શિક્ષણ ‘દર્શન’ (Vision) અને તેનાં ચરિતાર્થ માટે ઉભું કરવામાં આવતું ‘દ્રષ્ટાંત’ (Provision)ના ગુણવત્તાસભર
વ્યવહાર પર નિર્ભર છે. શિક્ષણ દ્વારા જે ‘તત્વ’ સુધી પહોંચવાનું છે એ માટે આપણે છેલ્લાં
લગભગ ૨૫૦ વર્ષમાં એક ‘તંત્ર’
(System)ની રચના કરી છે.
પરંતુ આ ‘તંત્ર’ની મર્યાદા એ છે કે એ પોતે લઘુતમ (વાચન-લેખન-ગણન) નિષ્પતિથી ભાગ્યે
જ આગળ ગયું છે. બીજા શબ્દોમાં કહીએ તો માનવમાં રહેલા પૂર્ણતા ખીલવવામાં તંત્ર
વામણું સાબિત થયું અને ‘પુરુષોત્તમ’ બનવાની ક્ષમતા ધરાવનાર વિદ્યાર્થીઓને આ તંત્રે
વિચારશૂન્ય બનાવે છે એ હકીકત આપણી આસપાસ શાળા-કોલેજમાં ઉછરી રહી છે.  



ઇતિહાસમાં પ્રથમ વખત
કોઈપણ વ્યક્તિ પાસે આજે – ૨૧મી સદીમાં – શીખવાના એટલાં અને એવાં સાધનો ઉપલબ્ધ છે
કે શિક્ષણ નામના ‘તંત્ર’ની અનિવાર્યતા લગતી નથી. આમ પણ શિક્ષણની કોઈપણ વ્યવસ્થાની
સફળતા અને અસરકારકતા ત્યારે જ ગણાય જ્યારે ધીમે ધીમે શીખનાર એના પર નિર્ભર
રહેવાનું બંધ કરે. કાયમ સાયકલનું કેરિયર પકડી રાખનાર બાપ એના દીકરાને સાયકલ કેવી
રીતે શીખવી શકે? પાયાનું વાચન-લેખન-ગણન શીખતી વખતે જો કુતુહુલતાને સજીવન રહેવા
દેવામાં આવે તો વ્યક્તિ ‘સ્વશિક્ષણ’ની દિશામાં એકલ પંડ્યે યાત્રા માંડી શકે એમાં
કોઈ જ શંકા નથી.

સ્વશિક્ષણ એટલે શું?

આપણે એકલવ્યની શિક્ષણ
પ્રક્રિયાથી પરિચિત છીએ પણ અત્યારે લાખો ‘એકલવ્ય’ યુ-ટ્યુબ પર હજારો બાબતો પોતાની
જાતે શીખી રહ્યા છે એમને ક્યારે વધાવીશું! ‘સ્વ-શિક્ષણ’ની પ્રક્રિયાના કેટલાક
લક્ષણો નીચે પ્રમાણે તારવી શકાય:

§  શીખનાર જ્યારે
પોતે જ પોતાના
શીખવાની પ્રક્રિયાની જવાબદારી લે, અન્ય વ્યક્તિ, સાધન કે વ્યવસ્થાનો ખપ પૂરતો ઉપયોગ કરે પણ
તેનાં પર નિર્ભર ન રહે
, શીખવાની દિશા, પદ્ધતિ અને ગતિની પસંદગી જાગૃતિપૂર્વક કરે અને
પછી તેને નિભાવે
; અને ભૂલ કરવાની
સ્વંત્રતા ભોગવે ત્યાં સ્વશિક્ષણ થયું કહેવાય.

§  સ્વશિક્ષણ એક એવી
યાત્રા છે જેમાં શીખનાર જરૂર પ્રમાણે કોઈ જગ્યાએ વધુ રોકાય
, ક્યાંક ઉતાવળ કરે અને ક્યાંકથી નાસી પણ છૂટે. એ
આ બધું એની પોતાની શીખવાની ઉત્કટતાને આધારે નક્કી કરે.

