકાર એ રિલ્કે પાસે મદદ માગે છે જેણે કહેલું
કે,
Perhaps everything terrible is in its deepest being something helpless that
wants help from us (Letter to a Young Poet)
એટલે કે બધી જ ભયંકર બાબતોનાં મૂળમાં મદદ પોકારતી
લાચારી હોય છે.’ છેલ્લે નિત્શેને ફરમાન કરતાં વાર્તાકાર એને જાણે કે કહે છે કે તે
કહેલું કે
God is
Dead.
God remains dead.
And we have killed him (Thus Spoke Zarathustra)
એટલે કે ઈશ્વર
મરી પરવાર્યા છે અને એ એમ જ રહે છે. આપણે એને મારી નાખ્યા છે. તો તું જ ઈશ્વર બની
જા ને! આ વિચારકોનો નેપથ્યે આવતો આવાજ સંભળાય છે ને!

આવી ધીર-ગંભીર વાર્તાઓની વચ્ચે ‘ઇસકી
મા કા સુંદરજી’
માં શુદ્ધ હ્યુમર છે જેમાં કોઈ કટાક્ષ નથી
, કોઈ રાજકીય કે સામાજિક ઘટનાની ઊલટતપાસ
નથી પણ એક નાજુક માનવીય સંવેદન છે. એક યુવાનની આર્મીમાં જવાની ઈચ્છા અને તેના
મેડીકલ ચેક-અપ દરમિયાન “તંગ” થયેલી પરિસ્થિતિમાંથી નીપજતો નિર્દોષ બાળુડો ભરત
આપણને વાહલો લાગે. ભારતની મનોસ્થિતિ વર્ણવવામાં વાર્તાકારે ખાસ્સી જહેમત ઉઠાવી છે.
ક્યાંય પણ આદર્શ-ચરિત્ર ખડું કર્યા વગર જ ભરત જેવો છે તેવો સહજ પ્રગટે છે. એના
મનમાં ચાલતી દેશભક્તિ અને વચ્ચે અચાનક એને ગમતી(?) ચા-વાળી યુવતી એવા તો એક થઇ ગયા
કે મેડીકલ ચેક-અપ કરનાર ડોકટરની વાસ્તવિકતા જ ભૂલી ગયો. ક્ષણભર દેશભક્તિની ઈચ્છા
પર કામેચ્છા જાણે કે સવાર થઇ ગઈ!

‘સાહેબની શોકસભા’માં આજીવન એક વ્યક્તિ પ્રત્યે સંગ્રહાયેલી દાઝ કે
અસંતોષ કેવી મનોદશા કરે છે એ દર્શાવતી ઉત્તમ વાર્તા છે. ટેકનીકની દૃષ્ટિએ જોઈએ તો
કથક અરીસાની પેલે પાર ઊભા ઊભા આ બાજુ ઊભેલા અખિલેશકુમારની વાસ્તવિક મનોદશા અને
મુખોટો પહેરેલા ભાવોનું પૃથક્કરણ કરે છે. થોડા માર્ક્સ ઓછા આવેલા એટલે પોતે
પ્રોફેસર બની ન શક્યો અને પોસ્ટ ખાતામાં આજીવન નોકરી કરવાનું થયું એને માટે એના
સાહેબને જવાબદાર માનનારા અખિલેશકુમાર
જાહેરમાં સાહેબના માનસસંતાન હોય એમ વર્તે છે પણ મનમાં
તો સાહેબના મૃત્યુ અને અંતિમવિધિનો આખો ખેલ ભજવે છે. શેક્સપિયરનો ઇઆગો જેવો આ
અખિલેશકુમાર જાહેર અને અંગત જીવનમાં સ્પ્લીટ પર્સનાલીટીનો શિકાર પણ લાગે. અરીસાની
પેલી બાજુએથી તેનો અંતરાત્મા-જેવો-કથક અખિલેશકુમારને પૂછે છે કે સાહેબના મૃત્યુનો
‘આઘાત લાગેલો અખિલેશકુમાર? કે પૂરા સળગાવી દેવાનું અનુષ્ઠાન હતું અખિલેશકુમાર?
(૫૫)’ વારંવાર પ્રથમ નામથી સંબોધીને જાણે કે અખિલેશકુમારનું નૈતિક પોસ્ટમોર્ટમ
થતું હોય એવું લાગે! વાર્તાનો છેલ્લો પડાવ તમે જાતે જ માણજો અખિલેશકુમાર!     

