તમે ક્યારેય સાંભળ્યું છે કે આર્મીની તાલીમ ઘેર બેઠાં બેઠાં લઈ શકાય? જેમાં તમને પ્રમાણપત્ર તો ફૂલ-ટાઈમનું મળે પણ તમારે તાલીમ લેવા જવાનું જ નહીં! આવું શરુ કરીએ તો શું થાય? પણ હાલ શિક્ષક બનવા માટે રેગુલર્લી ઈરરેલ્ગ્યુલર બી.એડ. વ્યવસ્થા ઉપલબ્ધ છે; તો દેવીઓ ઔર સજ્જનો આઈએ…ઔર ઈસ શાનદાર ઓફરકા લાભ લીજીએ..!
બી.એડ. કોર્સ માટે તમારે કોલેજને ફૂલટાઈમની “ફી” આપવાની અને માત્ર પરીક્ષા આપવા જ જવાનું (ખાસ કિસ્સાઓમાં એમાંથી પણ મુકતી આપવામાં આવશે). તમે કોઈ ખાનગી શાળામાં ફૂલ-ટાઈમ નોકરી કરતા કરતા આ ફૂલ-ટાઈમ બી.એડ. પણ કરી શકો હો! તમારી હાજરી બંને જગ્યાએ બોલે એમાં શું વાંધો?? Welcome to the multiverse!

જેમને ઈઝરાઈલ-હમાસ યુદ્ધમાં વધુ રસ છે પણ પોતે જે દારૂખાનાના ઢગલા ઉપર બેઠાં છે એની કશી જ ગતાગમ નથી એવા “ભોળા” નાગરીકોને સરળ ભાષામાં સમજાવીએ: જુઓ, સામાન્ય રીતે શિક્ષક બનવા માટે બી.એડ.નો કોર્સ કરવો જરૂરી છે. સ્નાતક થયા બાદ બે વર્ષના આ કોર્સમાં ફૂલ-ટાઈમ કોલેજ પર તાલીમ લેવા જવાનું હોય; શાળામાં જઈને ભણાવવાની પ્રેક્ટીસ કરવાની હોય, વિવિધ શૈક્ષણિક પદ્ધતિઓ વિષે જાણવાનું હોય, બાળ-મનોવિજ્ઞાન સમજવાનું હોય વગેરે વગેરે. એટલે આ તાલીમી કોર્સ કર્યા પછી એવી થોડીક આશા રાખી શકાય કે ભવિષ્યમાં આ તાલીમાર્થીઓ સારા શિક્ષકો બનીને સમાજને ઘડશે. [અલબત, ફૂલ-ટાઈમ બી.એડ. કર્યું હોય એ સારા શિક્ષક બનશે જ એવી ૧૦૦% આશા નથી રાખી શકાય તેમ કારણ કે શિક્ષક-પ્રશિક્ષણની આપણી પદ્ધતિઓ હજુ પણ Windows-98 છે! એમાં ભાગ્યે જ કંઇક નવાચાર થયો છે!]
પણ, માઈ લોર્ડ! આ ફૂલ-ટાઈમ બી.એડ.ના આદર્શના પછવાડે ગુજરાતમાં (બીજે પણ હશે પણ અત્યારે આપણું ઘર બચાવીએ) હજારો યુવક-યુવતીઓ આજે કોઈપણ પ્રકારની તાલીમ વગર, ઘેર બેઠા બી.એડ. કરી રહ્યાં છે (એટલે કે એક્સટર્નલ નહીં). આવી વ્યવસ્થામાં પરિણામ ઊંચું જ આવે એ સ્વાભાવિક છે. સરકાર પણ ફૂલટાઈમ કે ઘેર બેઠાં બી.એડ.ની વાસ્તવિકતા જાણે છે એટલે એણે TET/TAT નામની શિક્ષક-ભરતી પ્રક્રિયાની પરીક્ષા જરૂરી અઘરી બનાવી છે જેથી આવા નકલી-શિક્ષકો સરકારી શાળાઓમાં લગભગ ન આવે! નકલી બી.એડ. અને અસલી TET/TAT પાસ કરીને કેટલાક સરકારી શાળામાં આવી પણ જાય, આ તો MCQનો લક્કી ડ્રો છે!
પણ માની લો કે અસલી પ્રમાણપત્ર પામેલા નકલી શિક્ષકો સરકારી તંત્રમાં પસંદ થતાં નથી તો એ ક્યાં જશે? વહીં જહાં સબ જાતે હૈ! પ્રાઈવેટ શાળાઓમાં (ખાસ કરીને ૧-૮ ધોરણમાં). અહિયાં તો એથીય ખરાબ હાલત એ છે કે નકલી બી.એડ. પણ નથી કરેલું! એક્સટર્નલ કોલેજના એક-બે વર્ષ કરેલ, બપોર પછી બ્યુટી-પાર્લર ચલાવતી કે સિલાઈકામ કરતી સાડી પહેરલી “ટીચરૂ” છે જેમનો પગાર ૬-૭ હજારનો છે!!! હવે વિચાર કરો કે મધ્યમ વર્ગના જે વાલીઓ ઊંચી ફી ભરીને ઊંચા શિક્ષણની અપેક્ષા રાખે છે એ આવા નકલી શિક્ષકોના ભરોસે છે! બેચારા ઘણાં બધાં વાલીઓને એ ખબર જ નથી કે એમણે જે ડોકટરના ભરોસે બાળકને ઓપરેશન થીએટરમાં મોકલ્યું છે એ ડોક્ટર કોઈ દિવસ “દાકતરી” ભણવા ગયો/ગઈ જ નથી. રામ બોલો ભાઈ રામ!