§  સ્વશિક્ષણ કશીય
હો-હા વગર
, સ્પર્ધા અને ભયની
ગેરહાજરીમાં ‘સ્વ’ને રૂપાંતરિત કરવાની શાંત મથામણ છે. 


શું સ્વશિક્ષણ નવી બાબત
છે? ના. હકીકતે તો સ્વશિક્ષણ જ મૂળભૂત છે. આપણે ઔપચારિક શિક્ષણ મેળવ્યા પછી આજીવન
સ્વશિક્ષણ દ્વારા જ શીખતા રહીએ છીએ. આપણે ત્યાં ‘સા વિદ્યા યા વિમુક્તયે’નો જે
ખ્યાલ છે એ વિદ્યા દ્વારા મૂક્તિની વાત કરે છે. પણ, વિદ્યા આપનાર તંત્ર જો બોજો
બની જાય ત્યારે એમાંથી પણ મૂકતી મેળવીને જાતે શીખવાની શરૂઆત કરવી પડે. વિનોબાજીએ
આપણી દાર્શનિક પરંપરાની ‘સ્વાધ્યાય’ સંકલ્પનાને સવિશેષ માંજી છે. સ્વશિક્ષણના
ખ્યાલની આસપાસ કેટલીક સંજ્ઞાઓ અને પ્રકલ્પો વર્ષો જોવા મળે છે અને સમયાંતરે એમાં
વધારો થઇ રહ્યો છે. જેમ કે:

§ 
Autodidact
એટલે કે સ્વશિક્ષિત
માણસ. ૧૨મી સદીની એક અરેબીક નવલકથા –
The History
of Havy Ibn Yaqzan
નો હીરો આવો સ્વશીક્ષિત હતો. આવા જ સંદર્ભો આપણને જેક લંડનની Martin Eden, સાર્તેની Nausea,
જ્યાક રેન્સીરની The Ignorant School Master, મેટ ડેમનની Good
Will Hunting
જેવી કૃતિઓના પાત્રોમાં જોવા મળે છે. માત્ર કાલ્પનિક પાત્રો
જ જાતે શિક્ષિત થાય છે એવું નથી ૨૦મી સદીના જાપાનના જાણીતા આર્કિટેક્ટ ટાડાઓ એન્ડુ
પણ જાતે આર્કિટેક્ચર ભણેલા.

§ 
પ્રિન્ટીંગ પ્રેસની શોધ અને ઔદ્યોગિક ક્રાંતિ
પછી પુસ્તકો દ્વારા સેંકડો લોકો જરૂરી માહિતી, જ્ઞાન અને સમજણ મેળવતા થયા અને આજે
પણ જાતે શીખવાની પદ્ધતિ તરીકે ‘વાચન’ આજે પણ મહત્વનું અને ગૌરવશાળી પાસુ ગણાય છે.

§ 
શિક્ષણ વ્યવસ્થાની મૂખ્ય ધરામાં Distance
Learning
અથવા Open
School/University
પણ સ્વશિક્ષણની જ
એ શાખા છે એમ કહી શકાય કારણ આવી વ્યવસ્થાઓમાં વિદ્યાર્થીઓએ મહદંશે જાતે ભણતા હોય
છે.

§ 
છેલ્લાં વર્ષોમાં આપણે Learner
Autonomy
જેવા ખ્યાલો પર વિધિવત કામ કરવા લાગ્યા છીએ જેમાં
વિદ્યાર્થીઓને મહત્તમ સ્વાયત્તતા મળે એવું વાતાવરણ તૈયાર કરવા માટે સંશોધન અને
પ્રકાશનો થઇ રહ્યા છે.

§ 
એવી રીતે ઔપચારિક શિક્ષણની મર્યાદા અને
વ્યર્થતાએ
Homeschooling/Unschooling/Deschooling
જેવી નાની પણ
મહત્વની ચળવળોને જન્મ આપ્યો છે. આજે ગુજરતના કોઈપણ શહેરમાં એવા ૮-૧૦ વાલીઓ મળે છે
જે એમના બાળકોને શાળા/કોલેજોએ મોકલતા નથી અને ‘સ્વશિક્ષણ’ની દિશાઓ ખોલી આપે છે.

