[ફિલ્ટર એટલે સોશ્યલ મીડિયા પર ફોટો મુકતા પહેલાં એને
શક્ય તેટલો રૂપાળો
, દેખાવડો, ગોરો,
અને યુવાન બનાવતી ટેકનોલોજી] 

આમ તો યુવક-યુવતીઓની પોતાને વધુ
બહેતર દેખાડવાની ચાહત સદીઓ જૂની છે પણ સોશ્યલ મીડિયા આવતા એની તીવ્રતામાં ખૂબ
વધારો થયો છે. કોઈપણ વ્યક્તિ વધુ સુંદર અથવા તો આકર્ષક દેખાવા પ્રયત્ન કરે એ સહજ
છે
, આવું પ્રકૃતિએ લગભગ બધાં પ્રાણીઓમાં રાખ્યું છે. પણ, માણસ જેનું નામ; એણે ટેકનોલોજીની મદદથી અભૂતપૂર્વ “સૌંદર્ય” હાંસલ કર્યું છે પણ એની કિંમત
ચૂકવી છે.

છેલ્લાં ૨૫ વર્ષમાં યુવાનોમાં
માનસિક બીમારીઓ ૭૦% વધી જેને માટે સંશોધકો સોશ્યલ મીડિયાને, એમાં પણ
ઇન્સ્ટાગ્રામને વધુ જવાબદાર માને છે. આના લીધે થઈને યુવાનો આજે બે મોટી બીમારીઓથી
પીડાઈ રહ્યાં છે: ૧) વધુ/ઓછું જમવાની જેથી વજન બરાબર જાળવી શકાય અને ૨) પોતાનું
શરીર બરાબર નથી એવી લઘુતાગ્રંથિ.
કોરિયામાં અત્યારે યુવતીઓમાં એક
કરતાં વધુ પ્લાસ્ટિક સર્જરી કરાવવી એ સામાન્ય બાબત છે અને કેટલાક કિસ્સાઓમાં
મા-બાપ જ દીકરીઓને આ દિશામાં દોરી જાય છે.

*

ચાલો, હું તમને પૃથા નામની
૧૬ વર્ષની છોકરીને મળાવું. પૃથા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટીવ છે
.
એની ઉમરની સુંદર છોકરીઓને ઇન્સ્ટાગ્રામ પર સતત જોઈને એને એમ થાય છે કે બધી છોકરીઓ
એનાં કરતાં વધુ દેખાવડી છે. એમાંની કેટલીક છોકરીઓ કસરત કરીને તો કેટલીકને વારસાગત
સુંદરતા મળી છે. પણ મોટા ભાગની કોઈને કોઈ ફિલ્ટરનો ઉપયોગ કરીને પોતે છે એનાં કરતાં
વધુ દેખાવડી અને ગોરી બનીને ઇન્સ્ટાગ્રામમાં “રજૂ” થાય છે. પૃથા પણ ધીમે ધીમે આ
બધાં ફિલ્ટરનો ઉપયોગ કરવા લાગી એમ માનવા લાગી કે, “હું ઇન્સ્ટાગ્રામ પર જેવી
દેખવું છું ખરેખર એવી જ સુંદર છું.” પણ વિરોધાભાસ ત્યારે સર્જાય છે જ્યારે એ બહાર
નીકળે છે! એની સુંદરતાનો જેવો પ્રતિભાવ એને ઇન્સ્ટાગ્રામ પર મળે છે એવો વાસ્તવિક
જીવનમાં મળતો નથી. કારણકે પૃથાને ગમે કે ન ગમે એ સોશ્યલ મીડિયા પરની છબી જેટલી
સુંદર નથી. આપણે કોઈ નથી. પૃથા મુંજાય છે કે હવે શું કરવું? એટલે એ બહાર નીકળવાનું
બંધ કરે છે અને વધુને વધુ ઇન્સ્ટાગ્રામ પર સમય ગાળે છે. પૃથા હવે બીમાર છે; એને
લઘુતાગ્રંથિ કોરી ખાય છે. ગમે તેમ કરીને વધુ સુડોળ શરીર, લીસી-ગોરી ચામડી અને
ગુલાબી હોઠ કરવા માટે એ હવાતિયા મારે છે.

જે હેતુ માટે આ બધાં જ ફિલ્ટર
રચાયા છે એ હેતુ આખરે પૃથા સુધી પહોંચી જાય છે. સ્તનનું કદ વધારવા માટેની ગોળીઓ
,
લીસી-ગોરી ચામડી કરવા માટેના લોશન અને ગુલાબી હોઠ કરવા માટેની સર્જરીની આકર્ષક
સ્કીમ! હવે પૃથા શું કરશે? વિચારો.