હજુ આગળ જતાં વસતિનો બહુ મોટો હિસ્સો જે શાળા શિક્ષણમાં આવી રહ્યો એમનાં માટે સરકારી શાળાઓ ઘટવાની છે અને ખાનગી શાળાઓ વધવાની કારણકે દેશનું શિક્ષણ બઝેટ કોઈપણ નીતિમાં સૂચવાયેલ ૬% સુધી ક્યારેય પહોંચતું નથી. આ ખાનગી શાળાઓમાં શિક્ષકોની કાયમી ઘટમાં વધારો થશે. એટલે ‘નઈ મામા કરતાં કાણો મામો શું ખોટો’ એ ન્યાયે નકલી શિક્ષકો વધુને વધુ પાકતા જશે.
આમાંથી બચવા શું કરવું?
૧. સરકારે શું કરવું એની બધી જ સ્પષ્ટતા એણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં લખેલી છે; હવે એને અમલમાં મૂકો. વધુને વધુ સરકારી બી.એડ. (‘સારી’ અને ‘અપડેટેડ’) શરુ કરો.
૨. ખાનગી શાળા સંચાલકોએ ટૂંકાગાળાનો ફાયદો જતો કરીને માત્ર સારી તાલીમ પામેલા ગુણવત્તાયુક્ત શિક્ષકોની જ ભરતી કરવી જેથી શાળામાં શિક્ષણની ગુણવત્તા સુધારશે અને વધુ વિદ્યાર્થીઓ આવશે. એટલે વધુ ફી આવશે મોટા ભાઈ!!
૩. વાલીઓએ ખાનગી શાળાઓ પાસે એવો આગ્રહ રાખવો કે અમારાં બાળકને જે ભણાવે તે અસલી તાલીમબદ્ધ હોવા જોઈએ. બી.એડ. કર્યું હોય તો પણ એને આર્મીની જેમ સમયાંતરે અપડેટ કરો. જો એવું ના થાય તો બાળકોને સરકારી શાળામાં ભણાવો, એમાં ઓછું નુકશાન છે. કોઈપણ શાળામાં ભણાવો અને સાથોસાથ ટેકનોલોજીનો સહારો લઈને બાળકો થોડું થોડું જાતે ભણી શકે એવી વ્યવસ્થા તરફ પણ જઈ શકાય.
૪. ઘેર બેઠાં બી.એડ. કરનારા અને કરાવનારા લોકોએ પોતાને એક પ્રશ્ન પૂછવો કે શું હું ભવિષ્યમાં મારાં પોતાના સંતાનને આવા કોઈ નકલી શિક્ષકના હાથમાં સોંપીશ?
અન્ય નકલી ડીગ્રીઓની જેમ શિક્ષકની ડીગ્રી પણ નકલી મળવા લાગે એનો અર્થ એ થાય કે આપણે આત્મધાતી હુમલો કરવા માટે ઘરમાં જ અણુબોમ્બ સળગાવ્યા છે…હવે રાહ જોઈએ. કારણ કે અત્યારે નકલી શિક્ષકોની નિશ્રામાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે અને ભણશે એ ૧૫ વર્ષ બાદ વિચારવિહીન “નાગરિકો” બનશે. ત્યારે? આમાં કોર્સ કરનાર અને કરાવનાર બંનેને જેટલો ફાયદો થયા છે એના કરતા દસગણું નુકશાન સમાજને જાય છે અને હજુ આ નુકશાન ગુણોત્તર પ્રમાણમાં વધશે. સમાજ ઘડતરની સીધી જવાબદારી જેની છે એ શિક્ષકની તાલીમ આટલી “સસ્તી” અને “બજારુ” કેમ?
આ લખનાર અને બધાં જ જાણે છે કે નકલી બી.એડ. હજુ લાંબો સમય સુધી બંધ નહીં થાય, વાલીઓને દેખાદેખીની જેટલી ચિંતા છે એટલી બાળકોના યોગ્ય શિક્ષણની નથી, નકલી બી.એડ. કરાવનારને જો નૈતિક પ્રશ્નો થતા હોત તો એ શરુ જ ન કરેત, આવું બી.એડ. કરનાર વિદ્યાર્થીઓની આર્થિક-સામાજિક મજબૂરી પણ ઠીક-ઠીક વધી છે એટલે કંઈ ન થઇ શકે તો ચિંતા નહીં શિક્ષક તો “ગમે તેમ” થઈ જ શકાય છે!
તોય લખ્યું છે કારણ કે, જાગતે રહો..!