§ 
યુ-ટ્યુબ દ્વારા આજે રોજબરોજના જીવન ઉપયોગી
કરોડો વિડીયો ઉપલબ્ધ છે જને
Do It Your Self (DIY Videos)
કહેવામાં આવે છે.
કોઈપણ વ્યક્તિએ કંઈ પણ (નવી હેર સ્ટાઈલ, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, કડિયાકામ, રસોઈ,
મોટરગાડી રીપેર કરતા, જાહેર વક્તવ્ય કેમ અપાય, વગેરે) શીખવું હોય તો આ વ્યવસ્થા
આંગળીના ટેરવે ઉપલબ્ધ છે.

§ 
Alliance for Self-Directed
Education
એક એવી સંસ્થા છે જે દુનિયાભરમાં સ્વશિક્ષણ
માટે વિવિધ પ્લેટફોર્મ્સ પૂરા પાડે છે.
 

§ 
Alternative Education
/ વૈકલ્પિક
શિક્ષણ એક એવો ખ્યાલ છે જેમાં લોકો નાના સમુદાયમાં ભેગા મળીને પોતાના સંતાનોને
ઔપચારિક માળખાની બહાર ભણતા કરે છે. ભારતમાં આજે આવા ૨૪૦ એકમો છે જે આ જ મોડેલ પર
કામ કરે છે જેમાં બાળકો કે એમના માર્ગદર્શકો કોઈપણ પ્રકારના સરકારી અભ્યાસક્રમ,
પરીક્ષા, બોર્ડ, માર્કશીટ વગર માત્ર શીખે છે! આ વાત એટલે સુધી સ્વીકૃત બની છે કે આ
જ મોડેલ પર રાજસ્થાનમાં ‘સ્વરાજ યુનિવર્સિટી’ બની છે.

§ 
Massive Open Online Courses (MOOCs) એક એવી વ્યવસ્થા
છે જેમાં દુનિયાની ૧૨૦૦ કરતા વધુ યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને નિશુલ્ક કોર્સ કરાવે
છે જેમાં વિદ્યાર્થીઓએ જે શીખવું હોય એ જાતે શીખી શકે – અને એ પણ કોઈપણ પ્રકારની
પ્રીક્વોલિફિકેશન વગર! છેને મજેદાર!

§ 
છેલ્લા એક દાયકામાં Start-upsનું જોર વધ્યું
છે. જે યુવાનો ઉદ્યોગ સાહસિક બનવા માગે છે એ પોતે જે તે ક્ષેત્રનું એટલું ગહન
અધ્યયન કરે છે કે સમયાંતરે એમાં તજ્જ્ઞ બને છે. મોટા ભાગના આવા ઉદ્યોગસાહસિકો પોતે
ઔપચારિક વ્યવસ્થામાં જે ભણ્યા છે તેનાથી તદ્દન જુદા ક્ષેત્રોમાં સફળ થાય છે. આવું
એટલા માટે શક્ય છે કારણકે આ સમગ્ર પ્રક્રિયાના પાયામાં સ્વશિક્ષણ છે.

ઔપચારિક શિક્ષણ
અને સ્વશિક્ષણ વચ્ચેનો તફાવત:

ઔપચારિક શિક્ષણ
‘પ્રતિક્રિયાત્મક’ (
Reactive) હોય છે જેમાં
શિક્ષક જ્યારે ભણાવે છે ત્યારે વિદ્યાર્થીઓ તેની શાબ્દિક કે વૈચારિક પ્રતિક્રિયા
આપે છે. ઘણી વખત વિદ્યાર્થીઓ શિક્ષકે બોલેલા શબ્દોને ભળતાં શબ્દો મનમાં ધારી લે
અને તેને ‘આવડ્યું’ છે એમ માની લે છે. જ્યારે સ્વશિક્ષણ ‘પ્રતીતિ-પ્રધાન’ (
Realization) છે. જાતે શીખતી વખતે વિદ્યાર્થીએ પ્રત્યેક બાબતની
પ્રતીતિ-અનુભૂતિ કરવી પડે અને એમાંથી જ જે બાબતો માટે એનામાં આત્મવિશ્વાસ કેળવાય
છે. આ પાયાના તફાવત ઉપરાંત નીચે આપલે ૧૦ બાબતો ઔપચારિક અને સ્વસ્વશિક્ષણને જુદા
પાડે છે:  