ગુજરાતી ટૂંકીવાર્તાલેખનની શિબિરો
અને વિવેચન પર જાણે કે વિધિવત્ કટાક્ષ કરવો હોય એમ ‘શીર્ષક: હજી નક્કી નથી’ વાર્તાલેખનની
પ્રક્રિયાને અને તેને “માન્ય” ઠેરવનારાં પરિબળોને જ વાર્તાકાર વાર્તાનો વિષય બનાવે
છે. અહીંયાં વાર્તાકારની મનોસ્થિતિનાં વલયોમાંથી પ્રગટો અવાજ સાંભળવાનો છે.
નવ્ય ગુજરાતી વાર્તાકાર
meta-storyનો
તખ્તો રચીને જાણે કે એક “વાર્તાલેખન-વિવેચન કોચિંગ”ને વાર્તા-ન્યાયાલયમાં લાવીને
એની સામે અનેક પ્રશ્નો મૂકે છે. વિરામચિહ્નો અને અંગ્રેજી શબ્દપ્રયોગ દ્વારા કથકના
વ્યંગના ચાબખા જેને મનગમતી પાઘડી પહેરવી હોય એમના માટે તૈયાર છે. ઉદાહરણ તરીકે,
વાર્તાકારનાં મૂળ વાક્યોની સાથે કૌંસમાં આપેલ ટીપ્પણીઓ જુઓ તો:

1.  નવ્ય ગુજરાતી વાર્તાકાર (૫૭) (એટલે આઉટડેટેડ
વાર્તાકાર પણ હશે ને! બીજું કે દર વખતે વાર્તાકારને બદલે ‘ગુજરાતી’ વાર્તાકાર
કહેવું જાણે કે અન્ય ભારતીય ભાષાઓના નવ્ય વાર્તાકારોને આવું ભોગવવું નહીં પડતું
હોય એવી ચાડી ખાય છે!)

2.  સ્ટ્રકચર-કલ્ચર-કલ્ચર-સ્ટ્રકચરનો કચરો નવ્ય ગુજરાતી
વાર્તાકારના મનમાં ઘૂમરાતો હતો (૫૮). (કચરો કેમ કીધો હશે?)

3.  વન ઓફ ધી બોલકા માસ્ટર ઉવાચ (બોલકા!)…બોલકા
માસ્ટરની ટીપ્પણી બણબણવા લાગી (૫૯) (આ બણબણવું ક્રિયાપદ કયો રસ નિષ્પન કરે છે!!)

4.  નથી બનતી. નથી જ બનતી. ક્યાંય વાર્તા નથી બનતી (૫૯).
(ગુજરાતી ટૂંકીવાર્તા સંદર્ભે અનિવાર્યપણે બોલવું પડતું આ વાક્ય જાણે કે ચેપી રોગ
છે એને ઝટ નાબૂદ કરો, મારા વિવેચક-વીરા. વાર્તા નહીં બને તો કંઈ બીજું બનશે!)

5.  આજકાલના ઊગીને ઊભા થતાં છોકરડા વાર્તાકારે નૈતિક
મૂલ્યોની તો કંઈ પડી જ નથી! આવું અશ્લીલ લખાય
? અને પાછું આપણે અહીં ફોરમમાં એને વાંચવા દઈએ? હું તો કહું છું  હવેની સભામાં આવા છીછરા નવા લેખકોને પ્રવેશ જ ન
મળવો જોઈએ (૬૦)! (લો
, આ આવ્યા કલાનું નૈતિકીકરણ કરવાવાળા મોરલ-પોલીસ!)

આ પોલીફોનીમાં વાર્તાલેખન – સોરી, ગુજરાતી વાર્તાલેખનની અંદર બહારના
કળાના અવાજ
,
વિવેચનના અવાજ
,
સર્જક અને ભાવકના અવાજ
, અર્થઘટન અને રચનારીતિના અવાજ, અંગ્રેજી અને ગુજરાતી ભાષાના અવાજ, પરંપરા અને પ્રયોગના ટકરાવના અવાજ
સાંભળો છો ને તમે?

આ સંગ્રહ એક નાજુક વાર્તા છે ‘બ્લેન્કેટ’.
આ સુગંધની વાર્તા છે. ક્લાસ-૧ કક્ષાનું પરીક્ષિતલાલ (ઉર્ફે પી. લાલ) નામનું એક
પાત્ર ખાનગી (કોન્ફીડેન્શીયલ) કામ કરવા દિલ્લી જાય છે અને ત્યાંથી કોઈ વસ્તુ ઘેર
લઇ જવી એ ભાવમાં અનેક ભાવો ભળતા જાય છે. મૂળ તો ભાવતાલનો સ્વભાવ એટલે દિલ્લીથી
ગુજરાત પરત ફરતા દરેક તબક્કે જાણે કે “બાર્ગેનિંગ” ચાલ્યા કરે છે: ક્યારેક
વસ્તુઓના સ્વરૂપે તો ક્યારેક સેવાઓના સ્વરૂપે તો વળી ક્યારેક ઇચ્છાઓના સ્વરૂપે પણ
બાર્ગેનિંગ કરવાનું. ક્લાસ-૧ કક્ષાના પી.લાલ કુળના સંસ્કારો વિરુદ્ધ ખાય
, સિગારેટ પીએ, લાંચ આપે, સ્કૂલની છોકરીઓ પર કુદૃષ્ટિ કરે, સામાન્ય માણસો આઠે ઉદ્ધતાઈથી
વર્તે…આવું પાત્ર રેલવેના બ્લેન્કેટની સુંગધમાં કેવું મોહાયું એ જુઓ.

