2020માં પ્રકાશિત પુસ્તક ‘The Happiest Man on Earth: The Beautiful Life of an Auschwitz Survivor’ એક એવા માણસની સ્મૃતિકથા છે કે જે હિટલરનાં કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી ભાગીને જીવી શક્યો.




નાત્ઝી જર્મનીની આ કથા અંદરથી હચમચાવી નાખે તેવી તો છે જ પણ સાથોસાથ આપણા જીવનના ઉતાર ચડાવમાં કેમ પ્રજ્ઞાને સ્થિર રાખીને ખુશ રહી શકાય તેની કેટલીક પાયાની અને માનવીય વાતો કરે છે. જેમ કે,

જે છે એનાં માટે ઈશ્વરનો આભાર માનીને કૃતજ્ઞ બનીએ કારણકે આપણે જે પ્રકારનું જીવન જીવીએ છીએ, જેવા લોકો સાથે રહીએ છીએ એવું કરોડો લોકોને મળ્યું જ નથી અને મળશે પણ નહીં. લેખક જાકુ કહે છે, “Family first, family second, and family at the last.” જીવનને જો સુંદર બનાવીએ તો જ એ સુંદર છે. એટલે કે સુખ એ અકસ્માત નથી પણ આપણી વ્યક્તિગત પસંદગી છે. દરેકની અંદર, અરે અજાણ્યામાં પણ સારપ રહેલી છે એ શ્રદ્ધા ગુમાવવાની નથી. ગમે તેવો પીડાદાયક ભૂતકાળ હોય તેને ત્યજીને આજે – અહીં જ જીવવામાં મજા છે. આપણે આજે જીવતા છીએ એ કંઈ નાનીસુની વાત છે! લાખો લોકોને હિટલર ગળી ગયો; પણ આપણે છીએ. માટે મહત્તમ સદભાવ, સેવા અને પ્રેમથી જીવીએ.
અને જીવનનો સાચો ધબકાર સાચુકલા સંબંધો છે. એ કહે છે કે “એક સારો મિત્ર એટલે મારે મન આખું વિશ્વ.” ફોલોવર્સ ગમે તેટલા હોય, વખાણ કરનારાના ભલે ટોળેટોળા હોય પણ જેની સામે છાતી ફાડીને રડી શકાય એવો મનેખ મળે એટલે એને ઈશ્વરકૃપા જ ગણવી. જેને તમે ચાહો છો એની સાથે વધુમાં વધુ રહો, સુંદર સંસ્મરણોથી મોટી કોઈ મૂડી નથી. ૧૦૦ વર્ષે પથારીમાં પડ્યા પડ્યા જે જીવાય છે એ તો સંસ્મરણો જ છે. જાકુ કહે છે કે, “દુઃખ વહેંચાય ત્યારે અડધું થાય અને સુખ વહેંચાય ત્યારે બમણું” માટે દોસ્ત, share & care!
એક બહુ જ પાયાની અને શીરાની જેમ ગળે ઉતરે એવી છતાં પણ ખૂબ અઘરી વાત કરતા જાકુ કહે છે કે જેવા છીએ એવા જ અસ્સલ પ્રગટ થઈએ. સમાજની અપેક્ષાઓ પ્રમાણે કે એના બીબામાં મન મારીને ફીટ થવામાં કંઈ સારાવાટ નથી. એ દુઃખને નોતરું આપે છે. આપણી મર્યાદાઓ છે તો છે. આપણે ભગવાન નથી. ટૂંકમાં આપણે આપણા તુંબડે તરવાનું છે.
જીવનમાં કશોક હેતુ હોય – કંઇક સારું કરવાની ભાવના હોય તો મસ્ત જીવી જવાય છે. હેતુ વગરનું જીવન, સરનામાં વગરની ટપાલ બની જાય છે. સફળતાનું છીછરાપણું સમજવા માટે સાર્થકતાને ભેટીએ.
જીવનમાં જે કંઈ સિદ્ધ કરવું છે એ બધું જ તો જ થશે જો આપણે આપણું ધ્યાન રાખીએ. શરીર અને મનની તંદુરસ્તી આપણા જ હાથમાં હોય છે અને હોવી જોઈએ. આપણને ગમતી પ્રવૃત્તિઓ માટે સમય કાઢીને મન પરોવીએ તો બીમારીને દૂર રાખી શકીશું.
શાંત નદી જેવું આ પુસ્તક ઊંડું છે અને આપણને ઊંડે ઊંડે હાંશકારો આપનારું છે! વાંચો! વહેંચો!