ઔપચારિક

સ્વશિક્ષણ

૧) ભય 

૧)
આનંદ 

૨) સ્પર્ધા

૨) સહકાર

૩) અહંકાર

૩) નમ્રતા

૪)
યાદશક્તિ

૪)
વિચારશક્તિ 

૫) તણાવ

૫) નિરાંત

૬)
પરિણામકેન્દ્રી

૬)
પ્રક્રિયાકેન્દ્રી

૭)
પરિવર્તન 

૭)
રૂપાંતરણ

૮) દ્વૈત  (શિક્ષક-વિદ્યાર્થી અલગ હોય)

૮) અદ્વૈત (શિક્ષક-વિદ્યાર્થી
એક જ હોય)

૯) શબ્દો

૯) નક્કર
અનુભવો

૧૦) બુદ્ધિ

૧૦) ચેતના

 

આજનો વિદ્યાર્થી ઔપચારિક
શીક્ષણમાં ખૂબ જ ભય અને સ્પર્ધા અનુભવે છે જેને પરિણામે જો એ સફળ થાય તો અહંકારી
બને અને નિષ્ફળ જાય તો તણાવમાં સરી જાય છે. કારણકે આપણે શૈક્ષણિક પરિણામને જ
વ્યક્તિની આવડતની અંતિમ સાબિતી ગણીએ છીએ એટલે આ આખીય વ્યવસ્થા માત્ર ‘યાદશક્તિ-કેન્દ્રી’
બની ગઈ છે એટલે શિક્ષકો અને શાળાઓ વિદ્યાર્થીઓની વિચારશક્તિ ખીલવવામાં નિયમિત
નિષ્ફળ જાય છે. વધુમાં વધુ ઔપચારિક શિક્ષણ વિદ્યાર્થીઓને વર્તનમાં થોડું પરિવર્તન
લાવી શકે છે જે તેના સમગ્ર અસ્તિત્વનો બહુ જ નાનકડો ભાગ છે. આપણે અગાઉ જોયું તેમ
હકીકતે તો આપણે ‘સ્વ-રૂપાંતરણ’ સુધી જવાનું છે અને માનવીય ક્ષમતાઓનું ઉર્ધ્વીકરણ
કરવાનું છે. કોશેટાને લાંબો કે ટૂંકો કરવો એ પરિવર્તન છે પણ એનું પતંગિયું બને છે ત્યારે
એનું સ્વરૂપાંતરણ થાય છે. આપણી શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ શિક્ષકો પર એટલા બધા
નિર્ભર હોય છે કે ‘શીખનાર’ અને ‘શીખવનાર’ એમ બે ભાગ પડી જાય છે. પણ સ્વશિક્ષણમાં
કોઈ વ્યક્તિ જ્યારે પોતાનાં શિક્ષણની જવાબદારી લે છે ત્યારે એક એવો અદ્વૈત રચાય છે
જેમાં શીખનાર અને શીખવનારનો ભેદ ઓગળી જાય છે. તદુપરાંત, જાતે શીખનાર વ્યક્તિ માટે
વિષય અને વિદ્યાશાખાના વાડાનો ભેદ પણ રહેતો નથી. આ અર્થમાં પણ સ્વશિક્ષણ
વિદ્યાર્થીની ચેતનાનો અને એના દ્વારા એની અસ્મિતાનો વિસ્તાર કરે છે. કદાચ એ
અર્થમાં જ ‘અહમ બ્રહ્માસ્મિ’ એ ખ્યાલ વધુ ઉપયોગી લાગે છે જેમાં પ્રત્યેક વ્યક્તિ
કોઈપણ ભેદ વગર કણ-કણ સાથે પોતાને જોડી શકે.