*

ટીગન અને કેઈશા સેમ્પ્સન નામની બે
જુડવા બહેનો અનુભવ્યું કે ઇન્સ્ટાગ્રામ પર સતત અન્ય છોકરીઓ સાથે પોતાની સરખામણી
કરવી, ફિલ્ટરનો ઉપયોગ કરીને જેવા નથી તેવા દેખાવું અને કાયમ એનાં તણાવમાં રહેવું એ
બરાબર નથી. બંને બહેનોએ નક્કી કર્યું કે આપણે છોકરીઓ અને મહિલાઓને જાગૃત કરવી જોઈએ
કે ફિલ્ટરનો ઉપયોગ એમને કેવા માનસિક બીમાર બનાવી શકે છે! આ બહેનોની ક્રાંતિનું નામ
છે
#AsShels. ૬૦ દેશની કુલ ૧ કરોડ
મહિલાઓ આમાં જોડાઈ છે! એમનું એક સરસ
TED વ્યાખ્યાન સમાંભાળવા જેવું છે.


હવે પ્રશ્ન એ થાય કે આ છોકરીઓ આ
ક્રાંતિમાં શું કરે છે? એ લોકો ઇન્સ્ટાગ્રામ પર જ પોતના ફિલ્ટર કર્યા વગરના ફોટો
મૂકે છે – કોઈને ચેહરા પર ખીલ હોય તો એવો ફોટો
, કોઈનું વજન વધારે હોય
તો એવો ફોટો અને કોઈનો રંગ શ્યામ હોય તો એવો – ટૂંકમાં જેવા છે એવા જ ફોટો મુકવાના
અને નીચે આવું કરવાથી એમને કેવો અનુભવ થયો એના વિષે એક-બે વાક્યો લખવાના અને
#AsShels લખવાનું. આ ક્રાંતિ કરોડો છોકરીઓને માનસિક તણાવ રહિત સહજ
કેમ રહી શકાય એનો અનુભવ કરાવે છે. અત્યારે
ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર તમે ‘લીવ લાઈફ અનફિલ્ટર્ડ’
સર્ચ કરશો તો ખ્યાલ આવશે કે કેવી હૃદયસ્પર્શી વાતો એમાં કરી છે.

આપણું શરીર આપણને જીવનમાં સારા કામ
કરવા માટેની જરૂરી ઊર્જા આપે છે પણ જો આપણે આપણા જ શરીરના દેખાવને લઈને માનસિક
બીમાર થઇ જઈએ તો કોઈપણ કામ ન કરી શકીએ. આનો અર્થ એ બિલકુલ નથી કે યુવતીઓએ સુંદર
બનાવવા કશું જ ન કરવું – કસરત કરવાની
, પૌષ્ટિક આહાર લેવાનો અને સરસ ઊંઘ
લેવાની. પણ
, આ ત્રણેય વસ્તુઓ કર્યા વગર માત્ર
ફિલ્ટરના ઉપયોગથી જ કાલ્પનિક સૌંદર્ય ફોટાના સ્વરૂપે પ્રાપ્ત કરવું એ આપણા
સર્વાંગીણ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે એ સાબિત થયું છે ત્યારે આપણે ચેતીએ.

શું માત્ર કિશોરીઓ અને યુવતીઓ જ ફિલ્ટરનો ઉપયોગ કરે છે? ના.
કિશોરો અને યુવાનો પણ આ જ રસ્તે આગળ વધી રહ્યાં છે. પણ
, હાલ માનસિક બીમારીઓના જે આંકડાઓ સામે આવી રહ્યાં છે એમાં
મહત્તમ કિશોરીઓ અને યુવતીઓ જ છે એટલે આ ક્રાંતિ (
#AsShels) એમને અગ્રીમતા આપે છે. Our Bodies are Not an Image નામના એક TED વ્યાખ્યાનમાં મેરી જેલ્કોવ્સ્કી
કહે છે કે ૯૬% મહિલાઓ પોતાનાં દેખાવથી સંતુષ્ટ નથી! આ કેટલું ખતરનાક છે!!

આટલું જાણીને કોઈ મા-બાપ પોતાની દીકરી પાસેથી સ્માર્ટ-ફોન
છીનવી લે અથવા તો સોશ્યલ મીડિયા એકાઉન્ટ ડીલીટ કરાવી દે તો આપણે આ મુદ્દાની
ગંભીરતા બરાબર સમજી નહીં કહેવાય! આનો રસ્તો દીકરીઓ પર નિયંત્રણો નાખવા એ નથી. પણ
એને પોતાનાં દેખાવ અંગેના ગાંડપણ અને અન્ય ફિલ્ટરવાળી છોકરીઓ સાથેની સરખામણીમાંથી
કેમ બહાર કાઢી શકાય એ સંવાદ સાધાવનો છે. આપણે એમને ત્રણ બાબતો સમજાવી શકીએ:

1.    ઇન્સ્ટાગ્રામ પર ફિલ્ટરનો ઉપયોગ
આપણને નકલી જીવન જીવવા મજબૂર કરે છે આપણે બીમાર બનીએ છીએ.

2.    કોઈપણ સમયે નકલી સૌંદર્ય કરતા સારું
સ્વાસ્થ્ય જ વધુ મહત્વનું છે.

3.    આપણું માનસિક સ્વાસ્થ્ય ઇન્ટરનેટ
નહીં પણ આપનું આંતર-નેટ, આપણો માયલો નક્કી કરે એ વાજબી છે.

ચાલો, આપણે બધાં જ ‘અનફિલ્ટર્ડ’ જીવન જીવવાની દિશામાં
આગળ વધીએ.
 

*