રાતના લગભગ બે જેવું થયું હશે. પી.લલના પગ પેટમાં
ઘૂસી ગયા હતા. સહેજ આંખ મળવા આવી ત્યાં…એમને લાગ્યું કે કોઈ ધાબળો ઊંચો કરી એમની
સાથે સૂઈ ગયું છે. એક ક્ષણ ધબકારો ચૂકી ગયા પી.લાલ. સફાળા બેઠા થવા જતા હતા…ને
અચાનક
, એમને બ્લેન્કેટ આખો
જુદી જ સુગંધથી ફોરતો લાગ્યો. ક્યાંકથી ગાડીના બેસૂરા અવાજને બદલે અપાર્થિવ સંગીત
સંભળાવા લાગ્યું. કોઈ સ્ત્રીના અત્યંત રોમાંચક શરીરને એ વીંટળાઈ વળ્યા હોય એમ
લાગ્યું . જે શરીરની એમને સ્મૃતિ હતી તે આ તો નહોતું જ! તો આ…ભ્રમ
? માયા? ભૂતપ્રેત? અર્ધબેભાન અવસ્થામાં જાદુગર કે.લાલની
રહસ્યમય હોય એવી દુનિયામાં પી.લાલ. પેલા અદ્ભુત શરીરની હોડીમાં સરતા રહ્યા. એમનું
લાકડું થઇ ગયેલું શરીર નર્યા ચેતનનો અનુભવ કરવા લાગ્યું…ઠંડી
? કેવી ઠંડી? સુગંધના ફુવારા છૂટતા
હતા. પેલું શરીર ન જાણે શું કરતું જતું
, કે કશું કરતું નહોતું, અને પી.લાલ, શરીરસમુદ્રમાં સરતા રહ્યા….ગાડી
કુક્રૂકુ….છુકરું…છુ…સરકતી રહી. ‘આને ક્યાંય જવા નથી દેવી’ એવા ખ્યાલથી પેલા
અદ્ભુત શરીરની અપ્રતિમ ગંધથી મત્ત બનેલા પી.લાલ. બ્લેન્કેટનું બાળક હોય એમ એને
ચોંટી પડ્યા.સુખના આવા સેલ્લારા એમણે ક્યારેય નહોતા લીધા. યુત વર્ષો સુધી ગાડી આમ
ચાલ્યા જ કરે તો કેવું સારું (૭૭-૭૮)!

એક પરિણીત પુરુષ જ્યારે આધેડ ઉમરે
માત્ર ‘નર’ તરીકેનું સંવેદન અનુભવે ત્યારે એના મનમાં ઊઠતા તરંગો – સાચકલી માનવીય
ઇચ્છાઓ કેવી દેખાય એ જોવા માટેની આ વાર્તા પી.લાલ.ની મનોસ્થિતિને છેક સુધી વળગી
રહે છે. જ્યારે નિદ્રા-ભંગ થાય છે ત્યારે એ સુગંધને આધારે એ સુગંધવાળી
સ્ત્રી-સાથીની શોધમાં ટ્રેનમાં આમથી તેમ ભટકાવે છે. આ વાર્તામાં ટ્રેનના વિવિધ
અવાજો પણ સંભાળવા જેવા છે. કશું જ “હાથ” આવતું નથી ત્યારે છેલ્લે એ સુગંધી
બ્લેન્કેટનું પણ…(ના રે ના…આપડે કંઈ કહેવું નથી…!!! તમે જાતે જ તમારી પોતીકી
એપીફની ઊજવોને!!)    