સ્વ-શિક્ષણ માટે
તૈયાર થવું હોય તો શું કરવું પડે?

જ્યારે ચોતરફ પરીક્ષા અને
માર્ક્સકેન્દ્રી શિક્ષણ તરફનો ઝુવાળ છે ત્યારે સ્વશિક્ષણ માટે કોઇપણ વિદ્યાર્થી કે
વ્યક્તિએ તૈયાર થવું હોય તો પાંચ બાબતો અનિવાર્ય છે:

1.     
સાહસ: ઔપચારિક શિક્ષણ
– શાળા/કોલેજમાં ગયા વગર અથવા તો છોડીને તેના વિકલ્પમાં વધુ મહેનત કરીને પોતાનાં
શિક્ષણની સંપૂર્ણ જવાબદારી લેવાની છપ્પનની છાતી. પોતાનાં જ પરિવાર અને સમાજને ‘સ્વ-શિક્ષણ’
શક્ય છે એ સમજવવાની નૈતિક-નમ્ર-સ્પષ્ટ હિંમત. દરેક પ્રકારની નિષ્ફળતા મળી શકે એ
તૈયારી સાથેનું સાહસ. સરેરાશ સમાજ આવું સાહસ કરવાનું પસંદ કરતો નથી અને કોઈ કરે તો
એને પ્રોત્સાહન પણ આપે નહીં.

2.     
નાફરમાની: બહુમતી હમેંશા
સાચી હોતી નથી એટલે શીખવાનું વિજ્ઞાન સમજાય જાય ત્યારે ગમે તેવા મોટા સામાજિક દબાણને
‘ના’ પાડવી પડે. ઔપચારિક શિક્ષણની વ્યર્થ બાબતોમાં ન જોડાવું. આમ પણ શિક્ષણનું કામ
સ્થિરતાને પ્રશ્નો પૂછતા થાય એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાનું છે. પણ એ કામ ઔપચારિક
શિક્ષણ ન કરી શકે તો સ્વશિક્ષણએ કરવું પડે –
Reject and
Reform.

3.     
જિન્દાદીલી: સ્વશિક્ષણ માટે
વધુ તન્મયતાથી જોડાવું પડે એમાં કશું પણ અધકચરું ચાલે નહીં. જુદા શબ્દોમાં કહીએ તો
અહિયાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૧૦૦ માર્ક્સ જોઈએ! શરીર-મન-હૃદય અને ચેતનાની
સમગ્રતા સાથે કોઈપણ પ્રવૃત્તિમાં જોડાય શકાય તો એ સ્વશિક્ષણ જ છે. ઉદારહણ તરીકે,
ભક્તિમાર્ગ પર ચાલનારા સૌ સ્વશિક્ષણ માટે જરૂરી જિન્દાદિલીના પ્રેરણાસ્રોત છે. આ
જિન્દાદિલી જ વિદ્યાર્થીને શીખવાની પ્રક્રિયામાં આનંદ આપે છે.

4.     
લવચીકતા: ઔપચારિક શિક્ષણની
‘જડતા’માંથી કે વૈકલ્પિક અને સ્વશિક્ષણનો જન્મ થાય છે. એટલે શાળા કોલેજ છોડીને
પોતાની જાતે અભ્યાસ કરનારને શીખવાની પ્રક્રિયાના ભાગરૂપે જ્યારે પણ શાળા-કોલેજ જરૂરી
લાગે તો એમાં પૂનઃ આંશિક કે સંપૂર્ણ રીતે જોડાઈ શકે. કોઈપણ બાબત શીખવા માટે જે
પદ્ધતિ જરૂરી લાગે એના માટે પોતાને, પોતાની ટેવો અને ભૌતિક સાધન-સુવિધાઓમાં ફેરફાર
કરવાની નિયમિત તૈયારી રાખવી.

5.     
સ્વમૂલ્યાંકન: જેમ ઔપચારિક
શિક્ષણમાં મૂલ્યાંકન માટે પરીક્ષા છે એમ સ્વશિક્ષણમાં વિદ્યાર્થી પોતે એવી પદ્ધતિઓ
વિકસાવવી પડે જેનાથી એ સ્વમૂલ્યાંકન કરી શકે. વળી, જો જરૂરી લાગે તો સ્વમૂલ્યાંકનની
વિશ્વસનીયત ચકાસવા અન્ય વ્યક્તિ કે વ્યવસ્થાની મદદ લેવા તૈયાર રહેવું પડે.

સ્વશિક્ષણના
કેટલા વિકલ્પો છે?  

સ્વશિક્ષણનો આ ખ્યાલ આપણે
સૈધાંતિક રીતે સ્વીકારીએ તો પણ આ માર્ગ પર ચાલવું અઘરું તો છે જ. આમ છતાં, અશક્ય
નથી. માલવિકા જોશી નામની એક મહારાષ્ટ્રની વિદ્યાર્થીનીએ (જટ ગુગલ કરો!) સાતમાં
ધોરણ પછી શાળા છોડીને સ્વશિક્ષણની યાત્રા આરંભી. દસમાં કે બારમાં બોર્ડની એકપણ
પરીક્ષા આપી નથી એટલે એની પાસે એવી કોઈ માર્કશીટ જ નથી. આમ છતાં, માત્ર આવડતને
આધારે
MIT નામની દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ
એન્જિનિયરીંગ પૂરું કર્યું અને અત્યારે યુનિવર્સિટી ઓફ બર્કલેમાં
PhD
કરી રહી છે.

§ 
જો વાલી સ્પષ્ટ હોય અને એનાં સંતાન સાથે સ્પષ્ટ
સંવાદ કરીને નક્કી કરે તો શાળાએ જવું જ નહીં અને સ્વશિક્ષણ મેળવવું.

§ 
શાળા અને કોલેજ જ્યારે પણ શીખવાની તત્પરતા સામે
નાના લાગે ત્યારે હિંમતપૂર્વક છોડી દેવા.

§ 
કોઈને શાળા કે કે કોલેજનું વિષયવસ્તુ યોગ્ય
લાગે પણ ભણાવવાની પદ્ધતિઓ બરાબર ન લાગતી હોય તો એ જ વિષયવસ્તુને જાતે કેમ શીખી
શકાય એની તરેહો શોધી કાઢવી.

§ 
શાળા કે કોલેજનું શિક્ષણ બરાબર લાગતું હોય તો
એને છોડ્યા વગર એ ઉપરાંત શું શું શીખી શકાય એ નક્કી કરીને ઓનલાઈન કે ડીસ્ટન્સ
લર્નિંગના માધ્યમ દ્વારા સ્વશિક્ષણ મેળવવું.

ટેકનોલોજીએ જ્ઞાનનું જે
હદે લોકશાહીકારણ કર્યું છે એ જોતા એમ ચોક્કસ માની શકાય કે આજે સ્માર્ટ ફોન ધરાવનાર
કોઈપણ વ્યક્તિ ૨૦૦ વર્ષ પહેલાના કોઈપણ રાજા કરતા વધુ શક્તિશાળી છે. આજની શાળા અને
કોલેજોમાં વિદ્યાર્થીઓને ભણવાનો જે કંટાળો આવે છે એનું એક કારણ આ પણ છે કે લેટેસ્ટ
અને સંપૂર્ણ માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે અને એની સામે અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો
અને શિક્ષકો ઘણું જૂનું અને અધ્રુરું ભણાવે છે. આ સંદર્ભે પણ ૨૧મીના એકલવ્યને ગુરુ
દ્રોણ (ઔપચારિક શિક્ષણ) ભણાવવાની ‘હા’ પાડે તો ખરેખર એકલવ્યને નફામાં નુકશાન જવાની
સંભાવના વધુ છે. એનાં બદલે આ પ્રકારની કોઈ વ્યવસ્થા પાસે ગયા વગર જ સ્વશિક્ષણના
અનેક વિકલ્પો દ્વારા જ શીખવાની પ્રક્રિયાનો લુત્ફ ઉઠાવી જાણવો હિતાવહ લાગે છે!
તમને કેમ લાગે છે?

*

કોડિયુંમાંથી સાભાર