છેલ્લી વાર્તાનું નામ છે ‘પોસ્ટકાર્ડ
જેટલી (જ) વાર્તા?’
ત્રણ સમાંતર ભાષામાં લખાયેલી અદભૂત વિઝ્યુલ વાર્તા. વાર્તા
‘કહેવાના’ સંદર્ભમાં કોઈને પણ ન કહી શકાય એવી વાચિકમ અથવા તો દૃશ્ય-શ્રાવ્ય
માધ્યમોથી જેની પ્રસ્તુતિ થઇ શકે એવી પ્રયોગશીલ વાર્તા. પ્રથમ પુરુષ એક વચનમાં
લખાયેલી આ વાર્તા સમાંતર વિશ્વો (
Parallel Universe) રચે છે. બ્લોગના મંચ પર  ભાષા-પ્રયુક્તિઓની
દૃષ્ટિએ અને દૃશ્યાવલીના સંદર્ભે પણ આંખ માટેનું સુંદર આંજણ છે. એક બાજુ ગુજરાતી
ભૂલી રહેલાં ચિત્રાંગ સાયબર-ઇંગ્લિશમાં વ્યક્ત થાય છે તો બીજી બાજુ પીળા
પોસ્ટકાર્ડમાં મહેન્દ્રસિંહ પરમારનું સિગ્નેચર લાઘવથી લથપથ ગદ્ય ‘લિ. હું લખું
છું.’ નામના પાત્રની કલમે સજીવન થાય છે. વચ્ચે વચ્ચે બ્લોગના વાચકો આ પોસ્ટકાર્ડ
ઉકેલવાના જે સફળ/નિષ્ફળ પ્રયાસો કરે છે જોવાની પણ મજા આવે છે.

ટપાલપેટીની ગૂમ થયાની ઘટના આપણને
ઊંડે ઊંડે એવી પ્રતીતિ કરાવે છે કે આપણે જે ભાષામાં લાગણીઓ અનુભવીએ છીએ એને એ જ
ભાષામાં સરસ રીતે વ્યક્ત કરી શકવાની શક્તિ ગુમાવી રહ્યાં છીએ. સાયબર ઇંગ્લિશ કે
પછી કહો ગુજલીશની એકદમ પડખે પથરાયેલું લલિત નિબંધવાળું ગદ્ય આપણી અંદર અજવાળું કરે
છે. આ ઉદાહરણો જુઓ:

‘દોસ્ત, મસ્ત શિયાળો છે. સવારે ચાર વાગ્યે આંટો મારવા
નીકળું…ટાઢનું પંખી આકાશમાંથી ઊતરીને ધરતી સરસું ઊડતું હોય
, પાંખો પસારીને! પાર્કમાં જાઉં તો
પાળીતા કૂતરા જેવી ટાઢ આગળ પાછળ
, પાછળ આગળ ફર્યા કરતી હોય (૮૪).’

‘મને બહુ ગમે ટપાલપેટી. જૂની ખખડધજ લાલ
રંગની…શિયાળામાં તો ટાઢીબોળ હોય! થાય, આને પેલી મારી હિમાચલવાળી ગરમ ધાબળી ફરતી
વીંટી દઉં તો? થાય
, અંદર પડેલા પત્રોની એને હૂંફ નહીં લાગતી હોય (૮૫)?’

આ વાર્તામાં પોલીફની છે પણ રંગના
સ્વરૂપે
– poly-visual. બ્લોગના રંગો,
ભાષા અને ગ્રાફિક્સ
,
નોસ્ટાલજિક પીળાં પોસ્ટકાર્ડ અને એમાં વાદળી રંગની શાહીથી કરેલું લાગણી-કામ, બદલાતું
નગર અને નાગરિકો, અંતર્મુખી વ્યક્તિત્વને બહાર લાવતી વાર્તાકારની નાવીન્યપૂર્ણ
પ્રયુક્તિઓ આ વાર્તાને જેને અવગણી ન શકાય એવી આપણા સમયની એક મજબૂત વાર્તા-ફિક્શન
બનાવે છે.    

‘પોલિટેકનીક’નું વાર્તાવિશ્વ આંતર-કૃતિ સંદર્ભો અને
વૈવિધ્યપૂર્ણ ધ્વનિમુદ્રાઓથી (
Polyphony) સજ્જ છે. ઠેર ઠેર જાણે કે કલ્પનો અને વર્ણનોનો ઉત્સવ હોય
એવી કલા-ક્ષણો (
Epiphany) માણવા મળે છે! સાથોસાથ રમૂજ અને
વાસ્તવ-પીડાના સમાંતર વિનિમયથી આપણા
સામાજિક ગાલ પર, આપણી ચાલ પર અને અને આપણા હાલ પર તમાચાઓનો વરસાદ (Cacophony) થાય છે. આ વાર્તાકાર બે પેઢીના વાર્તાકારો વચ્ચે
સેતુ રચે છે ત્યારે એમની પાસેથી નવા નવા વાર્તા-પ્રયોગો મળતા રહે એવી આશા!